મિડલ ઈસ્ટમાં ‘ગ્રેડર ઈઝરાયેલ’ની આહટ? ૩ વર્ષમાં મુસ્લિમ દેશોની ૧,૦૦૦ ચોરસ કિમી જમીન પર ઈઝરાયેલી સેનાનો કબજો
મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલો સંઘર્ષ હવે માત્ર આતંકવાદી સંગઠનોને ખતમ કરવા પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તે ભૌગોલિક સીમાઓ બદલવા તરફ આગળ વધી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. ૭ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા ભયાનક હુમલા બાદ ઈઝરાયેલે પોતાની સૈન્ય અને વ્યૂહાત્મક નીતિમાં ધરમૂળથી ફેરફાર કર્યો છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની સરકાર હવે સંરક્ષણાત્મક મોડમાંથી બહાર આવીને અત્યંત આક્રમક રીતે આગળ વધી રહી છે.
તાજેતરમાં પ્રતિષ્ઠિત અખબાર ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ના એક ચોંકાવનારા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા આશરે ત્રણ વર્ષના ગાળામાં ઈઝરાયેલે ગાઝા, લેબનાન અને સીરિયાની અંદાજે ૧,૦૦૦ ચોરસ કિલોમીટર જેટલી જમીન પર પોતાનો સૈન્ય કબજો જમાવી દીધો છે. આ વિસ્તાર ઈઝરાયેલની ૧૯૪૯ ની સત્તાવાર સરહદોના લગભગ ૫ ટકા જેટલો થાય છે. આ આંકડા સામે આવ્યા બાદ હવે અરબ દેશોમાં ‘ગ્રેટર ઈઝરાયેલ’ (બૃહદ ઈઝરાયેલ) ના સપનાને લઈને ચર્ચાઓ અને ડર વ્યાપી ગયો છે.
દક્ષિણ લેબનાનમાં ઈઝરાયેલની ઘૂસણખોરી અને ‘સિક્યોરિટી ઝોન’
અહેવાલ મુજબ, ઈઝરાયેલે જે નવી જમીન પર કબજો કર્યો છે તેનો સૌથી મોટો હિસ્સો દક્ષિણ લેબનાનમાં આવેલો છે. હિઝબુલ્લાહના રોકેટ હુમલાઓનો જવાબ આપવાના બહાને ઈઝરાયેલી સેના (IDF) લેબનાનની સરહદમાં કેટલાય કિલોમીટર અંદર સુધી ઘૂસી ગઈ છે. ઈઝરાયેલ આ કબજે કરેલા વિસ્તારને સત્તાવાર રીતે ‘સિક્યોરિટી ઝોન’ (સુરક્ષા ક્ષેત્ર) કહી રહ્યું છે. ઈઝરાયેલની દલીલ છે કે આ ક્ષેત્ર બનાવવાથી હિઝબુલ્લાહના લડવૈયાઓ ઈઝરાયેલની સરહદની નજીક આવીને હુમલા નહીં કરી શકે.
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તાજેતરમાં જ ગર્વભેર કહ્યું હતું કે, “દુશ્મનો ઈઝરાયેલને આગના ચક્રમાં ઘેરવા માંગતા હતા, પરંતુ આજે ઈઝરાયેલે પોતાની ચારેય તરફ સુરક્ષાનું એક અદભુત કવચ તૈયાર કરી લીધું છે.” ઈઝરાયેલના રક્ષામંત્રી ઈઝરાયેલ કાત્ઝે પણ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે સેના લેબનાનની પ્રખ્યાત લિતાની નદી સુધીના સમગ્ર વિસ્તાર પર પોતાનું સૈન્ય નિયંત્રણ જાળવી રાખવા માંગે છે.
ગાઝા પટ્ટીની દયનીય સ્થિતિ: અડધાથી વધુ ભાગ પર ઈઝરાયેલનો કંટ્રોલ
બીજી તરફ, જો ગાઝા પટ્ટીની વાત કરીએ તો ત્યાં સ્થિતિ વધુ ગંભીર છે. લાંબા સમયથી ચાલી રહેલા સૈન્ય ઓપરેશન બાદ ઈઝરાયેલી સેના હવે ગાઝાના અડધાથી વધુ હિસ્સા પર સીધું નિયંત્રણ ધરાવે છે. ઈઝરાયેલે સરહદની અંદર એક વધારાનો ‘બફર ઝોન’ પણ બનાવી દીધો છે.
સંયુક્ત રાષ્ટ્ર (UN) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલના આ આક્રમક વલણને કારણે ગાઝાની લગભગ ૨૦ લાખ જેટલી વસ્તી હવે માત્ર ૪૦ ટકા જેટલા નાના વિસ્તારમાં અત્યંત દયનીય સ્થિતિમાં રહેવા મજબૂર બની છે. સરહદની આસપાસના સેંકડો ગામો અને શહેરોને ઈઝરાયેલે સુરક્ષાના નામે સંપૂર્ણપણે તોડી પાડ્યા છે અને તે વિસ્તારો અત્યારે માત્ર કાટમાળ અને ખંડેરમાં ફેરવાઈ ગયા છે. નેતન્યાહુએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે ઈઝરાયેલી સેના ગમે તે થાય ગાઝામાંથી પાછી હટવાની નથી.
સીરિયામાં પણ વધ્યું ઈઝરાયેલી સેનાનું પ્રભુત્વ
ગૃહયુદ્ધ અને આંતરિક નબળાઈના કારણે સીરિયામાં બશર અલ-અસદની સરકાર પહેલેથી જ લાચાર છે. આ નબળાઈનો ફાયદો ઉઠાવીને ઈઝરાયેલે સીરિયામાં પણ પોતાની સૈન્ય હાજરી મજબૂત કરી લીધી છે. રિપોર્ટ અનુસાર, માઉન્ટ હર્મોનથી લઈને દક્ષિણ સીરિયા સુધીના લગભગ ૨૩૩ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ઈઝરાયેલે પોતાની પકડ મજબૂત કરી છે.
ઈઝરાયેલી કમાન્ડોએ સીરિયાની સરહદમાં ૫૦ કિલોમીટર અંદર સુધી જઈને અનેક ગુપ્ત દરોડા અને સૈન્ય ઓપરેશનો કર્યા છે. જો કે, સીરિયા અને ઈઝરાયેલ વચ્ચે બેકચેનલથી સુરક્ષા કરાર અંગે વાટાઘાટો થઈ હતી, પરંતુ તે કોઈ સકારાત્મક પરિણામ પર પહોંચી શકી નથી. હાલમાં સીરિયાની ધરતી પર ઈઝરાયેલના સૈન્ય મથકો (Military Bases) ધમધમી રહ્યા છે, જો કે સુરક્ષાના કારણોસર બંને દેશોમાંથી કોઈ પણ તેની ચોક્કસ લોકેશન જાહેર કરતું નથી.
‘ગ્રેટર ઈઝરાયેલ’ પર વધી રહેલી ચિંતા અને અરબ દેશોનો ભય
ઈઝરાયેલની અંદર રહેલા કટ્ટરપંથી નેતાઓ અને અતિ-રાષ્ટ્રવાદી સંગઠનો વર્ષોથી બાઈબલના કાળના ‘ગ્રેટર ઈઝરાયેલ’ (જેમાં આસપાસના મુસ્લિમ દેશોના કેટલાક હિસ્સાઓનો સમાવેશ થાય છે) ની સ્થાપના કરવાની અને સરહદો વિસ્તારવાની માંગ કરતા રહ્યા છે. હવે જ્યારે સેના ખરેખર જમીન કબજે કરી રહી છે, ત્યારે આ નેતાઓ વધુ સક્રિય થયા છે. ઈઝરાયેલના નાણામંત્રી બેઝલેલ સ્મોટ્રિચે તો જાહેરમાં લેબનાનની લિતાની નદીને ઈઝરાયેલની નવી ભૌગોલિક સરહદ બનાવવાની વકીલાત કરી છે. કેટલાક કટ્ટરપંથી સાંસદો દક્ષિણ લેબનાનમાંથી મુસ્લિમ વસ્તીને સંપૂર્ણપણે હટાવીને ત્યાં યહૂદી વસાહતો સ્થાપવાની માંગ પણ કરી રહ્યા છે.
જો કે, આ આક્ષેપો વચ્ચે ઈઝરાયેલના વિદેશ મંત્રી ગિદોન સાર વારંવાર કહી રહ્યા છે કે ઈઝરાયેલ લેબનાન કે અન્ય કોઈ દેશમાં પ્રાદેશિક વિસ્તાર (Territorial Expansion) કરવાની કોઈ સામ્રાજ્યવાદી મહાત્વાકાંક્ષા ધરાવતું નથી, આ માત્ર આત્મરક્ષણની લડાઈ છે.
પરંતુ, વિદેશ મંત્રીના આ આશ્વાસન પર અરબ જગતને જરાય ભરોસો નથી. સૌદી અરેબિયા, ઈજિપ્ત અને જોર્ડન જેવા પડોશી અરબ દેશોને મોટો ડર છે કે ઈઝરાયેલનો આ સૈન્ય કબજો અસ્થાયી નથી પરંતુ કાયમી (Permanent) બની જશે. અરબ ડિપ્લોમેટ્સનું કહેવું છે કે ભૂતકાળમાં જે વાતોને ઈઝરાયેલના રાજકારણમાં અત્યંત કટ્ટર અને અસ્વીકાર્ય માનવામાં આવતી હતી, તે જ વાતો આજે ધીમે-ધીમે નેતન્યાહુ સરકારની સત્તાવાર વિદેશ નીતિનો હિસ્સો બની રહી છે. જો આ સિલસિલો આમ જ ચાલુ રહ્યો, તો આગામી દિવસોમાં મિડલ ઈસ્ટનો નકશો હંમેશા માટે બદલાઈ જશે અને શાંતિની તમામ આશાઓ કાયમ માટે રોળાઈ જશે.

