અંત્યોદયના પ્રણેતાને નમન: CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પંડિત દીનદયાળજીની પ્રતિમાને અર્પણ કર્યા પુષ્પ!
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચિંતક, મહાન વિચારક અને અંત્યોદયના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં તેમને યાદ કરવામાં આવ્યા હતા. આ પવિત્ર અવસર પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને આદરપૂર્વક નમન કર્યા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
કાંકરિયા ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ
અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલા અનુપમ બ્રિજ પાસે સ્થાપિત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની ભવ્ય પ્રતિમા પર આ શ્રદ્ધાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે આ સ્થળે પહોંચીને પંડિત દીનદયાળજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. તેમની સાથે ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો અને અગ્રણીઓએ પણ પંડિતજીના બલિદાન અને વિચારોને યાદ કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
‘અંત્યોદય’ના વિચારોને હંમેશાં જીવંત રાખવાનો સંકલ્પ
પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીએ સમાજના છેવાડાના માનવી સુધી વિકાસના લાભો પહોંચાડવા માટે ‘એકાત્મ માનવવાદ’ અને ‘અંત્યોદય’નો સિદ્ધાંત આપ્યો હતો. તેમના આ વિચારો આજે પણ દેશના વિકાસમાં પાયાની ભૂમિકા ભજવી રહ્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત નેતાઓ અને પદાધિકારીઓએ પંડિતજીના જીવનચરિત્રમાંથી પ્રેરણા લઈને જનસેવા કરવાના પોતાના સંકલ્પને વધુ દ્રઢ બનાવ્યો હતો.
રાજ્ય અને શહેરના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ
આ શ્રદ્ધાંજલિ સમારોહમાં ગુજરાત અને અમદાવાદ શહેરના અનેક અગ્રણી નેતાઓ, ધારાસભ્યો તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર હિતેશભાઈ બારોટ, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ દિનેશભાઈ મકવાણા અને શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, ધારાસભ્ય સર્વે અમૂલભાઈ ભટ્ટ, અમિતભાઈ શાહ, અમિતભાઈ ઠાકર, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની પણ હાજર રહ્યા હતા. સાથેસાથે, સ્થાનિક કોર્પોરેટરો અને મ્યુનિસિપાલિટીના અનેક પદાધિકારીઓ તથા અધિકારીઓએ પણ પંડિત દીનદયાળજીને પુષ્પાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
