US Midterm Polls: મધ્ય પૂર્વમાં યુદ્ધ અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પને મોટો આંચકો, સર્વેમાં ચોંકાવનારા આંકડા
મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતી અશાંતિ અને યુદ્ધ જેવા વાતાવરણની વચ્ચે, પોતાના જ દેશમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ચિંતાજનક સમાચારો સામે આવ્યા છે. આગામી નવેમ્બર મહિનામાં યોજાનારી મધ્યસત્ર ચૂંટણીઓ (Midterm Elections) માટે હાથ ધરવામાં આવેલા એક તાજેતરના પ્રમુખ સર્વેક્ષણમાં સંકેત મળ્યા છે કે ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટીને એક મોટો રાજકીય આંચકો સહન કરવો પડી શકે છે.
NBC ન્યૂઝ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા સર્વે મુજબ, અમેરિકન મતદારોનો એક મોટો વર્ગ મધ્યસત્ર ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો સ્પષ્ટ વિરોધ કરવાનો મૂડ બનાવી રહ્યો છે. ન્યૂ યોર્ક સ્થિત આ જાણીતી ટીવી ચેનલે જણાવ્યું છે કે, તેના છેલ્લા લગભગ ૩૦ વર્ષના મધ્યસત્ર ચૂંટણી સર્વેક્ષણોના ઈતિહાસમાં ટ્રમ્પ સામેનો આ વિરોધ અત્યાર સુધીના સૌથી ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે, જે અત્યંત આશ્ચર્યજનક છે.
સર્વેના ચોંકાવનારા આંકડા: કેટલા સાથે અને કેટલા વિરુદ્ધ?
સર્વેક્ષણના પરિણામો પર નજર કરીએ તો, નોંધાયેલા મતદારોમાંથી ૪૩ ટકા લોકોએ ખુલ્લેઆમ કહ્યું છે કે તેઓ મધ્યસત્ર ચૂંટણીમાં મતદાન દ્વારા રાષ્ટ્રપતિ ટ્રમ્પ પ્રત્યેનો પોતાનો વિરોધ નોંધાવશે. તેની સામે માત્ર ૨૭ ટકા લોકોએ જ એવું સ્વીકાર્યું છે કે તેમનો વોટ ટ્રમ્પના સમર્થન માટે હશે. જ્યારે ૨૮ ટકા મતદારોનું માનવું હતું કે તેમના મતદાનનો હેતુ કોઈ ચોક્કસ રાજકીય સંદેશ આપવાનો નથી.

આ સર્વેમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવતા સ્વતંત્ર (ઇન્ડિપેન્ડેન્ટ) મતદારોનું વલણ પણ ટ્રમ્પ માટે ચિંતાજનક રહ્યું છે. લગભગ ૪૬ ટકા સ્વતંત્ર મતદારોએ ટ્રમ્પ સામે પોતાનો વિરોધ વ્યક્ત કરવાની ઈચ્છા દર્શાવી છે, જ્યારે માત્ર ૧૦ ટકા લોકો જ તેમના સમર્થનમાં ઊભા જોવા મળ્યા છે.
૨૦ સપ્ટેમ્બરના રોજ સત્તાવાર રીતે જાહેર થયેલા આ પરિણામો દર્શાવે છે કે યુએસ અર્થતંત્ર, દેશમાં વધી રહેલો રહેઠાણ અને દૈનિક જીવનનિર્વાહનો ખર્ચ (મોંઘવારી), તેમજ ઈરાન સાથે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષને કારણે સામાન્ય નાગરિકોમાં ટ્રમ્પના પ્રદર્શન રેટિંગ પ્રતિ ભારે નારાજગી જોવા મળી રહી છે.
ટ્રમ્પના બીજા કાર્યકાળનું સૌથી ઓછું મંજૂરી રેટિંગ
NBC ન્યૂઝ દ્વારા ૧૧ થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન ૧,૦૦૦ નોંધાયેલા મતદારો વચ્ચે હાથ ધરવામાં આવેલા આ સર્વે અનુસાર, માત્ર ૪૧ ટકા લોકોએ જ દેશ પ્રત્યેના ટ્રમ્પના કામકાજ અને વહીવટને ટેકો આપ્યો છે. તેની સરખામણીએ પ૬ ટકા લોકોએ તેમની કામગીરીની આકરા શબ્દોમાં ટીકા કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ બીજા કાર્યકાળ દરમિયાન તેમની લોકપ્રિયતા અને મંજૂરી રેટિંગનો આ અત્યાર સુધીનો સૌથી નીચલો સ્તર ગણવામાં આવે છે.
ઈરાન સાથે યુદ્ધ અને અર્થતંત્ર પર મતદારોનો આક્રોશ
અમેરિકી મતદારો માટે દેશની આર્થિક સ્થિતિ હંમેશાં મુખ્ય મુદ્દો રહી છે. સર્વે અનુસાર, ૫૫ ટકા લોકો સ્પષ્ટપણે માને છે કે ટ્રમ્પ સરકારની નીતિઓની યુએસ અર્થતંત્ર પર અત્યંત નકારાત્મક અસર પડી છે. માર્ચ મહિનામાં આ આંકડો ૪૮ ટકા હતો, જેમાં હવે સીધો ૭ ટકાનો વધારો થયો છે. જ્યારે માત્ર ૨૬ ટકા લોકો જ એવું માને છે કે તેમની આર્થિક નીતિઓથી સકારાત્મક પરિણામો મળ્યા છે. દેશમાં વધી રહેલો ફુગાવો અને મોંઘવારી સામાન્ય લોકોની દૈનિક ચિંતાનો મુખ્ય વિષય બની ગયા છે.

બીજી તરફ, મધ્ય પૂર્વમાં ઈરાન સાથે ચાલી રહેલા તણાવ અને યુદ્ધની શક્યતાઓ અંગે પણ અમેરિકન જનતા ખુશ નથી. સર્વેમાં સામેલ ૬૨ ટકા લોકોએ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે કે અમેરિકાએ ઈરાન સાથે યુદ્ધમાં ઉતરવું યોગ્ય નથી. માત્ર ૩૩ ટકા લોકોએ જ આ લશ્કરી વલણને સમર્થન આપ્યું છે.
વિશ્લેષકોના મતે, આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધનું વાતાવરણ, શેરબજારમાં અસ્થિરતા, મજબૂત ડોલર હોવા છતાં સ્થાનિક સ્તરે ફુગાવાનો માર અને અમેરિકી ડોલર સામે સ્થાનિક કરન્સીના સમીકરણો વચ્ચે હોમ ગ્રાઉન્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પ માટે સ્થિતિ કઠિન બની રહી છે. જો નવેમ્બર પહેલાં આ પરિસ્થિતિમાં સુધારો નહીં થાય, તો આગામી મધ્યસત્ર ચૂંટણી રિપબ્લિકન પાર્ટી માટે અત્યંત પડકારજનક સાબિત થઈ શકે છે.
