ઓમાનના અખાતથી ખાર્ગ ટાપુ સુધી લશ્કરી કાર્યવાહી: ઈરાની તેલ ટેન્કરો ક્ષતિગ્રસ્ત
અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્ય પૂર્વમાં ભૌગોલિક-રાજકીય તણાવ ફરી એકવાર અત્યંત ખતરનાક સપાટીએ પહોંચી ગયો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા કરવામાં આવેલા સત્તાવાર દાવા અનુસાર, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા બેલિસ્ટિક મિસાઇલો વડે યુએસ નેવીના યુદ્ધ જહાજને નિશાન બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉશ્કેરણીજનક હુમલાના કડક જવાબરૂપે અમેરિકી લશ્કરી દળોએ ૮ સપ્ટેમ્બરના રોજ મોટી લશ્કરી કાર્યવાહી કરીને ઈરાનના પાંચ ક્રૂડ ઓઇલ ટેન્કરોને સંપૂર્ણપણે નાશ કરી દીધા છે.
અમેરિકી સૈન્યના જણાવ્યા અનુસાર, યુએસ નેવીના અત્યાધુનિક યુદ્ધ જહાજોએ ઈરાની બેલિસ્ટિક મિસાઇલ હુમલાને હવામાં જ સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો હતો. આ ઘટનામાં કોઈ પણ અમેરિકન સૈનિક કે સર્વિસ મેમ્બરને ઈજા પહોંચી નથી અને યુએસ નેવીએ પ્રાદેશિક સમુદ્રી સીમામાં પોતાનું પેટ્રોલિંગ ચાલુ રાખ્યું છે.
ઓમાનના અખાતથી ખાર્ગ ટાપુ સુધી લશ્કરી સ્ટ્રાઈક
સેન્ટકોમના અહેવાલ મુજબ, ઈરાની દળોના સતત હુમલાના જવાબમાં યુએસ લશ્કરે ઓમાનના અખાતમાં IRGC ના ચાર વિશાળ ક્રૂડ ઓઇલ ટેન્કરોને નિશાન બનાવ્યા હતા. જેમાં M/T કાવિઝ, M/T ચારમિનાર, M/T હોરાઇઝન ૧ અને M/T રિસ્કોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઈરાનના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા ખાર્ગ ટાપુ નજીક ટેન્કર M/T ડેર્યા પર પણ અમેરિકી દળોએ ભીષણ હુમલો કર્યો હતો.
અમેરિકી સેનાએ સ્પષ્ટ કર્યું છે કે જહાજો પર હવાઈ હુમલો કરતા પહેલાં આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ જહાજ પરના ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર નીકળી જવાની ચેતવણી આપવામાં આવી હતી. ત્યારબાદ જ હુમલો કરીને આ તમામ ઓઈલ ટેન્કરોને ઓપરેશન માટે બિનઉપયોગી બનાવી દેવામાં આવ્યા હતા.
અબજો ડોલરના ગુપ્ત ઓઈલ નેટવર્ક પર ઘા
યુએસ સેન્ટ્રલ કમાન્ડે ગંભીર આરોપ મૂક્યો છે કે ઈરાન આ તેલ ટેન્કરોનો ઉપયોગ અબજો ડોલરના ગુપ્ત અને ગેરકાયદેસર નેટવર્કના ભાગરૂપે કરી રહ્યું હતું. આ નેટવર્કમાંથી મળતી કરોડો ડોલરની આવકનો ઉપયોગ IRGC અને મધ્ય પૂર્વમાં તેના પ્રાદેશિક સહયોગી સંગઠનોને નાણાકીય ભંડોળ પૂરું પાડવા માટે કરવામાં આવતો હતો. નોંધનીય છે કે આ અગાઉ ૫ સપ્ટેમ્બરના રોજ પણ યુએસ એરક્રાફ્ટ કેરિયર પરના ઈરાની હુમલાના જવાબમાં અમેરિકાએ ત્રણ ઈરાની ટેન્કરો નષ્ટ કર્યા હતા.
ઈરાનનો પલટવાર: જોર્ડનમાં યુએસ બેઝ પર મિસાઈલ હુમલા
પોતાના ઓઈલ ટેન્કરો પર થયેલા આક્રમક હુમલાના વિરોધમાં ઈરાનના IRGC એ બુધવારે જોર્ડનમાં આવેલા અમેરિકી લશ્કરી મથક પર વળતો પ્રહાર કર્યો હતો. ઈરાની સરકારી ન્યૂઝ એજન્સી IRNA ના અહેવાલ મુજબ, ઈરાને જોર્ડન સ્થિત યુએસ સેનાના ‘અલ-અઝરાક’ મથકને લક્ષ્ય બનાવીને ભારે બેલિસ્ટિક મિસાઈલોનો મારો ચલાવ્યો હતો.
બીજી તરફ, જોર્ડન સૈન્યના સત્તાવાર નિવેદન મુજબ, ઈરાન તરફથી છોડવામાં આવેલી ૨૦ માંથી ૧૮ મિસાઈલોને જોર્ડનની એર ડિફેન્સ સિસ્ટમે હવામાં જ તોડી પાડી હતી. બાકીની બે મિસાઈલો નિર્જન વિસ્તારમાં પડી હતી, જેથી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી. આ ઘટના બાદ સમગ્ર મધ્ય પૂર્વ વિસ્તારમાં યુદ્ધનો ભય ગાઢ બન્યો છે.
