ફિલ્મ અભિનેતા,ડિરેક્ટર અને પટકથા લેખક સતીષ કૌશિકનું હાર્ટ અટેક આવતા અચાનક અવસાન

0
41

જીવનમાં મૃત્યુ ક્યારે આવી જાય તે કહેવાય નહીં હજુ બે દિવસ પહેલાં જ જાવેદ અખ્તરના ઘરે હર્ષોલ્લાસ ભેર હોળી ઉજવનાર અને તેની તસવીરો હોંશે હોંશે સોશિયલ મીડિયા પર શૅર કરનાર ફિલ્મ અભિનેતા, ડિરેક્ટર અને પટકથા લેખક સતીષ કૌશિકનું આજે ગુરુવારે વહેલી સવારે 67 વર્ષની વયે હાર્ટ અટેકને કારણે અવસાન થયુ છે

સોશિયલ મીડિયા પર તેમના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રો તથા ચાહકોમાં  શોકનું મોજું ફરી વળ્યું છે

અચાનક અલવિદા કરી જનારા સતીષ કૌશિકના પરિવારમાં તેમનાં પત્ની શશિ કૌશિક અને એક દીકરી વંશિકા છે. 1996માં એમનો દીકરો શાનુ કૌશિક માત્ર બે વર્ષની ઉંમરે અવસાન પામ્યો હતો ત્યારબાદ 2012માં સરોગસીથી જન્મેલી પુત્રી વંશિકા હાલ માત્ર 11 વર્ષની છે.

13 એપ્રિલ 1956ના રોજ હરિયાણાના મહેન્દ્રગઢમાં જન્મેલા સતીષ કૌશિક કૌશિકે દિલ્હીની ‘નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા’ તથા પુણેની ‘ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા’ જેવી ખ્યાતનામ સંસ્થાઓમાં અભ્યાસ કર્યો હતો. 1983માં આવેલી કુંદન શાહની કલ્ટ ક્લાસિક કોમેડી ફિલ્મ ‘જાને ભી દો યારોં’થી તેમણે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. એ જ વર્ષે એમણે અનીલ કપૂર સાથેની ‘વો સાત દિન’, શેખર કપૂરની ‘માસૂમ’ અને શ્યામ બેનેગલની ‘મંડી’ જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. અભિનેતા તરીકે ‘મિ. ઇન્ડિયા’, ‘સ્વર્ગ’, ‘જમાઈ રાજા’, ‘સાજન ચલે સસુરાલ’, ‘દીવાના મસ્તાના’, ‘બડે મિયાં છોટે મિયાં’, ‘હમારા દિલ આપકે પાસ હૈ’, ‘હદ કર દી આપને’, ‘દુલ્હન હમ લે જાયેંગે’ જેવી અઢળક ફિલ્મોમાં જોવા મળ્યા હતા. છેલ્લે તેઓ રિશિ કપૂર જેને અધૂરી મૂકીને અવસાન પામેલા તે ફિલ્મ ‘શર્માજી નમકીન’ અને અનિલ કપૂર સાથેની ‘થાર’માં તથા નુસરત ભરૂચાની ફિલ્મ ‘છત્રીવાલી’માં જેવા મળ્યા હતા. તેમની કંગના રણૌત અભિનીત પિરિયડ ફિલ્મ ‘ઇમર્જન્સી’ હજુ રિલીઝ થવાની બાકી છે, જેમાં તેમણે ‘બાબુ જગજીવન રામ’ની ભૂમિકા ભજવી છે. ત્રણ વર્ષ પહેલાં આવેલી પ્રતીક ગાંધીની ‘સ્કેમ 1992’માં પણ તેમનો અભિનય વખણાયો હતો.

રાજ એન્ડ ડીકે દ્વારા બનાવાઈ રહેલી સિરીઝ ‘ગન્સ એન્ડ ગુલાબ્સ’માં હવે તેઓ જોવા મળશે. જે હવે તેમની છેલ્લી યાદગીરીઓ બનીને રહી જશે.

‘તેરે નામ’ના ડિરેક્ટર સતીષ કૌશિકે 1993માં અનિલ કપૂર-શ્રીદેવી સ્ટારર મોંઘીદાટ ફિલ્મ ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ ડિરેક્ટ કરી હતી, જે સુપરફ્લોપ રહી હતી. એ પછી એમણે ‘હમ આપકે દિલ મેં રહતે હૈ’, ‘હમારા દિલ આપકે પાસ હૈ’, ‘મુઝે કુછ કહના હૈ’, ‘તેરે નામ’, ‘કાગઝ’ જેવી ફિલ્મો બનાવી હતી.

1990માં આવેલી સુભાષ ઘઈની ફિલ્મ ‘રામ-લખન’ અને 1997ની ગોવિંદા સાથેની ડેવિડ ધવનની ફિલ્મ ‘સાજન ચલે સસુરાલ’ માટે કૌશિકને બેસ્ટ કોમેડિયનનો ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો.