બ્રિક્સ બેઠક વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો: ‘ઇરાન સમજૂતી માટે મરી રહ્યું છે, પણ અમેરિકા જ નક્કી કરશે આગળ શું થશે’
તાજેતરની બ્રિક્સ સમિટ બાદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના નિવેદનોથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર સતત પોસ્ટ કરીને ટ્રમ્પે ઈરાન અંગે કડક વલણ અપનાવ્યું. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે તેહરાન અમેરિકા સાથે કરાર કરવા માટે બેચેન છે, પરંતુ હવે આ વાટાઘાટોમાં આગળ વધવું કે નહીં તેનો નિર્ણય અમેરિકાએ કરવાનો છે.

“ઇરાન એક નિષ્ફળ દેશ બની રહ્યો છે”
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં ઇરાનની અર્થવ્યવસ્થા અને વર્તમાન પરિસ્થિતિ પર કટાક્ષ કરતા લખ્યું કે જે દેશ ધીમે-ધીમે ‘નિષ્ફળ દેશ’ (Failed Nation) તરફ આગળ વધી રહ્યો છે, તે ગમે તેમ કરીને જલદીથી જલદી કોઈ ડીલ કરવા માટે છટપટાઈ રહ્યો છે. જોકે, અમેરિકા આ વિચાર માટે ખુલ્લું ચોક્કસ છે, પરંતુ તેમાં આગળ વધવું કે નહીં તેનો અંતિમ નિર્ણય સંપૂર્ણપણે તેમનો જ હશે.
ટ્રમ્પે પોતાના જૂના દિવસોને યાદ કરતા એવો દાવો પણ કર્યો કે તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન અમેરિકાએ ક્યારેય ઇરાનને પરમાણુ હથિયાર મેળવવા દીધા નહોતા.
મોંઘવારી માટે બાઇડેન પ્રશાસનને ઠેરવ્યું જવાબદાર
માત્ર ઇરાન જ નહીં, પરંતુ અમેરિકાની અંદર વધી રહેલી મોંઘવારીને લઈને પણ ટ્રમ્પે પોતાના અંદાજમાં પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનને આડે હાથ લીધા. તેમણે કહ્યું કે દેશમાં આકાશને આંબતી કિંમતોના અસલી જવાબદાર ‘સ્લીપી જો’ (જો બાઇડેન) અને તેમની નીતિઓ છે, તેમનું પ્રશાસન નહીં.
ટ્રમ્પે એવો પણ તર્ક રજૂ કર્યો કે બાઇડેનના કાર્યકાળમાં ક્રૂડ ઓઇલની કિંમતો વર્તમાન સમય કરતાં ઘણી વધારે હતી. તેમણે ભરોસો અપાવ્યો કે ઓઇલ સિવાયની બાકીની તમામ ચીજવસ્તુઓ ઝડપથી સસ્તી થઈ રહી છે. તેમનું માનવું છે કે ઇરાન સાથે ચાલી રહેલો વર્તમાન સૈન્ય સંઘર્ષ જેવો પૂરો થશે, તેલના ભાવ પણ ધડામ દઈને નીચે આવી જશે અને આ તણાવ વધુ લાંબો નહીં ખેંચાય.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સુરક્ષા પર દુનિયાને સંભળાવ્યું
પોતાના નિવેદનોના આગલા ક્રમમાં ટ્રમ્પે એક નવો અને મોટો મુદ્દો છેડ્યો છે. તેમણે માંગ કરી કે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) જેવા અત્યંત મહત્ત્વપૂર્ણ ઓઇલ માર્ગની સુરક્ષાનો ખર્ચ તે દેશોએ ઉઠાવવો જોઈએ જે તેનો ફાયદો ઉઠાવે છે.
ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે ઇરાન સાથેની આ ખેંચતાણના સમયમાં દુનિયાના એકપણ દેશે અમેરિકાની મદદ કરી નથી. તેમ છતાં, અમેરિકી સેનાએ આ દરિયાઈ માર્ગથી તેલની અવરજવરને સતત ચાલુ રાખી છે. તેમણે બેફામ શબ્દોમાં કહ્યું કે સંઘર્ષ પૂરો થયા પછી અમેરિકાને આ સુરક્ષા વ્યવસ્થા બદલ અન્ય દેશો પાસેથી ચૂકવણી મળવી જોઈએ અને દુનિયાના આ દેશો તેમ કરશે પણ ખરા.
આગળ શું?
વિશ્લેષકોનું માનવું છે કે બ્રિક્સ સંમેલનો અને આંતરરાષ્ટ્રીય મંચો પર બદલાતા સમીકરણો વચ્ચે ટ્રમ્પનું આ નિવેદન એ વાત સાબિત કરવા માટે પૂરતું છે કે અમેરિકા વૈશ્વિક વેપાર, સુરક્ષા અને ઊર્જાના કોરિડોર પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે ગમે તે હદ સુધી સોદાબાજી કરવા તૈયાર છે. ઇરાન અને વૈશ્વિક બજાર પર તેની શી અસર થશે, તે તો આવનારો સમય જ નક્કી કરશે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સુરક્ષા પર દુનિયાને સંભળાવ્યું