બે મોટા વિમાન દુર્ઘટનાઓ, ૪૪૧ ટેસ્ટ ફ્લાઇટ્સ અને લાંબી પ્રતીક્ષા બાદ બોઇંગ ૭૩૭ મેક્સ ૭ ને અમેરિકામાં મળી મંજૂરી
આકાશમાં ઉડતા વિમાનમાં મુસાફરી કરવી એ આજના સમયમાં સૌથી ઝડપી અને લોકપ્રિય માધ્યમ છે, પરંતુ જ્યારે આ સુરક્ષા સાથે ચેડા થાય છે ત્યારે સવાલ માત્ર એક મશીનનો નથી રહેતો, પરંતુ સેંકડો નિર્દોષ લોકોના જીવનો બની જાય છે. એવિએશન જગતની દિગ્ગજ કંપની બોઇંગ (Boeing) માટે છેલ્લા કેટલાક વર્ષો અત્યંત કઠિન અને પડકારજનક રહ્યા છે. પરંતુ હવે કંપની માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ આખરે બોઇંગના વિવાદાસ્પદ અને સૌથી નાના સિંગલ-આઈલ વિમાન બોઇંગ ૭૩૭ મેક્સ ૭ (Boeing 737 MAX 7) ને સત્તાવાર રીતે પ્રમાણિત (Certify) કરી દીધું છે. તેની પહેલી ઉડાનના આશરે આઠ વર્ષ પછી આ મંજૂરી મળી છે, જેનાથી બોઇંગ કંપનીએ રાહતનો શ્વાસ લીધો છે.
આ મંજૂરી મળવાના સમાચાર જાહેર થતાની સાથે જ શેરબજારમાં બોઇંગના શેરમાં ૮ ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. આ એ વાતની સાક્ષી પૂરે છે કે રોકાણકારો અને એવિએશન માર્કેટ માટે આ એક ખૂબ જ મોટો અને સકારાત્મક સીમાચિહ્ન સમાન છે. જોકે, આ મુકામ સુધી પહોંચવું બોઇંગ માટે બિલકુલ સરળ નહોતું. ભૂતકાળમાં બનેલી ગંભીર દુર્ઘટનાઓ અને કડક કાનૂની તેમજ ટેકનિકલ પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ આ મંજૂરી મળી છે.

ભૂતકાળના કાળા પડછાયા: ૨૦૧૮ અને ૨૦૧૯ની ભયાનક દુર્ઘટનાઓ
બોઇંગ ૭૩૭ મેક્સ શ્રેણીના વિમાનો લાંબા સમયથી વિવાદો અને સુરક્ષા તપાસના કેન્દ્રમાં રહ્યા છે. આ મોડેલની મંજૂરીમાં આટલું મોટું વિલંબ થવાનું મુખ્ય કારણ વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯ દરમિયાન બનેલી બે અત્યંત દુખદ અને ભયાનક વિમાન દુર્ઘટનાઓ હતી. આ દુર્ઘટનાઓ બાદ ફેડરલ કાયદાઓ હેઠળ નવા અને અત્યંત કડક સુરક્ષા માપદંડો ઉમેરવામાં આવ્યા હતા, જેને પૂરતા પ્રમાણમાં પાર કરવા અનિવાર્ય બન્યા હતા.
પ્રથમ દુર્ઘટના (ઓક્ટોબર ૨૦૧૮): ઇન્ડોનેશિયાની લાયન એર ફ્લાઇટ ૬૧૦ (Lion Air Flight 610) જે બોઇંગ ૭૩૭ મેક્સ ૮ વિમાન હતું, તે જકાર્તાથી ઉડાન ભર્યાની માત્ર ૧૩ મિનિટની અંદર જ જાવા સમુદ્રમાં ક્રેશ થઈ ગયું હતું. આ ભીષણ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ ૧૮૯ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા.
બીજી દુર્ઘટના (માર્ચ ૨૦૧૯): હજુ આ આઘાતમાંથી દુનિયા બહાર આવી નહોતી ત્યાં જ થોડા મહિનાઓ પછી, ૧૦ માર્ચ ૨૦૧૯ ના રોજ ઇથોપિયન એરલાઇન્સની ફ્લાઇટ ૩૧૨ (જે આજ મોડેલનું હતું) બિશોફ્ટુ નજીક ક્રેશ થઈ ગઈ. આ દુર્ઘટનામાં પણ ૧૫૭ નિર્દોષ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા.
આ બંને જીવલેણ દુર્ઘટનાઓએ વૈશ્વિક સ્તરે બોઇંગની સુરક્ષા પ્રણાલી પર સવાલો ઊભા કર્યા હતા. પરિણામે, કંપનીએ પોતાની ફ્લાઇટ્સ ગ્રાઉન્ડેડ કરવી પડી હતી અને ૨૦૧૯માં જ શરૂ થનારી ‘મેક્સ ૭’ ની વાણિજ્યિક કામગીરી અનિશ્ચિત સમય માટે ઠેબે ચડી ગઈ હતી.
૨૦૨૪ની તાજેતરની ઘટના અને કટોકટીનો દોર
માત્ર એ બે દુર્ઘટનાઓ જ નહીં, પરંતુ તાજેતરના સમયમાં પણ બોઇંગની મુશ્કેલીઓમાં કોઈ ઘટાડો થયો નહોતો. જાન્યુઆરી ૨૦૨૪ માં વધુ એક આઘાતજનક ઘટના બની, જ્યારે અલાસ્કા એરલાઇન્સ (Alaska Airlines) ની ફ્લાઇટ હવામાં હતી ત્યારે જ તેના વિમાનનો ફ્યુઝલેજ પેનલ (Fuselage Panel) અચાનક વિસ્ફોટ સાથે ફાટીને બહાર નીકળી ગયો હતો. મધ્ય આકાશમાં બનેલી આ ઘટનાથી મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને આ ઘટનાએ ફરી એકવાર બોઇંગની મેન્યુફેક્ચરિંગ ક્વોલિટી અને સેફ્ટી કલ્ચર પર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ખડા કરી દીધા હતા. આ તમામ મુશ્કેલીઓના કારણે બોઇંગ કંપની વર્ષો સુધી મોટા આર્થિક અને પ્રતિષ્ઠાત્મક સંકટ (Slump) માં ફસાયેલી રહી હતી.

૪૪૧ ટેસ્ટ ફ્લાઇટ્સ અને ૬૮૬ કલાકની કઠિન પરીક્ષા
અમેરિકન એવિએશન રેગ્યુલેટર FAA ના જણાવ્યા અનુસાર, બોઇંગ ૭૩૭ મેક્સ ૭ ને પ્રમાણિત કરવાની આ સમગ્ર પ્રક્રિયા લગભગ એક દાયકાની લાંબી સમીક્ષા અને જટિલ ટેકનિકલ સમસ્યાઓને ઉકેલવાના સખત પરિશ્રમ બાદ પૂરી થઈ છે.
વિમાનની સુરક્ષાને સર્વોપરી ગણીને કડક પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા:
આ વિમાને સુરક્ષા માપદંડો પર ખરું ઉતરવા માટે કુલ ૪૪૧ ફ્લાઇટ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા.
આ તમામ પરીક્ષણો દરમિયાન વિમાને હવામાં કુલ ૬૮૬ કલાક વિતાવ્યા હતા.
અમેરિકન નિયમનકારોએ વિમાનની ડિઝાઇન, સલામતી પ્રણાલીઓ અને એન્જિનિયરિંગમાં વ્યાપક ફેરફારો કર્યા, અને મંજૂરી આપતા પહેલા વધારાના પરીક્ષણો હાથ ધર્યા. બોઇંગ કોમર્શિયલ એરપ્લેન્સના પ્રમુખ સ્ટેફની પોપે આ સિદ્ધિ પર આનંદ વ્યક્ત કરતા કહ્યું, “આ મહત્વપૂર્ણ પ્રમાણપત્ર અમારા વિમાનની ડિઝાઇનની મજબૂતાઈ અને અમારી 737 મેક્સ ડેવલપમેન્ટ ટીમના અતૂટ સમર્પણ અને સ્થિતિસ્થાપકતા દર્શાવે છે.” તેમણે ઉમેર્યું કે ટીમનું ધ્યાન તમામ નિયમનકારી આવશ્યકતાઓને પૂર્ણ કરવા અને ગ્રાહકોને સુરક્ષિત અને વધુ સક્ષમ વિમાન પહોંચાડવા પર હતું. કંપની હવે નજીકના ભવિષ્યમાં વાઇડ-બોડી પ્લેન ‘777X’ ને મંજૂરી આપવા માટે નિયમનકારો સાથે પણ કામ કરી રહી છે.
કડક શરતો અને સુરક્ષાના નવા નિયમો
જોકે, સત્તાવાર રીતે સહી કરતા પહેલા FAA એ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં કોઈ જોખમ ન રહે તે માટે બોઇંગે કેટલાક મહત્વપૂર્ણ સુરક્ષા ફેરફારો કરવા પડશે. આ ફેરફારોમાં ફ્લાઇટ-કંટ્રોલ સોફ્ટવેરનું અપડેટ, પાયલટો માટે કોકપિટ એલર્ટ્સ વધુ બહેતર બનાવવા અને એન્જિનના ઓવરહિટીંગને અટકાવવા માટે ‘એન્ટી-આઈસ સિસ્ટમ’ (Anti-ice System) ની નવેસરથી ડિઝાઇન સામેલ છે.
આ ઉપરાંત, એવિએશન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સેફ્ટી ઇન્સ્પેક્ટર્સ હવે બોઇંગના પ્રોડક્શન યુનિટ્સ પર સતત નજર રાખશે. તેઓ કંપનીના સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ અને એકંદર સેફ્ટી કલ્ચરનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરતા રહેશે, જેથી ગુણવત્તામાં ક્યારેય કોઈ ક્ષતિ ન રહી જાય. મહત્તમ ૧૭૨ સીટોની ક્ષમતા ધરાવતા આ નવા બોઇંગ ૭૩૭ મેક્સ ૭ ની મંજૂરી એ સાબિત કરે છે કે ઓટોમોબાઈલ કે એવિએશન ક્ષેત્રે ગ્રાહકોની સલામતી સાથે ક્યારેય સમાધાન ન થઈ શકે, અને ભૂતકાળની ભૂલોમાંથી શીખીને જ આગળ વધી શકાય છે.