વેરો નહીં ભરનાર મિલકતધારકો સામે કડક કાર્યવાહી, માર્ચ સુધી લક્ષ્યાંક પૂર્ણ કરવા મનપાનો દૃઢ નિર્ધાર
વાપી મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગે બાકી વેરો વસૂલવા માટે આક્રમક વલણ અપનાવ્યું છે. ફેબ્રુઆરી મહિના દરમિયાન પાલિકાની ટીમે વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરીને ૧૩૭ જેટલી મિલકતોને સીલ મારી દીધા હતા. આ કડક પગલાંને કારણે સ્થળ પર જ ૧.૦૮ કરોડ રૂપિયાની વસૂલાત થઈ હતી, જ્યારે કુલ મળીને ૧.૯૩ કરોડ રૂપિયાનો વેરો સરકારી તિજોરીમાં જમા થયો છે. મ્યુનિસિપલ કમિશનર યોગેશ ચૌધરીએ માર્ચ મહિના સુધીમાં વેરા વસૂલાતનો લક્ષ્યાંક પૂરો કરવા કડક આદેશો આપ્યા છે.
નોટિસ છતાં વેરો નહીં ભરનાર ૧૩૭ મિલકતોને માર્યા તાળા
પાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં જે મિલકતધારકોએ વેરો ભરવામાં આળસ કરી હતી, તેમની સામે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં નહેરૂ સ્ટ્રીટનું ગેરેજ, ચલા વિસ્તારમાં આવેલી બેંકની શાખા, ક્લિનિક અને સહારા માર્કેટની ૧૧ ઓફિસો સહિત અનેક દુકાનોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં અંદાજે ૩૨૦૦ જેટલા મિલકત ધારકોને નોટિસો ફટકારવામાં આવી છે અને વેરો નહીં ભરાય ત્યાં સુધી આ સીલિંગની ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે.
ઓનલાઈન ટેક્સ ભરવાની સુવિધા અને રજાના દિવસે પણ કચેરી ચાલુ
મિલકત ધારકોની સુવિધા માટે વાપી મહાનગરપાલિકાએ ઓનલાઈન વેરો ભરવાની વ્યવસ્થા કરી છે. નાગરિકો vapicity.in વેબસાઈટ પર જઈને ઘરે બેઠા પોતાનો ટેક્સ ભરી શકે છે. આ ઉપરાંત, માર્ચ મહિનામાં આવતી જાહેર રજાના દિવસોમાં પણ મહાનગરપાલિકાની કચેરીઓ ખુલ્લી રાખવામાં આવશે, જેથી લોકો રૂબરૂ જઈને પણ વેરો ભરી શકે. પાલિકાનો ઉદ્દેશ્ય છે કે લોકો ભીડ કે સમયના અભાવે દંડથી બચી શકે અને સરળતાથી પોતાની જવાબદારી પૂરી કરી શકે.
સમયસર વેરો નહીં ભરો તો ૧૨% વ્યાજ અને જપ્તીની તૈયારી
મિલકત ધારકો માટે ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીની મુદત ખૂબ જ મહત્વની છે. માર્ચ મહિનાથી બાકી વેરા પર ૬% લેખે દંડનીય વ્યાજ લાગવાનું શરૂ થશે અને જો ૩૧ માર્ચ સુધીમાં નાણાં જમા નહીં કરવામાં આવે તો આ વ્યાજ વધીને ૧૨% થઈ જશે. પાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે હજુ પણ જો વેરો ભરવામાં નહીં આવે તો મિલકત જપ્તી જેવી આકરી કાર્યવાહી થઈ શકે છે. તેથી, વધારાના વ્યાજ અને કાયદાકીય મુશ્કેલીથી બચવા માટે સમયસર પ્રોપર્ટી ટેક્સ ભરી દેવા અપીલ કરવામાં આવી છે.

