તેહરાનમાં ખમેનીના નિવાસસ્થાન પર ઈઝરાયેલનો ભીષણ હુમલો: સેટેલાઈટ તસવીરોમાં ભારે તબાહીના દ્રશ્યો
મધ્ય-પૂર્વમાં યુદ્ધની જ્વાળાઓ વધુ પ્રબળ બની છે. અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત સૈન્ય અભિયાન અંતર્ગત ઈરાનની રાજધાની તેહરાનમાં સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખમેનીના કમ્પાઉન્ડને નિશાન બનાવવામાં આવ્યું છે. તાજેતરમાં સામે આવેલી સેટેલાઈટ તસવીરોમાં ખમેનીના સત્તાવાર નિવાસસ્થાનને ભારે નુકસાન થયું હોવાનું સ્પષ્ટ દેખાય છે. ઈઝરાયેલની સેના (IDF) એ આ કાર્યવાહીને ‘ઓપરેશન રોરિંગ લાયન’ નામ આપ્યું છે.
સુપ્રીમ લીડરના કમ્પાઉન્ડમાં અનેક ઇમારતો જમીનદોસ્ત
સામે આવેલી સેટેલાઈટ ઇમેજ મુજબ, તેહરાન સ્થિત સુપ્રીમ લીડરના હાઈ-પ્રોફાઈલ કમ્પાઉન્ડમાં આવેલી અનેક મહત્વની ઇમારતો નાશ પામી છે. આ સંકુલનો ઉપયોગ ખમેનીના સત્તાવાર નિવાસસ્થાન અને વ્યૂહાત્મક બેઠકો માટે કરવામાં આવતો હતો. ઈઝરાયેલના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ હુમલાનો મુખ્ય ઉદ્દેશ્ય સુપ્રીમ લીડર અલી ખમેની અને રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સહિતના ટોચના નેતૃત્વને નિશાન બનાવવાનો હતો. જોકે, આ નેતાઓની વર્તમાન સ્થિતિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
IRGC ચીફ જનરલ મોહમ્મદ પકપૂરના મોતનો દાવો
આ હુમલામાં ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના વડા જનરલ મોહમ્મદ પકપૂર પણ માર્યા ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, જૂન 2025માં અગાઉના પ્રમુખ હુસૈન સલામીના મોતના બાદ પકપૂરે કમાન સંભાળી હતી. ઈઝરાયેલી ગુપ્તચર સંસ્થાઓનું અનુમાન છે કે પકપૂરની સાથે ઈરાનના સંરક્ષણ મંત્રી અને ઈન્ટેલિજન્સ ચીફ પણ આ હુમલાનો શિકાર બન્યા હોઈ શકે છે. જોકે, ઈરાન કે ઈઝરાયેલની સેનાએ હજુ સુધી આ મોતના સમાચારોની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
મહિનાઓના આયોજન બાદ વહેલી સવારે ‘સર્પ્રાઇઝ’ એટેક
IDF ના જણાવ્યા અનુસાર, આ ઓપરેશનની તૈયારી છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહી હતી. ઈઝરાયેલી ગુપ્તચર વિભાગ સતત ઈરાની કમાન્ડરો અને નેતાઓના લોકેશન પર નજર રાખી રહ્યું હતું. સેનાએ જણાવ્યું કે, “અમે એવા સમયની રાહ જોઈ રહ્યા હતા જ્યારે તમામ મોટા નેતાઓ એક જ સ્થળે હાજર હોય.” ઈરાન હુમલાની આશંકા વચ્ચે સતર્ક હોવા છતાં, ઈઝરાયેલે રાતના બદલે વહેલી સવારે હુમલો કરીને ઈરાનને ચોંકાવી દીધું હતું. અમેરિકાએ પણ આ મિશનમાં સીધી ભાગીદારી કરી છે, જે ઈઝરાયેલની સૈન્ય ક્ષમતા પરના તેમના વિશ્વાસને દર્શાવે છે.
મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધનો ભય
ડોનાલ્ડ ટ્રમ્પે પણ પુષ્ટિ કરી છે કે અમેરિકાએ ઈરાનમાં મોટું સૈન્ય અભિયાન શરૂ કર્યું છે. આ હુમલાના જવાબમાં ઈરાને પણ ઈઝરાયેલ અને ખાડી દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ મારો ચલાવ્યો છે. બંને પક્ષો વચ્ચે વધતા જતા આ હુમલાઓએ સમગ્ર મધ્ય-પૂર્વને મોટા યુદ્ધની અણી પર લાવી દીધું છે. આંતરરાષ્ટ્રીય સમુદાય આ સ્થિતિને લઈને અત્યંત ચિંતિત છે, કારણ કે આ સંઘર્ષ હવે સીધા ઈરાની નેતૃત્વ સુધી પહોંચી ગયો છે.

