ઈરાન-અમેરિકા યુદ્ધનું કડવું સત્ય: ‘તેલ’ માટે ખાર્ગ ટાપુ પર કબજો કરવાની ટ્રમ્પની રણનીતિ; પરમાણુ હથિયારોનો મુદ્દો માત્ર બહાનું?
૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ જ્યારે અમેરિકાએ ઈઝરાયેલ સાથે મળીને ઈરાન પર હુમલાની શરૂઆત કરી, ત્યારે દુનિયાને કહેવામાં આવ્યું હતું કે આ હુમલો ‘શાસન પરિવર્તન’ અને ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવતા રોકવા માટે છે. પરંતુ એક મહિનાના લાંબા સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં મળેલી નિષ્ફળતા બાદ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે તે સત્ય સ્વીકારી લીધું છે જે અત્યાર સુધી પડદા પાછળ હતું. ટ્રમ્પનો અસલી ટાર્ગેટ ઈરાનના અઢળક તેલ ભંડાર અને ખાસ કરીને ‘ખાર્ગ ટાપુ’ પર કબજો કરવાનો છે.
ખાર્ગ ટાપુ: ઈરાનની આર્થિક કરોડરજ્જુ
પર્સિયન ગલ્ફમાં આવેલો ખાર્ગ ટાપુ ઈરાન માટે અર્થતંત્રનું પ્રવેશદ્વાર છે. ઈરાન તેની કુલ તેલ નિકાસનો ૯૦ ટકા હિસ્સો આ જ ટાપુ પરથી મોકલે છે. અહીં ઈરાને ૪૦ થી વધુ વિશાળ સ્ટોરેજ ટેન્ક બનાવ્યા છે, જેમાં ૩૦-૩૫ મિલિયન બેરલ તેલ સંગ્રહ કરવાની ક્ષમતા છે. જો ઈરાન તેલનું ઉત્પાદન બંધ કરી દે, તો પણ ૨૦ દિવસ સુધી તે આ ટાપુ પરથી તેલ વેચીને પોતાની અર્થવ્યવસ્થા ચલાવી શકે છે. ઈરાનની સરકારની કુલ આવકનો ૪૦% હિસ્સો એટલે કે આશરે $૮૦ બિલિયન આ ટાપુ દ્વારા જ આવે છે. ટ્રમ્પ જાણે છે કે જો ખાર્ગ પર કબજો થઈ જાય, તો ઈરાન ઘૂંટણિયે આવી જશે.
ટ્રમ્પનું ૪૦ વર્ષ જૂનું આયોજન
રસપ્રદ વાત એ છે કે, ખાર્ગ ટાપુ પર કબજો કરવાની વાત ટ્રમ્પ માટે નવી નથી. ૧૯૮૮માં જ્યારે તેઓ માત્ર એક ઉદ્યોગપતિ હતા, ત્યારે પણ તેમણે બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’ને આપેલા ઈન્ટરવ્યુમાં આ રણનીતિ જણાવી હતી. તે સમયે ઈરાન-ઈરાક યુદ્ધ ચાલતું હતું અને ટ્રમ્પે તત્કાલીન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનની નીતિઓની ટીકા કરી હતી. આજે ૩૮ વર્ષ પછી, ટ્રમ્પ પાસે સત્તા છે અને અમેરિકી સૈન્ય તેમના આદેશોનું પાલન કરવા માટે તૈયાર છે.
યુદ્ધના મેદાનમાં એકલા પડતા ટ્રમ્પ?
જોકે, જમીની હકીકત ટ્રમ્પના પ્લાન મુજબ સરળ નથી. અમેરિકાએ મધ્ય પૂર્વમાં પોતાના સૈનિકોની સંખ્યા ૪૦,૦૦૦ થી વધારીને ૫૦,૦૦૦ થી વધુ કરી દીધી છે. જેમાં ૨,૫૦૦ મરીન અને ૮૨મા એરબોર્ન ડિવિઝનના ૨,૦૦૦ પેરાટ્રૂપર્સનો સમાવેશ થાય છે. આમ છતાં, ઈરાન જેવો મોટો દેશ અને તેની ભૌગોલિક સ્થિતિનો સામનો કરવા માટે આ સંખ્યા ઓછી છે.
સૌથી મોટો ફટકો ટ્રમ્પને ત્યારે પડ્યો જ્યારે નાટો દેશોએ કોઈ ખાસ મદદ ન કરી અને હવે ઈઝરાયેલે પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેમનો એક પણ સૈનિક ઈરાનની ધરતી પર પગ મૂકશે નહીં. ટ્રમ્પ અત્યારે એવી સ્થિતિમાં છે જ્યાં તેમની પાસે સત્તા તો છે, પણ સાથી દેશોનો વિશ્વાસ ડગી રહ્યો છે.
તેલની કિંમત અને માનવતાનો ભોગ
૩૦ માર્ચ ૨૦૨૬ ના રોજ આ યુદ્ધ હવે સંપૂર્ણપણે ‘સંસાધનોના જંગ’માં ફેરવાઈ ગયું છે. ટ્રમ્પનું ખાર્ગ ટાપુ કબજે કરવાનું સપનું જો પૂરું થાય, તો ઈરાન તબાહ થઈ શકે છે, પરંતુ તેનાથી વૈશ્વિક તેલના ભાવમાં આવનારો ઉછાળો સમગ્ર વિશ્વને મોંઘવારીની આગમાં હોમી શકે છે. હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પ આ જોખમી ખેલમાં આગળ વધે છે કે પછી મધ્યસ્થીનો રસ્તો અપનાવે છે.

