ઓપરેશન ‘એપિક ફ્યુરી’: કેવી રીતે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની સુપ્રીમ લીડર ખામેનેઈને ખતમ કરવાનો આદેશ આપ્યો?
અમેરિકા અને ઈરાન વચ્ચેના વર્ષો જૂના તણાવે ફેબ્રુઆરીના અંતમાં એક નવો અને ભયાનક વળાંક લીધો છે. વર્ષોથી ચાલી રહેલી પરમાણુ મંત્રણાઓ નિષ્ફળ જતાં અને ઈરાનના અક્કડ વલણથી કંટાળીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવો નિર્ણય લીધો જેણે સમગ્ર મધ્ય પૂર્વ અને વિશ્વના રાજકારણને હચમચાવી દીધું છે. ‘ઓપરેશન એપિક ફ્યુરી’ હેઠળ કરવામાં આવેલા અમેરિકી સૈન્ય હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેનેઈનું મૃત્યુ થયું છે.
એરફોર્સ વન પરથી અપાયો ‘ડેથ વોરંટ’ પર આદેશ
આ સમગ્ર ઓપરેશનની પટકથા 27 ફેબ્રુઆરીના રોજ લખાઈ હતી. વોશિંગ્ટનથી ટેક્સાસ જઈ રહેલા રાષ્ટ્રપતિના વિમાન ‘એરફોર્સ વન’ પર સવાર ટ્રમ્પે બપોરે 3:38 વાગ્યે સૈન્ય વડાઓને ગ્રીન સિગ્નલ આપતા કહ્યું હતું કે, “ઓપરેશન એપિક ફ્યુરી મંજૂર છે… ગુડ લક.” આ આદેશ મળતાની સાથે જ પેન્ટાગોન સક્રિય થઈ ગયું હતું. યુએસ નેવીના બે વિશાળ એરક્રાફ્ટ કેરિયર, યુએસએસ અબ્રાહમ લિંકન અને યુએસએસ જેરાલ્ડ આર. ફોર્ડ, ઈરાન તરફ રવાના થયા હતા.
રસપ્રદ વાત એ છે કે, આ આદેશ આપ્યાની થોડી જ મિનિટો બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એન્થ્રોપિક AI ટેક્નોલોજીના ઉપયોગ અંગે એક અલગ જ પોસ્ટ કરી હતી, જેથી કોઈને આ ભયાનક લશ્કરી યોજનાની ગંધ પણ ન આવે. ટેક્સાસમાં ઉતરાણ કર્યા પછી પણ જ્યારે પત્રકારોએ તેમને ઈરાન વિશે પૂછ્યું, ત્યારે તેમણે માત્ર એટલું જ કહ્યું, “હું અત્યારે કશું કહેવા માંગતો નથી, નહિતર તમને ઈતિહાસના સૌથી મોટા સમાચાર મળી ગયા હોત.”
ઈરાની નેતૃત્વનો સફાયો અને ઈઝરાયેલનો સાથ
28 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે 1:15 વાગ્યે અમેરિકાએ જમીન, આકાશ, સમુદ્ર અને સાયબર એમ ચારેય મોરચે હુમલો શરૂ કર્યો. આ ઓપરેશનમાં સેંકડો ફાઈટર જેટ્સ અને હજારો સૈનિકો સામેલ હતા. CIA છેલ્લા કેટલાય મહિનાઓથી ખામેનેઈ અને અન્ય નેતાઓને ટ્રેક કરી રહી હતી. આ ગુપ્ત માહિતી ઈઝરાયેલ સાથે પણ શેર કરવામાં આવી હતી.
ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ કટોકટી જાહેર કરી હતી અને એક મિનિટની અંદર થયેલા ત્રણ શ્રેણીબદ્ધ હુમલામાં ખામેનેઈ સહિત ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડના વડા અને સંરક્ષણ મંત્રી સહિત 40 જેટલા ઉચ્ચ અધિકારીઓ માર્યા ગયા હતા. ટ્રમ્પે પાછળથી ‘ટ્રુથ સોશિયલ’ પર જાહેરાત કરી કે ખામેનેઈ અમેરિકાની આધુનિક ટ્રેકિંગ સિસ્ટમથી બચી શક્યા નથી.
વૈશ્વિક બજારોમાં ખળભળાટ અને પ્રાદેશિક અસરો
આ હુમલા બાદ ઈરાને વળતો પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંયુક્ત આરબ અમીરાત (UAE) એ 148 ડ્રોન અને અનેક મિસાઈલોને હવામાં જ તોડી પાડી હતી. આ યુદ્ધ જેવી સ્થિતિને કારણે વૈશ્વિક બજારોમાં તેલના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં તેલના ટેન્કરોની અવરજવર ખોરવાતા વિશ્વભરમાં ઉર્જા સંકટનો ભય પેદા થયો છે.
“આ બીજું ઈરાક નથી” – પેન્ટાગોનનો પક્ષ
અમેરિકી સંરક્ષણ સચિવ પીટ હેગસેથે સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ લાંબુ ચાલનારું યુદ્ધ કે સત્તા પરિવર્તનનું અભિયાન નથી. તેમણે કહ્યું, “આ ઈરાક જેવું નથી. સત્તા ચોક્કસ બદલાઈ ગઈ છે, પરંતુ તે દુનિયાના ભલા માટે છે.” બીજી તરફ, ટ્રમ્પે સંકેત આપ્યો છે કે આ અભિયાન હજુ 4 થી 5 અઠવાડિયા સુધી ચાલી શકે છે અને જરૂર પડશે તો અમેરિકા જમીની સૈનિકો ઉતારતા પણ અચકાશે નહીં.
હાલમાં ઈરાનનું નવું નેતૃત્વ અમેરિકા સાથે મંત્રણા માટે તૈયાર હોવાના અહેવાલો મળી રહ્યા છે, પરંતુ આ હુમલાએ સમગ્ર વિશ્વના ભૂ-રાજકીય નકશા પર અમેરિકાની આક્રમક શક્તિનો ફરી એકવાર પરિચય કરાવ્યો છે.

