“નાહારી સખી મંડળ” દ્વારા બાર મહિલાઓનું સ્વરોજગાર મોડલ, મિલેટથી આરોગ્ય જાગૃતિ
ગાંધીનગરમાં આયોજિત ‘વસંતોત્સવ’ માત્ર મનોરંજનનું કેન્દ્ર નથી, પણ અનેક કલાકારો અને ઉદ્યોગસાહસિકોની સફળતાની ગાથા પણ છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના વતની સુશીલાબેન કોકણીએ એક આદિવાસી મહિલા તરીકે ખેતીમાં નવો રાહ ચીંધ્યો છે. તેઓ માત્ર પરંપરાગત ખેતી નથી કરતા, પરંતુ પ્રાકૃતિક પદ્ધતિથી રાગી (નાગલી) અને અન્ય મિલેટ ધાન્ય પકવીને તેને લોકોના રસોડા સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. રાસાયણિક ખાતરમુક્ત તેમનો આ આહાર આજે સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવી રહ્યો છે.
‘નાહારી સખી મંડળ’: બાર સખીઓ સાથે આત્મનિર્ભરતાનું મોડેલ
સુશીલાબેને પોતાની બાર સખીઓ સાથે મળીને “નાહારી સખી મંડળ” નામનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે, જે આજે સ્વરોજગારનું એક શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે. આ મંડળ દ્વારા નાગલીના પાપડ, પાપડી, બિસ્કિટ, સેવ અને લોટ જેવી પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત તેઓ દેશી મધ, અડદ-તુવેરની દાળ, કડાના ચોખા અને વિવિધ દેશી ચટણીઓનું પણ વેચાણ કરે છે. આ સખી મંડળની મહેનતને કારણે આજે ઘર-ઘર સુધી શુદ્ધ અને પૌષ્ટિક આહાર પહોંચી રહ્યો છે.
નાગલી: રોગમુક્ત સમાજ અને પોષણ માટે અમૃત સમાન
સુશીલાબેનના જણાવ્યા મુજબ, આજના સમયમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જાગૃત થયા છે, તેથી નાગલી આધારિત વસ્તુઓની માંગ વધી છે. નાગલીમાં કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે બાળકોમાં કુપોષણ દૂર કરવા અને ડાયાબિટીસ કે હૃદયરોગ જેવા દર્દીઓ માટે અત્યંત ગુણકારી છે. મેદસ્વિતા ઘટાડવા માંગતા લોકો માટે પણ નાગલી એક ઉત્તમ વિકલ્પ છે. સુશીલાબેન અને તેમની ટીમ માત્ર ગુજરાતમાં જ નહીં, પણ દિલ્હી, મધ્યપ્રદેશ અને ઓડિશા જેવા રાજ્યોમાં પણ પોતાના ઉત્પાદનો વેચી ચૂક્યા છે.
વસંતોત્સવમાં આકર્ષણનું કેન્દ્ર અને સરકારનો આભાર
ગાંધીનગરના વસંતોત્સવમાં સુશીલાબેનના સ્ટોલ પર મળતી રાગીની વિવિધ વાનગીઓ મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. સુશીલાબેન પોતાની આ સફળતાનો શ્રેય ગુજરાત સરકારને આપે છે. તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા મળતા પ્રોત્સાહન અને વસંતોત્સવ જેવા પ્લેટફોર્મને કારણે જ તેમના જેવા ગ્રામીણ મહિલા ઉદ્યોગકારોને રાષ્ટ્રીય ઓળખ મળી છે. તેમની આ સફર આજે હજારો મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાની નવી આશા જગાવી રહી છે.

