સીરિયામાં 14 વર્ષ પછી ખુલશે અમેરિકી દૂતાવાસ! જાણો શું છે પ્લાન અને ક્યારથી શરૂ થશે સૈનિકોની વતન વાપસી?
સીરિયાના ગૃહયુદ્ધ અને બદલાતી રાજકીય સ્થિતિ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અંદાજે 14 વર્ષના લાંબા અંતરાલ બાદ સીરિયાના દમાસ્કસમાં પોતાનું દૂતાવાસ (Embassy) ફરીથી ખોલવાની તૈયારી કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, આ બાબતે 10 ફેબ્રુઆરીએ અમેરિકી કોંગ્રેસની સમિતિઓને નોટિસ મોકલવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આગામી 15 દિવસમાં આ યોજના પર અમલ શરૂ કરી દેવામાં આવશે.
2012ના ગૃહયુદ્ધ બાદ બંધ થયું હતું દૂતાવાસ
સીરિયામાં વર્ષ 2011-12 દરમિયાન ફાટી નીકળેલા ભીષણ સિવિલ વોરને કારણે સુરક્ષાના કારણોસર અમેરિકાએ ફેબ્રુઆરી 2012માં દમાસ્કસ સ્થિત પોતાનું દૂતાવાસ બંધ કરી દીધું હતું. ત્યારથી સીરિયા અને અમેરિકા વચ્ચેના રાજદ્વારી સંબંધો તણાવપૂર્ણ રહ્યા હતા. હવે, સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ કામગીરીને ધીરે ધીરે ફરી શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે, જે મધ્ય-પૂર્વના રાજકારણમાં એક નવો વળાંક માનવામાં આવે છે.
બશર અલ-અસદની સત્તા ગયા બાદ બદલાયા સમીકરણો
ડિસેમ્બર 2024માં સીરિયાના લાંબા સમયના શક્તિશાળી નેતા બશર અલ-અસદને સત્તા પરથી હટાવ્યા બાદ ટ્રમ્પ વહીવટીતંત્ર સીરિયા સાથેના સંબંધો સુધારવા પર ભાર મૂકી રહ્યું છે. સીરિયા માટેના અમેરિકાના વિશેષ દૂત ટોમ બેરક આ પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. બેરકે સીરિયાના નવા નેતૃત્વ અહેમદ અલ-શરા સાથે તાલમેલ વધારવાની હિમાયત કરી છે. એટલું જ નહીં, ગયા મે મહિનામાં બેરકે દમાસ્કસની મુલાકાત લઈ એમ્બેસી કમ્પાઉન્ડમાં અમેરિકી ધ્વજ પણ લહેરાવ્યો હતો.
સીરિયા હવે ઇસ્લામિક સ્ટેટ (IS) વિરુદ્ધ લડતમાં સામેલ
એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, સીરિયાએ ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ લડતા આંતરરાષ્ટ્રીય ગઠબંધન (D-ISIS Coalition) માં જોડાવાનો નિર્ણય લીધો છે. રિયાધમાં મળેલી બેઠકમાં સીરિયાની સહભાગીદારીને ટોમ બેરકે ‘સામૂહિક સુરક્ષાના નવા પ્રકરણ’ તરીકે ઓળખાવી છે. અમેરિકા હવે સીરિયા પરથી આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હટાવવા અને તેને ફરીથી વૈશ્વિક સમુદાયમાં સામેલ કરવાના પક્ષમાં દેખાઈ રહ્યું છે.
અમેરિકી સૈનિકોની વિદાય: એક દાયકા જૂના મિશનનો અંત
દૂતાવાસ ખુલવાની સાથે જ અમેરિકા સીરિયામાંથી પોતાના અંદાજે 1,000 સૈનિકોને પાછા બોલાવી રહ્યું છે. આ સાથે જ સીરિયામાં છેલ્લા એક દાયકાથી ચાલી રહેલા અમેરિકી સૈન્ય અભિયાનનો અંત આવશે. મીડિયા અહેવાલો મુજબ, અમેરિકાએ વ્યૂહાત્મક રીતે મહત્વના ગણાતા અલ-તનફ ગેરીસન અને ઉત્તર-પૂર્વી સીરિયાના અલ-શદ્દાદી બેઝ પરથી સૈનિકો હટાવવાની કામગીરી પૂર્ણ કરી લીધી છે. બાકીના સૈનિકો પણ આગામી બે મહિનામાં વતન પરત ફરે તેવી શક્યતા છે.

