જર્મનીમાં અમેરિકાના 36 હજારથી વધુ સૈનિકો: જાણો શા માટે આ યુરોપિયન દેશમાં છે USનું મજબૂત મિલિટ્રી બેઝ?
તાજેતરમાં પેન્ટાગોન દ્વારા જર્મનીમાંથી પોતાના 5,000 સૈનિકોને પાછા બોલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પ્રક્રિયા આગામી 6 થી 12 મહિનામાં પૂર્ણ થવાની ધારણા છે. જોકે, આ આંકડો જર્મનીમાં તૈનાત કુલ અમેરિકન સૈનિકોનો એક નાનો હિસ્સો છે. હાલમાં ત્યાં 36,000 થી વધુ અમેરિકન સૈનિકો તૈનાત છે. પરંતુ પ્રશ્ન એ થાય કે બીજા વિશ્વયુદ્ધના દાયકાઓ પછી પણ અમેરિકાએ જર્મનીમાં આટલું મોટું સૈન્ય દળ કેમ રાખ્યું છે? અને આ સૈન્ય મથકો અમેરિકાની વૈશ્વિક રણનીતિ માટે કેટલા મહત્વના છે?
ઐતિહાસિક પૃષ્ઠભૂમિ: બીજા વિશ્વયુદ્ધથી શરૂઆત
જર્મનીમાં અમેરિકન સૈન્યની હાજરીનો ઈતિહાસ ઘણો જૂનો છે. તેની શરૂઆત 1945માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી જર્મનીની હાર સાથે થઈ હતી. યુદ્ધના અંતે, વિજેતા મિત્ર દેશોએ (અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને સોવિયેત યુનિયન) જર્મનીને અલગ-અલગ વહીવટી ઝોનમાં વહેંચી દીધું હતું.
શરૂઆતના ગાળામાં, જર્મનીમાં અંદાજે 16 લાખ અમેરિકન સૈનિકો તૈનાત હતા. તેમનું મુખ્ય કાર્ય કાયદો અને વ્યવસ્થા જાળવવાનું તેમજ નાઝી શાસનના અવશેષોને દૂર કરવાનું હતું. સમય જતાં સૈનિકોની સંખ્યામાં ઘટાડો થયો, પરંતુ જર્મની ક્યારેય અમેરિકન સૈન્યના નકશામાંથી બહાર ન આવ્યું.
શીત યુદ્ધ (Cold War) અને નાટો (NATO) ની ભૂમિકા
1945 પછી દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ અને શીત યુદ્ધની શરૂઆત થઈ. એક તરફ લોકશાહી અમેરિકા હતું અને બીજી તરફ સામ્યવાદી સોવિયેત યુનિયન. આ સમયે અમેરિકાની ભૂમિકા બદલાઈ ગઈ; હવે તે જર્મની પર નજર રાખવાને બદલે જર્મનીને મજબૂત બનાવવા માંગતું હતું જેથી તે સોવિયેત પ્રભાવ સામે એક ઢાલ તરીકે કામ કરી શકે.
1949માં નાટો (North Atlantic Treaty Organization) ની સ્થાપના થઈ અને જર્મનીમાં અમેરિકન બેઝ કાયમી બની ગયા. 1960 થી 1980 ના દાયકા દરમિયાન, સોવિયેત આક્રમણના ડરને કારણે અહીં અઢી લાખથી વધુ અમેરિકન જવાનો હંમેશા તૈયાર રહેતા હતા. તે સમયે અમેરિકાના જર્મનીમાં 50 મોટા બેઝ અને 800 થી વધુ નાની સૈન્ય ચોકીઓ હતી.
યુરોપમાં અમેરિકાનું સૌથી મોટું કેન્દ્ર
આજે પણ યુરોપના તમામ દેશોમાં સૌથી વધુ અમેરિકન સૈનિકો જર્મનીમાં છે. યુરોપમાં કુલ તૈનાત 68,000 સૈનિકોમાંથી અડધાથી વધુ એટલે કે 36,400 જર્મનીમાં છે. આ સૈનિકો 20 થી 40 અલગ-અલગ સૈન્ય મથકો પર ફેલાયેલા છે.
તેમાં સૌથી મહત્વનું છે રામસ્ટીન એર બેઝ. આ યુરોપમાં અમેરિકાનું સૌથી મોટું એરફોર્સ બેઝ છે, જ્યાં 8,500 થી વધુ જવાનો રહે છે. આ સિવાય સ્ટુટગાર્ટ માં અમેરિકાનું ‘યુરોપિયન કમાન્ડ’ (EUCOM) અને ‘આફ્રિકા કમાન્ડ’ (AFRICOM) નું મુખ્ય મથક આવેલું છે. આનો અર્થ એ છે કે અમેરિકા જર્મનીમાં બેસીને માત્ર યુરોપ જ નહીં, પણ આફ્રિકા ખંડની ગતિવિધિઓ પર પણ નિયંત્રણ રાખે છે.
શા માટે આ બેઝ અમેરિકા માટે અનિવાર્ય છે?
જર્મનીમાં રહેલા આ સૈન્ય મથકો માત્ર જર્મનીની સુરક્ષા માટે નથી. તે અમેરિકાની વૈશ્વિક પહોંચ માટેનું ‘લોજિસ્ટિક્સ હબ’ છે:
મધ્ય પૂર્વમાં સૈન્ય કાર્યવાહી: ઇરાક અને અફઘાનિસ્તાન યુદ્ધ દરમિયાન, જર્મનીના બેઝનો ઉપયોગ ઘાયલ સૈનિકોની સારવાર, હથિયારોની સપ્લાય અને સૈનિકોના રિફ્યુઅલિંગ માટે કરવામાં આવ્યો હતો.
તબીબી સુવિધા: લેન્ડસ્ટુહલ રિજનલ મેડિકલ સેન્ટર (જર્મની) અમેરિકાની બહારનું સૌથી મોટું સૈન્ય હોસ્પિટલ છે, જે યુદ્ધ ક્ષેત્રમાં ઘાયલ થતા સૈનિકો માટે જીવાદોરી સમાન છે.
રશિયા પર નજર: યુક્રેન-રશિયા યુદ્ધ પછી, જર્મનીમાં અમેરિકન હાજરીનું મહત્વ ફરી એકવાર વધી ગયું છે. રશિયા તરફથી આવતા સંભવિત જોખમોને ખાળવા માટે જર્મની એક વ્યૂહાત્મક ગેટવે છે.
સૈનિકો ઘટાડવાની ચર્ચા અને તેની અસર
અમેરિકા સમયાંતરે જર્મનીમાંથી સૈનિકો ઘટાડવાની વાત કરતું આવ્યું છે. 2020 માં તત્કાલીન ટ્રમ્પ પ્રશાસને 12,000 સૈનિકો પાછા ખેંચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જોકે પાછળથી તેને મુલતવી રાખવામાં આવ્યો હતો. હવે ફરીથી 5,000 સૈનિકો હટાવવાની વાત ચાલી રહી છે.
નિષ્ણાતો માને છે કે જો અમેરિકા તેની હાજરી ઘટાડે, તો તેની બે અસરો થઈ શકે છે:
નાટોની નબળાઈ: યુરોપના અન્ય દેશોમાં રશિયા પ્રત્યેનો ડર વધી શકે છે.
આર્થિક અસર: જર્મનીના ઘણા શહેરોની અર્થવ્યવસ્થા ત્યાં રહેતા અમેરિકન સૈનિકો અને તેમના પરિવારો પર નિર્ભર છે.

