“લીવર કેન્સરથી બચાવે છે કોફી”: દરરોજ ૩ કપ કોફી પીનારાઓ માટે નિષ્ણાતોએ શું કહ્યું?
આજની ભાગદોડભરી જિંદગીમાં કોફી એ માત્ર પીણું નથી, પણ કામ કરવા માટેની ઉર્જાનું સ્ત્રોત બની ગઈ છે. ન્યુટ્રિશનિસ્ટ સિબ એટકિન્સના તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે દિવસ દરમિયાન તમે કેટલી કોફી પીવો છો, તે તમારા આયુષ્ય અને ગંભીર રોગો સામે લડવાની શક્તિ નક્કી કરી શકે છે. જો તમે દિવસમાં ૧ થી ૪ કપ કોફી પીતા હોવ, તો તમારા શરીરમાં કેવા સકારાત્મક ફેરફારો થાય છે, તે અહીં વિગતે સમજો.
૧ કપ કોફી: અકાળ મૃત્યુનું જોખમ ઘટાડે છે
અભ્યાસ મુજબ, દિવસમાં માત્ર એક કપ કોફી પીવાથી અકાળ મૃત્યુનું જોખમ ૫ થી ૬ ટકા ઘટે છે. કોફીમાં રહેલું કેફીન મગજમાં એડેનોસિન નામના પદાર્થને બ્લોક કરે છે, જે આપણને થાક અનુભવતા અટકાવે છે. તેનાથી માત્ર તાજગી જ નથી આવતી, પરંતુ મગજની એકાગ્રતામાં પણ નોંધપાત્ર સુધારો થાય છે.
૨ કપ કોફી: મગજ અને યાદશક્તિ માટે વરદાન
જે લોકો દિવસમાં બે કપ કોફી પીવે છે, તેમને ભવિષ્યમાં અલ્ઝાઈમર અને પાર્કિન્સન જેવા ન્યુરોલોજીકલ રોગો થવાની શક્યતા ઘણી ઓછી રહે છે. કોફીમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઑકિસડન્ટ અને પોલીફેનોલ્સ હોય છે, જે મગજમાં થતી બળતરા (Inflammation) ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી યાદશક્તિ તેજ બને છે.
૩ કપ કોફી: લીવરની સુરક્ષાનું કવચ
નિષ્ણાતોના મતે, ત્રણ કપ કોફી પીનારાઓમાં સૌથી વધુ હેલ્થ બેનિફિટ્સ જોવા મળે છે. તે લીવરના સ્વાસ્થ્ય માટે જાદુઈ અસર કરે છે. ફેટી લીવરની સમસ્યા હોય કે લીવર કેન્સરનું જોખમ, ત્રણ કપ કોફી આ જીવલેણ બીમારીઓને રોકવામાં પાયાની ભૂમિકા ભજવે છે.
૪ કપ કોફી: હૃદયનું ખાસ ધ્યાન
જો તમારી કોફી પીવાની મર્યાદા ચાર કપ સુધી છે, તો તે તમારા હૃદય માટે ફાયદાકારક હોઈ શકે છે. કોફીમાં રહેલું ‘ક્લોરોજેનિક એસિડ’ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે અને રક્ત વાહિનીઓની લવચીકતા જાળવી રાખે છે. આ આદત હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
એક્સપર્ટ વોર્નિંગ: ક્યારે સાવધ રહેવું?
જોકે કોફી ફાયદાકારક છે, પણ નિષ્ણાતો કેટલીક મર્યાદાઓ પણ દર્શાવે છે:
-
સમયનું મહત્વ: બપોરે ૨ વાગ્યા પછી કોફી પીવાનું ટાળવું જોઈએ, કારણ કે કેફીન તમારી ઊંઘની ગુણવત્તા બગાડી શકે છે.
-
ગુણવત્તા: પેકેટમાં મળતી ઇન્સ્ટન્ટ કોફી કરતા તાજી પીસેલી કે ફિલ્ટર કરેલી કોફી સ્વાસ્થ્ય માટે વધુ ગુણકારી છે.
-
અતિરેકથી બચો: ૪ કપથી વધુ કોફી પીવાથી ગભરામણ, ચિંતા (Anxiety) અને હૃદયના ધબકારા વધવાની સમસ્યા થઈ શકે છે.
કોફીનો યોગ્ય માત્રામાં ઉપયોગ તમને માત્ર એનર્જી જ નથી આપતો, પણ લાંબા ગાળે અનેક બીમારીઓ સામે રક્ષણ પણ આપે છે. બસ, તેને દૂધ અને ખાંડ વગર ‘બ્લેક કોફી’ તરીકે પીવામાં આવે તો ફાયદો બમણો થઈ જાય છે.

