શું તમારી નોકરી પણ ખતરામાં છે? ૨૦૨૬માં આ ૧૦ ટેક જાયન્ટ્સમાં થઈ સૌથી મોટી છટણી!
વૈશ્વિક ટેકનોલોજી ક્ષેત્રે ૨૦૨૬ના વર્ષ દરમિયાન કર્મચારીઓની છટણી (Layoffs) નો સિલસિલો અત્યંત ઝડપથી વધી રહ્યો છે. વિશ્વભરની ટેક કંપનીઓ પોતાના ખર્ચમાં કાપ મૂકવા, કારોબારનું પુનર્ગઠન (Restructuring) કરવા અને ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે રોકાણ વધારવાના હેતુથી પોતાના કર્મચારીઓની સંખ્યામાં મોટો ઘટાડો કરી રહી છે.

૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં વિશ્વભરની ૨૯૯ ટેક કંપનીઓએ કુલ ૧,૨૮,૫૩૬ કર્મચારીઓની છટણી કરી દીધી છે. આ આંકડો ૨૦૨૫ના સમગ્ર વર્ષ દરમિયાન થયેલી છટણી કરતાં પણ વધારે છે. ૨૦૨૫માં ૨૭૮ ટેક કંપનીઓએ કુલ ૧,૨૨,૬૦૬ કર્મચારીઓને નોકરીમાંથી મુક્ત કર્યા હતા. એટલે કે ૨૦૨૬નું વર્ષ પૂરું થવામાં હજુ ચાર મહિના બાકી છે ત્યારે જ છટણીનો આંકડો ગયા આખા વર્ષના રેકોર્ડને વટાવી ગયો છે.
સપ્ટેમ્બરના પ્રથમ ૧૦ દિવસમાં જ ૫,૦૦૦થી વધુ નોકરીઓ પર કાપ
સપ્ટેમ્બર મહિનાની શરૂઆત પણ ટેક કર્મચારીઓ માટે આઘાતજનક રહી છે. મહિનાના પહેલા ૧૦ દિવસમાં જ વૈશ્વિક ટેક કંપનીઓએ ૫,૦૦૦થી વધુ કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી દીધી છે. જેમાં ઉબર, પેપાલ, એરેકલ, એપ્પલ અને ઝોમેટો જેવી જાયન્ટ કંપનીઓનો સમાવેશ થાય છે.
આ વર્ષે અત્યાર સુધીમાં ઓરેકલ, એમેઝોન, ડેલ, મેટા, માઈક્રોસોફ્ટ અને પેપાલ જેવી મોટા ગજાની વિશ્વવિખ્યાત કંપનીઓએ મોટા પાયે પોતાના કર્મચારીઓની સંખ્યા ઘટાડી છે.
૨૦૨૬માં સૌથી વધુ છટણી કરનારી ૧૦ અગ્રણી કંપનીઓ
૧. ઓરેકલ (Oracle): ૨૧,૦૦૦ કર્મચારીઓની છટણી
૨૦૨૬ના વર્ષમાં સૌથી વધુ છટણી કરનારી કંપનીઓમાં ઓરેકલ સૌથી આગળ છે. કંપનીએ અત્યાર સુધીમાં આશરે ૨૧,૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી દૂર કર્યા છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, AI માટે મોટા ડેટા સેન્ટર્સ વિકસાવવા પાછળ થતા ભારે ખર્ચને કારણે કંપની પર નાણાકીય દબાણ વધ્યું છે. ઓરેકલે રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું છે કે તેના ‘2026 રિસ્ટ્રક્ચરિંગ પ્લાન’નો ખર્ચ વધીને ૨.૮ અબજ ડોલર થઈ ગયો છે, જેમાં મોટો હિસ્સો છૂટા કરાયેલા કર્મચારીઓને અપાતા સેવરન્સ પેમેન્ટનો છે.
૨. એમેઝોન (Amazon): ૧૭,૨૬૭ નોકરીઓ પર કાપ
એમેઝોન આ યાદીમાં બીજા સ્થાને છે. કંપનીએ ૨૦૨૬માં અત્યાર સુધીમાં ૧૭,૨૬૭ કર્મચારીઓની છટણી કરી છે. એપ્રિલમાં કંપનીએ ફ્લોરિડાના હોમસ્ટેડ ખાતે આવેલા વેરહાઉસને અસ્થાયી રૂપે બંધ કરીને ૬૦૦થી વધુ લોકોને મુક્ત કર્યા હતા. ત્યારબાદ મે મહિનામાં કંપનીના સેલિંગ પાર્ટનર સર્વિસિસ ઓર્ગેનાઈઝેશનમાં પણ વધારાની છટણીની જાહેરાત કરવામાં આવી હતી.

૩. ડેલ (Dell): ૧૧,૦૦૦ કર્મચારીઓની કાપચૂપ
માર્ચ ૨૦૨૬માં ડેલ કંપનીએ પોતાના વૈશ્વિક વર્કફોર્સમાંથી ૧૧,૦૦૦ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો મોટો નિર્ણય લીધો હતો. આ કડક પગલા સાથે ડેલ પણ આ વર્ષે સૌથી વધુ છટણી કરનારી ટોચની કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે.
૪. મેટા (Meta): હજારો કર્મચારીઓ પર અસર
ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ માર્ચ ૨૦૨૬થી જ તબક્કાવાર છટણી શરૂ કરી દીધી હતી. મે મહિનામાં એકસાથે આશરે ૮,૦૦૦ નોકરીઓમાં કાપ મૂકવાની ઘોષણા કરવામાં આવી હતી.
૫. ઉબર (Uber): ૧૦ ટકા સ્ટાફ ઓછો કરવાની યોજના
સપ્ટેમ્બરના પ્રારંભિક દિવસોમાં છટણી જાહેર કરનારી કંપનીઓમાં ઉબર અગ્રણી રહી છે. આ રાઈડ-હેલિંગ પ્લેટફોર્મે પોતાના કુલ સ્ટાફના લગભગ ૧૦ ટકા એટલે કે ૩,૩૦૦ જેટલા હોદ્દાઓ નાબૂદ કરવાની યોજના બનાવી છે.
૬. પેપાલ (PayPal): ૪,૭૬૦ નોકરીઓ રદ
પેપાલ કંપનીએ પોતાના ગ્લોબલ બિઝનેસનું પુનર્ગઠન કરતા ૪,૭૬૦ થી વધુ કર્મચારીઓને છૂટા કર્યા છે. આ છટણીમાં ભારત ખાતેના સેન્ટરમાંથી પણ આશરે ૨૨૦ કર્મચારીઓ (ભારતીય સ્ટાફના ૪%) અસરગ્રસ્ત થયા છે.
૭. માઈક્રોસોફ્ટ (Microsoft): ૪,૮૦૦ કર્મચારીઓ પ્રભાવિત
માઈક્રોસોફ્ટે જુલાઈ મહિનામાં ૪,૮૦૦ કર્મચારીઓની છટણી કરી હતી, જે તેના કુલ કર્મચારી બળના ૨.૧ ટકા જેટલી થાય છે. આ નિર્ણયની સૌથી મોટી અસર કંપનીના એક્સબોક્સ (Xbox) ગેમિંગ ડિવિઝન પર પડી હતી, જ્યાં લગભગ એક-પંચમાઉંશ કર્મચારીઓએ નોકરી ગુમાવી હતી.
૮. એપ્પલ (Apple): સિરી, વિઝન પ્રો અને AI ટીમોમાં કાપ
આઈફોન બનાવતી જાણીતી કંપની એપ્પલે તાજેતરમાં ૨૦૦થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી મુક્ત કર્યા છે. આ છટણી મુખ્યત્વે એપ્પલ વિઝન પ્રો યુનિટ (૧૦૦ પદ) તેમજ સિરી (Siri) અને AI સોફ્ટવેર ડેવલપમેન્ટ સાથે જોડાયેલી ટીમોમાં કરવામાં આવી છે.
૯. સેમસંગ (Samsung): સ્ટાફ ઘટાડા સાથે હેડક્વાર્ટર શિફ્ટિંગ
સેમસંગે જુલાઈમાં ૧૭૯ પદો નાબૂદ કર્યા હતા. કંપની આ વર્ષના અંત સુધીમાં પોતાનું ન્યૂ જર્સી સ્થિત હેડક્વાર્ટર ટેક્સાસ ખાતે શિફ્ટ કરવાની તૈયારી કરી રહી છે, જેનાથી આશરે ૧,૦૦૦ કર્મચારીઓ પ્રભાવિત થવાની ધારણા છે. ટેક્સાસ અને ન્યૂ જર્સી ખાતે મોબાઈલ ડિવિઝનના કર્મચારીઓ પર આની સીધી અસર પડી છે.
૧૦. ટિકટોક (TikTok): ૨૫૦ કર્મચારીઓની છટણી
શોર્ટ વિડિયો પ્લેટફોર્મ ટિકટોકે ઓગસ્ટ મહિનામાં ૨૫૦ કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી હતી. આ સિવાય કંપનીએ ઓક્ટોબર મહિનાથી ટેનેસીના નેશવિલ સ્થિત પોતાની ઓફિસ સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત પણ કરી દીધી છે.
AI ના વધતા વપરાશ વચ્ચે કેમ ઘટી રહી છે નોકરીઓ?
૨૦૨૬માં ટેક સેક્ટરમાં થઈ રહેલી આ વ્યાપક છટણીને માત્ર મંદી કે નબળી માંગ સાથે જોડીને જોઈ શકાય તેમ નથી. નિષ્ણાતોના મતે, મોટાભાગની કંપનીઓ પોતાના માનવ સંસાધનો (Human Resources) નો પુનઃઅંદાજ લગાવી રહી છે. કોડિંગ, કસ્ટમર સપોર્ટ, સોફ્ટવેર ટેસ્ટિંગ અને આંકડાકીય વિશ્લેષણ જેવા કામો હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના સાધનો દ્વારા વધુ ઝડપથી અને ઓછા ખર્ચે થઈ રહ્યા છે. પરિણામે, કંપનીઓ પરંપરાગત નોકરીઓ ઘટાડીને તે નાણાંનો ઉપયોગ AI ટેકનોલોજી અને ડેટા સેન્ટર્સના નિર્માણમાં કરી રહી છે.
