ઓછા પ્રીમિયમની લાલચમાં ન પડો: હેલ્થ ઈન્સ્યોરન્સ પોર્ટ કરતી વખતે આ ગોલ્ડન રૂલ્સ યાદ રાખો
આજના સમયમાં મોંઘવારી અને મેડિકલ ઈમરજન્સીના વધતા ખર્ચ સામે પરિવારને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે યોગ્ય હેલ્થ ઈન્સ્યોરન્સ (આરોગ્ય વીમો) હોવો અત્યંત જરૂરી બન્યો છે. જોકે, ઘણી વખત જૂની પોલિસીમાં પ્રીમિયમનો દર વધી જવો, પૂરતું કવરેજ ન મળવું કે પરિવારના સભ્યો વધવાને કારણે લોકો નવી પોલિસી ખરીદવાનો અથવા પોતાની હયાત પોલિસીને બીજી કંપનીમાં પોર્ટ (ફેરફાર) કરવાનો નિર્ણય લેતા હોય છે.
વીમો બદલતી વખતે મોટાભાગના લોકો સૌથી પેહલાં પ્રીમિયમ કેટલું ઓછું છે તે જુએ છે. પરંતુ નિષ્ણાતોના મતે ફક્ત સસ્તા પ્રીમિયમના આધારે નિર્ણય લેવો ભવિષ્યમાં ભારે પડી શકે છે. નવી પોલિસી લેતી વખતે કે પોર્ટ કરતી વખતે કવરેજ, વેટિંગ પિરિયડ અને દાવાની શરતો સમજવી ખૂબ જ જરૂરી છે. જો તમે પણ પોલિસી બદલવાનું વિચારી રહ્યા છો, તો નીચે આપેલી ૭ મહત્વની બાબતોને ક્યારેય અવગણશો નહીં.
૧. પૂરતું કવરેજ (Sum Insured)
પોલિસી બદલતી વખતે સૌથી પહેલાં જુઓ કે નવી પોલિસીમાં મળતી વીમાની રકમ તમારા પરિવારની વર્તમાન જરૂરિયાતો માટે પૂરતી છે કે નહીં. સમય સાથે તબીબી સારવારના ખર્ચમાં તીવ્ર વધારો થયો છે. માત્ર પ્રીમિયમ ઘટાડવા માટે ઓછું કવરેજ ધરાવતી પોલિસી લેવાથી હોસ્પિટલાઇઝેશન વખતે મોટો ખર્ચ પોતાની ખિસ્સામાંથી કરવો પડી શકે છે. તેથી જરૂરિયાત મુજબ યોગ્ય કવરેજ પસંદ કરવું પ્રાથમિકતા હોવી જોઈએ.

૨. વેટિંગ પિરિયડ અને પોર્ટેબિલિટી ક્રેડિટ (Waiting Period)
અમુક અગાઉથી હયાત બીમારીઓ (Pre-existing Diseases) અને ચોક્કસ સારવાર માટે વીમા કંપનીઓ ૧ થી ૪ વર્ષનો વેટિંગ પિરિયડ રાખતી હોય છે. જૂની પોલિસીમાંથી નવી પોલિસીમાં જતા સમયે, તમે જૂની પોલિસીમાં વિતાવેલા વેટિંગ પિરિયડનો ક્રેડિટ લાભ નવી પોલિસીમાં મળે છે કે નહીં તે ચકાસવું અનિવાર્ય છે. નવી પોલિસીના શરતો અને વેટિંગ પિરિયડના નિયમો કાળજીપૂર્વક વાંચવા જોઈએ.
૩. રૂમ રેન્ટ અને ICU મર્યાદા (Room Rent & ICU Capping)
ઘણી હેલ્થ પોલિસીઓમાં હોસ્પિટલના રૂમ ભાડા અને ICU ચાર્જિસ પર પ્રતિદિનની મર્યાદા (Capping) હોય છે. જો તમે પોલિસીમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ભાડાવાળો રૂમ પસંદ કરો છો, તો તેનાથી ડોક્ટર ફી અને સર્જરી જેવા અન્ય તમામ હોસ્પિટલ ખર્ચાઓ પર ‘પ્રોપોર્શનેટ ડિડક્શન’ હેઠળ કાપ મૂકાય છે. તેથી વગર કોઈ રૂમ રેન્ટ કેપિંગ વાળી પોલિસી પસંદ કરવી વધુ હિતાવહ છે.
૪. કો-પેમેન્ટ અને ડિડક્ટિબલ (Co-payment & Deductible)
ઓછા પ્રીમિયમવાળી પોલિસીઓમાં ઘણીવાર ‘કો-પેમેન્ટ’ ની શરત હોય છે. આનો અર્થ એ થાય છે કે જ્યારે પણ હોસ્પિટલનું બિલ આવશે, ત્યારે તેનો નિશ્ચિત ટકા હિસ્સો (જેમ કે ૧૦% કે ૨૦%) તમારે જાતે ચૂકવવો પડશે અને બાકીની રકમ વીમા કંપની આપશે. આ જ રીતે ‘ડિડક્ટિબલ’ ની શરત પણ સમજી લેવી જોઈએ, જેથી દાવો કરતી વખતે કોઈ અણધારી આર્થિક મુશ્કેલી ન આવે.
૫. કેશલેસ હોસ્પિટલ નેટવર્ક (Cashless Network Hospitals)
નવી વીમા કંપનીનું કેશલેસ નેટવર્ક તમારા વિસ્તારમાં કેવું છે તે તપાસવું ખૂબ જ જરૂરી છે. તમારા શહેરની મુખ્ય અને તમારી પસંદગીની હોસ્પિટલો તે કંપનીના નેટવર્કમાં સામેલ છે કે નહીં તે ચકાસો. ઇમરજન્સી સમયે કેશલેસ સુવિધા ઉપલબ્ધ હોય તો ખિસ્સામાંથી ત્વરિત મોટી રકમ ચૂકવવામાંથી રાહત મળે છે.

૬. પોલિસીમાં ન આવરી લેવાતી બાબતો (Exclusions)
દરેક હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીમાં કેટલીક ચોક્કસ બીમારીઓ, કોસ્મેટિક સારવાર કે ચોક્કસ પ્રક્રિયાઓ આવરી લેવામાં આવતી નથી, જેને ‘એક્સક્લુઝન્સ’ કહેવાય છે. પોલિસી ડોક્યુમેન્ટમાં આ યાદી સ્પષ્ટપણે વાંચવી જોઈએ જેથી ભવિષ્યમાં ક્લેમ વખતે રિજેક્શનનો સામનો ન કરવો પડે.
૭. ક્લેમ સેટલમેન્ટ રેશિયો અને ગ્રાહક સેવા (Claim Settlement Ratio & Service)
છેલ્લું અને સૌથી મહત્વનું પાસું છે કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો (CSR) અને ગ્રાહક સેવા. માત્ર એજન્ટ કે જાહેરાતના આધારે નિર્ણય લેવાને બદલે કંપનીનો હિસ્ટ્રી રેશિયો, ક્લેમ પ્રોસેસ કરવાની સરળતા અને ફરિયાદોના નિવારણની પ્રક્રિયા ચકાસો. પોલિસી ડોક્યુમેન્ટના અસલ શરતોને જ હંમેશા પ્રાધાન્ય આપો.
આમ, આરોગ્ય વીમો બદલતી વખતે સસ્તા પ્રીમિયમની પાછળ દોડવાને બદલે આ તમામ પાસાંઓનું યોગ્ય સંતુલન જાળવીને નિર્ણય લેવો જ સમજદારીભર્યું પગલું છે.
