ઈરાન પાસે તેલ રાખવાની જગ્યા ખૂટી: 30 વર્ષ જૂના કબાડ ટેન્કરને કર્યું ‘જીવતું’, જાણો કેમ ઈરાન તેલના કુવા બંધ કરી શકતું નથી?
ઈરાનનું અર્થતંત્ર તેલ પર નિર્ભર છે, પરંતુ અત્યારે તે પોતાની જ સંપત્તિના બોજ નીચે દબાઈ રહ્યું હોય તેવું લાગે છે. હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાની કડક નૌકા સૈન્ય નાકેબંધીએ તેહરાનની કમર તોડી નાખી છે. ઈરાન પાસે હવે કાચું તેલ સંગ્રહવા માટે જગ્યા બચી નથી. આ સંકટમાંથી ઉગરવા માટે ઈરાને હવે તેના 30 વર્ષ જૂના અને નકામા થઈ ગયેલા વિશાળ ટેન્કર ‘નાશા’ (Nasha) ને ફરીથી સમુદ્રમાં ઉતાર્યું છે, જેથી તેને એક ચાલતા-ફરતા ગોદામ તરીકે વાપરી શકાય.
ખાર્ગ આઇલેન્ડ પર ભરાઈ રહ્યા છે સ્ટોરેજ
ઈરાનનો 90% તેલનો જથ્થો ખાર્ગ આઇલેન્ડ (Kharg Island) પરથી નીકળે છે અને ત્યાંથી જ વિશ્વમાં નિકાસ થાય છે. આ આઇલેન્ડ પર લગભગ 30 મિલિયન બેરલ તેલ સ્ટોર કરવાની ક્ષમતા છે.
પરંતુ અમેરિકાના પ્રતિબંધો અને નાકેબંધીને કારણે ઈરાન આ તેલ વેચી શકતું નથી. રિપોર્ટ્સ મુજબ, હવે ત્યાં માત્ર 13 મિલિયન બેરલની જ જગ્યા ખાલી છે. ઈરાન જે ઝડપે તેલનું ઉત્પાદન કરી રહ્યું છે, તે જોતા આગામી 12 થી 13 દિવસમાં તેના તમામ સ્ટોરેજ ફૂલ થઈ જશે. ત્યારબાદ ઈરાન પાસે એક ટીપું તેલ રાખવાની પણ જગ્યા નહીં હોય.
કેમ તેલના કુવા બંધ કરવા ઈરાન માટે શક્ય નથી?
ઘણાને પ્રશ્ન થાય કે જો તેલ વેચાતું નથી, તો ઈરાન કુવા કેમ બંધ નથી કરી દેતું? પરંતુ તેલના કુવાઓ કોઈ પાણીના નળ જેવા નથી કે જ્યારે ઈચ્છા થાય ત્યારે બંધ કરી શકાય.
પ્રેશરનું જોખમ: નિષ્ણાતોના મતે, જો તેલનું ઉત્પાદન અચાનક બંધ કરવામાં આવે, તો કુવાની અંદરનું કુદરતી દબાણ (Pressure) બગડી જાય છે.
કાયમી નુકસાન: દબાણ ઘટવાથી જમીનની નીચે રહેલું પાણી તેલના સ્તરોમાં ઘૂસી શકે છે. જો આવું થાય, તો અબજો ડોલરનું તેલ જમીનમાં જ હંમેશા માટે ફસાઈ જશે.
ટૂંકમાં, કુવા બંધ કરવા એટલે કે ઈરાનની આવનારી પેઢીઓની સંપત્તિનો હંમેશા માટે નાશ કરવો. આ જ કારણ છે કે ઈરાન નુકસાન કરીને પણ ઉત્પાદન ચાલુ રાખવા મજબૂર છે.
‘નાશા’ ટેન્કર: ઈરાનનો છેલ્લો સહારો
આ પરિસ્થિતિમાંથી બચવા માટે ઈરાને તેના જૂના અને ભંગાર હાલતમાં પડેલા ટેન્કર ‘નાશા’ ને ફરીથી તૈયાર કર્યું છે. આ જહાજ વર્ષોથી નકામું પડ્યું હતું, પરંતુ હવે તેને કાચા તેલથી ભરીને સમુદ્રમાં લંગરવામાં આવશે. આ ટેન્કર ઈરાન માટે તરતા ગોદામ (Floating Storage) તરીકે કામ કરશે. જોકે, આ એક કામચલાઉ વ્યવસ્થા છે. જો અમેરિકા તેની નાકેબંધી દૂર નહીં કરે, તો ઈરાને કાં તો તેના કુવાઓ ગુમાવવા પડશે અથવા તો તેનું અર્થતંત્ર સંપૂર્ણપણે પડી ભાંગશે.
આર્થિક ગળું દબાવવાની અમેરિકન વ્યૂહરચના
અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે અગાઉ જ ચેતવણી આપી હતી કે ઈરાન તેની સ્ટોરેજ ક્ષમતાના અંતિમ તબક્કાની નજીક છે. અમેરિકાની આ નાકેબંધી હવે માત્ર સૈન્ય કાર્યવાહી નથી રહી, પરંતુ તે ઈરાનને આર્થિક રીતે પાયમાલ કરવાની એક સોગઠાંબાજી બની ગઈ છે. ઈરાન તેલ વેચી શકતું નથી અને હવે તે રાખી પણ શકે તેમ નથી, જે તેહરાન માટે ‘સૂડી વચ્ચે સોપારી’ જેવી ઘાટ ઘડી રહી છે.

