બિહાર ચૂંટણીને સુપ્રીમ કોર્ટમાં પડકાર: જનસુરાજે લાખો મતદારોને રોકડ વિતરણનો લગાવ્યો આરોપ
2025ની બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોને પડકારતા જનસુરાજ પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ચૂંટણી દરમિયાન સત્તાધારી ગઠબંધને ‘મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના’ હેઠળ અંદાજે 25 થી 35 લાખ મહિલા મતદારોના ખાતામાં 10-10 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, જ્યારે તે સમયે આદર્શ આચારસંહિતા લાગુ હતી.
ચૂંટણી રદ કરવાની માંગ
જનસુરાજ પાર્ટીની અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે બિહાર વિધાનસભા ચૂંટણી રદ કરવામાં આવે અને રાજ્યમાં ફરીથી મતદાન કરાવવામાં આવે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે આચારસંહિતા દરમિયાન માત્ર પૈસા જ વહેંચવામાં આવ્યા નહોતા, પરંતુ યોજનામાં નવા લાભાર્થીઓને પણ ઉમેરવામાં આવ્યા હતા, જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. પાર્ટીએ આને બંધારણની કલમ 14, 21, 112, 202 અને 324નું ઉલ્લંઘન ગણાવ્યું છે.
‘જીવિકા’ ગ્રુપની તૈનાતી પર સવાલ
અરજીમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે ‘જીવિકા’ જૂથની અંદાજે 1.8 લાખ મહિલા કાર્યકરોને ચૂંટણી દરમિયાન પોલિંગ બૂથ પર તૈનાત કરવામાં આવી હતી, જેનાથી ચૂંટણીની નિષ્પક્ષતા પ્રભાવિત થઈ હતી. જનસુરાજે ચૂંટણી પંચને વિનંતી કરી છે કે ભવિષ્યમાં કોઈપણ કલ્યાણકારી યોજના અથવા રોકડ હસ્તાંતરણ માટે ચૂંટણીથી ઓછામાં ઓછો 6 મહિનાનો અંતર રાખવામાં આવે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
આ અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની આગેવાની હેઠળની બેન્ચ દ્વારા શુક્રવારે, 6 ફેબ્રુઆરી 2026 ના રોજ કરવામાં આવશે.
તાજેતરમાં યોજાયેલી બિહાર ચૂંટણીમાં ભાજપ અને નીતીશ કુમારની જેડીયુના NDA ગઠબંધને 202 બેઠકો જીતીને ભારે બહુમતી મેળવી છે. બીજી તરફ, પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતરેલી જનસુરાજ પાર્ટીએ 238 બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ એક પણ બેઠક પર જીત મેળવી શકી નથી. ચૂંટણી પરિણામો આવ્યા બાદ પાર્ટીના નેતા પ્રશાંત કિશોરે કહ્યું હતું કે ચૂંટણીના પરિણામો કલ્યાણકારી યોજનાઓ અને રોકડ વિતરણની અસરથી પ્રભાવિત થયા છે.

