ઉનાળામાં કિડની સ્ટોનનો ખતરો કેમ વધી જાય છે? જાણો પથરીના દુખાવાથી બચવાના અકસીર ઉપાયો
ઉનાળાની કાળઝાળ ગરમી માત્ર પરસેવો અને થાક જ નથી લાવતી, પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ પડકારજનક સાબિત થાય છે. આ ઋતુમાં ખાસ કરીને કિડની સ્ટોન (પથરી) ના કેસોમાં મોટો ઉછાળો જોવા મળે છે. કિડની સ્ટોન એ માત્ર ઓછું પાણી પીવાને કારણે થતી સમસ્યા નથી, પરંતુ તે તમારી આખી લાઈફસ્ટાઈલ અને ખાનપાન સાથે જોડાયેલી છે. જો સમયસર કાળજી રાખવામાં ન આવે, તો આ સમસ્યા અત્યંત પીડાદાયક બની શકે છે.
ઉનાળામાં જ પથરી કેમ વધારે થાય છે?
ગરમીમાં કિડની સ્ટોન વધવા પાછળનું મુખ્ય કારણ ‘ડિહાઈડ્રેશન’ (શરીરમાં પાણીની કમી) છે
વધુ પરસેવો: વધતા તાપમાનમાં શરીરને ઠંડુ રાખવા માટે પુષ્કળ પરસેવો થાય છે. જો આપણે પૂરતું પાણી ન પીએ, તો શરીરમાં પ્રવાહીનું પ્રમાણ ઘટી જાય છે.
યુરિનનું ઘટ્ટ થવું: જ્યારે શરીરમાં પાણી ઓછું હોય, ત્યારે કિડની પાસે લોહી ફિલ્ટર કરવા માટે પૂરતું પ્રવાહી હોતું નથી. આને કારણે પેશાબ (યુરિન) ઓછો આવે છે અને તે ઘાટો (Consantrated) થઈ જાય છે.
ક્ષારોનું જમા થવું: ઘટ્ટ પેશાબમાં કેલ્શિયમ, ઓક્સાલેટ અને યુરિક એસિડ જેવા તત્વો સરળતાથી ઓગળતા નથી. પરિણામે આ કણો કિડનીમાં જમા થવા લાગે છે અને ધીમે-ધીમે પથરીનું સ્વરૂપ ધારણ કરે છે.
કોને વધારે જોખમ રહે છે?
નીચે મુજબની સ્થિતિ ધરાવતા લોકોએ ખાસ સાવચેત રહેવું જોઈએ:
- જેઓ દિવસ દરમિયાન ખૂબ જ ઓછું પાણી પીવે છે.
- જેમના પરિવારમાં અગાઉ કોઈને પથરીની સમસ્યા રહી હોય (Family History).
- જેઓ ખોરાકમાં મીઠું (નમક), નોન-વેજ પ્રોટીન અને તળેલી વસ્તુઓનો વધુ ઉપયોગ કરે છે.
- જેમને વારંવાર પેશાબમાં ચેપ (UTI) લાગતો હોય.
- સ્થૂળતા અથવા મેટાબોલિક સિન્ડ્રોમ ધરાવતા વ્યક્તિઓ.
કિડની સ્ટોનથી બચવાના અસરકારક ઉપાયો
૧. પાણી પીવાનું પ્રમાણ વધારો
ઉનાળામાં દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૩ થી ૪ લિટર પાણી પીવું જોઈએ. તમારા પેશાબના રંગ પર ધ્યાન આપો; જો તે આછો પીળો કે સફેદ હોય તો તમે સુરક્ષિત છો, પણ જો તે ઘાટો પીળો હોય તો તેનો અર્થ છે કે તમારે વધુ પાણી પીવાની જરૂર છે.
૨. સાઇટ્રસ ફળોનો આહારમાં સમાવેશ
લીંબુ, સંતરા અને મોસંબી જેવા ખાટા ફળોમાં ‘સાઇટ્રેટ’ હોય છે. સાઇટ્રેટ પેશાબમાં કેલ્શિયમની પથરી બનતી અટકાવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. દરરોજ એક ગ્લાસ લીંબુ શરબત પીવું કિડની માટે વરદાન સમાન છે.
૩. નમક અને ખાંડ પર કાપ
વધુ પડતું મીઠું લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે, જે પથરી બનવાનું મુખ્ય કારણ છે. પેકેજ્ડ ફૂડ, અથાણાં અને વધુ પડતી ગળી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.
૪. પ્રોટીન અને ઓક્સાલેટનું સંતુલન
જો તમને પથરીની સમસ્યા વારંવાર થતી હોય, તો પાલક, ચોકલેટ, બીટ અને ડાર્ક ટી જેવી ઓક્સાલેટયુક્ત વસ્તુઓ મર્યાદિત માત્રામાં લેવી જોઈએ. વધુ પડતું હાઈ-પ્રોટીન ડાયેટ પણ યુરિક એસિડની પથરી વધારી શકે છે.
૫. ગરમીમાં ભારે કસરત ટાળો
ખૂબ જ ગરમ વાતાવરણમાં ભારે વર્કઆઉટ કરવાથી શરીરમાંથી પાણી ઝડપથી ઓછું થઈ જાય છે. જો કસરત કરવી જ હોય, તો ઠંડકના સમયે (વહેલી સવારે કે સાંજે) કરો અને સાથે પાણી કે ઈલેક્ટ્રોલાઈટ ડ્રિંક્સ લેતા રહો.

