વલસાડ જિલ્લા કલેકટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુનની તૈયારી અંગે બેઠક મળી

2 Min Read

ચોમાસામાં પૂરની સ્થિતિને પહોંચી વળવા વલસાડ કલેકટરનો માસ્ટર પ્લાન, જાણો શું છે તૈયારીઓ?

આગામી દિવસોમાં ચોમાસાની મોસમ નજીક આવી રહી હોવાથી અગમચેતીના ભાગરૂપે વલસાડ જિલ્લા કલેકટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં પ્રિ- મોન્સુન તૈયારી અંગેની બેઠક મળી હતી. જેમાં કલેકટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને પોતાની જવાબદારી સુપેરે નિભાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.
પ્રિ-મોન્સુન તૈયારી અંગેની બેઠકમાં કલેકટર ભવ્ય વર્માએ પ્રિ-મોન્સુન અંગેની કામગીરી સુવ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે ચાલુ માસમાં કુલ ચાર મીટિંગો કરવામાં આવશે એવુ જણાવ્યું હતું.
WhatsApp Image 2026 04 29 at 4.03.51 PM 1.jpeg
જિલ્લાના દરેક તાલુકામાં આવેલી નદીઓને અસરગ્રસ્ત જે ગામો હોય તેનું લિસ્ટ બનાવી જે તે ગામના સરપંચ – તલાટી અને સ્કૂલના આચાર્યના નામ અને મોબાઈલ નંબર સાથેનું લિસ્ટ બનાવવાનું રહેશે જેથી સ્થળાંતર કરવાની સ્થિતી આવે તો સરળતાથી સંકલન થઈ શકે. નદી પાસેના જે ગામોમાં હોય તે ગામના તરવૈયાઓની માહિતી પણ તૈયાર રાખવી પડશે. ડૂબાણમાં જતા દરેક કોઝવે આઈડેન્ટીફાઈ કરવાના રહેશે. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં કોઈ એનજીઓ કાર્યરત હોય તો તેના પણ સંપર્ક નંબર સહિતની માહિતી તૈયાર રાખવાની રહેશે. પૂર સમયે બોટ ચાલુ કન્ડિશનમાં હોય તેની ચકાસણી કરી લેવી, કંટ્રોલ રૂમ ચાલુ રહેવા જોઈએ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન ક્લિન હોવી જોઈએ, ભયજનક વૃક્ષોનું કટીંગ, દવાનો સ્ટોક, સર્પદંશના બનાવમાં દવા-ઈન્જેક્શન, કલોરીનેશનનો સ્ટોક તૈયાર રાખવાનો રહેશે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ તો અગાઉથી એલર્ટ કરાઈ તે માટે હુટર(સાયરન)ની વ્યવસ્થા સહિત વિવિધ પાસાઓ અંગે કલેકટરએ દિશા નિર્દેશ કર્યા હતા.
આ બેઠકમાં ડિઝાસ્ટર મામલતદાર એચ.એચ.કાકલોતરે વિવિધ વિભાગની કામગીરી અંગે પ્રેઝન્ટેશન આપી તાલુકાના તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન/ વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન/ સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તા. ૧૫/૦૫/૨૦૨૬ સુધીમાં સરકારના સ્ટેટ ડિઝાસ્ટર રિસોર્સ નેટવર્ક ઉપર અપડેટ કરવા જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા તેમજ જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદાર ઓ, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસરઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Share This Article