ફેફસાંમાંથી પ્રદૂષણ દૂર કરવા કોઈ ખાસ જ્યૂસ કે દવા કામ કરે છે? નિષ્ણાત ડૉક્ટરે જણાવ્યું સત્ય, જાણો લંગ્સને સુરક્ષિત રાખવાની સાચી રીત
દિલ્હી-NCR સહિત દેશનાં અનેક શહેરોમાં વધતા વાયુ પ્રદૂષણે લોકોની ચિંતામાં વધારો કર્યો છે. હવામાં રહેલા ધૂળના રજકણો અને ઝેરી પ્રદૂષકો શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશીને ફેફસાંના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર ફેફસાંને સાફ કરવા માટે ખાસ જ્યૂસ પીવાથી લઈને અલગ-અલગ ડાયટ અને ઓક્સિજન થેરાપી લેવાના દાવા કરવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો તો માત્ર 15 મિનિટ ઓક્સિજન લેવાથી ફેફસાંમાંથી પ્રદૂષણ દૂર થઈ શકે છે તેવો દાવો પણ કરે છે. પરંતુ શું ખરેખર કોઈ પીણું, દવા કે ખાસ થેરાપીથી ફેફસાંમાં જમા થયેલા પ્રદૂષણને બહાર કાઢી શકાય છે?
આ સવાલનો જવાબ આપતાં જાણીતા લંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. અરવિંદ કુમારે સ્પષ્ટ કર્યું છે કે ફેફસાંને ડિટોક્સ કરવા માટે બજારમાં પ્રચલિત અનેક દાવાઓ પાછળ કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવો નથી. તેમના જણાવ્યા અનુસાર, માનવ શરીરમાં ફેફસાંને કુદરતી રીતે સાફ રાખવાની વ્યવસ્થા પહેલેથી જ ઉપલબ્ધ છે. તેથી સોશિયલ મીડિયા પરના દાવાઓથી પ્રભાવિત થઈને કોઈ ખાસ જ્યૂસ, ડાયટ કે ઓક્સિજન થેરાપીનો સહારો લેવો યોગ્ય નથી.

1. શું ખાસ જ્યૂસ કે દવાથી ફેફસાં ડિટોક્સ થઈ શકે?
વાયુ પ્રદૂષણ વધતાં લોકો ફેફસાંને સ્વસ્થ રાખવા માટે અલગ-અલગ ઉપાયો શોધી રહ્યા છે. બજારમાં અને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારનાં પીણાં, હેલ્થ ડ્રિંક્સ અને ડિટોક્સ ડાયટના દાવા કરવામાં આવે છે. કેટલાક દાવા અનુસાર ખાસ જ્યૂસ પીવાથી ફેફસાંમાં જમા થયેલી ગંદકી બહાર નીકળી જાય છે. જોકે, ડૉ. અરવિંદ કુમારના જણાવ્યા અનુસાર, આવી બાબતોને સમર્થન આપતો કોઈ નક્કર મેડિકલ પુરાવો ઉપલબ્ધ નથી.
તેમણે સ્પષ્ટ કર્યું છે કે કોઈ ખાસ પ્રકારનો ખોરાક, પીણું અથવા શ્વાસ દ્વારા લેવામાં આવતી વસ્તુ ફેફસાંમાં જમા થયેલા પ્રદૂષણના કણોને બહાર કાઢે છે તેવું સાબિત થયું નથી. ફેફસાંની સફાઈ માટે શરીરમાં કુદરતી વ્યવસ્થા કાર્યરત હોય છે.
જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવામાં રહેલા ધૂળના કણો અને અન્ય હાનિકારક તત્ત્વોને રોકવા માટે નાક અને શ્વાસનળીમાં સુરક્ષાત્મક વ્યવસ્થા હોય છે. આ ઉપરાંત, જે હાનિકારક કણો ફેફસાં સુધી પહોંચી જાય છે, તેમને શરીર ઉધરસ દ્વારા બહાર કાઢવાનો પ્રયાસ કરે છે.આથી ફેફસાંને સાફ કરવાના નામે પ્રચલિત દરેક ઉપાય પર વિશ્વાસ કરવો યોગ્ય નથી. કોઈપણ દવા અથવા ખાસ થેરાપીનો ઉપયોગ ડૉક્ટરની સલાહ વિના કરવો નહીં.
2. શું 15 મિનિટ ઓક્સિજન લેવાથી ફેફસાં સાફ થઈ જાય છે?
સોશિયલ મીડિયા પર ફેફસાંને સ્વચ્છ રાખવા માટે ઓક્સિજન થેરાપી લેવાની સલાહ પણ આપવામાં આવે છે. કેટલાક લોકોનો દાવો છે કે થોડા સમય માટે શુદ્ધ ઓક્સિજન લેવાથી ફેફસાંમાં રહેલા પ્રદૂષણના કણો દૂર થઈ શકે છે. પરંતુ નિષ્ણાત ડૉક્ટરે આ દાવાને ખોટો ગણાવ્યો છે.ડૉ. અરવિંદ કુમારના જણાવ્યા અનુસાર, ઓક્સિજન થેરાપીનો ઉપયોગ એવા દર્દીઓ માટે કરવામાં આવે છે, જેમના લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ જરૂરિયાત કરતાં ઓછું હોય છે. આ થેરાપીનો મુખ્ય હેતુ શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચાડવાનો છે.
પરંતુ ઓક્સિજન થેરાપી ફેફસાંમાં જમા થયેલા પ્રદૂષણના કણોને બહાર કાઢતી નથી અને ફેફસાંને ડિટોક્સ પણ કરતી નથી. એટલે માત્ર ફેફસાંની સફાઈના ઇરાદાથી ઓક્સિજન લેવું વૈજ્ઞાનિક રીતે યોગ્ય ઉપાય નથી.આ બાબત સમજવી જરૂરી છે કે ઓક્સિજન થેરાપી એક તબીબી સારવાર છે, કોઈ સામાન્ય વેલનેસ ટ્રીટમેન્ટ નથી. તેનો ઉપયોગ વ્યક્તિની તબીબી જરૂરિયાત પ્રમાણે ડૉક્ટરની સલાહથી જ થવો જોઈએ.
3. પ્રદૂષણથી ફેફસાંને બચાવવા શું કરવું?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ફેફસાંને સ્વસ્થ રાખવાનો સૌથી અસરકારક રસ્તો પ્રદૂષણના સંપર્કમાં આવવાનું ઓછું કરવું છે. ફેફસાંમાં પ્રદૂષણ પ્રવેશી ગયા પછી તેને બહાર કાઢવા માટે કોઈ ચમત્કારિક પીણું કે દવા શોધવા કરતાં શરૂઆતથી જ સાવચેતી રાખવી વધુ જરૂરી છે.

ફેફસાંને સુરક્ષિત રાખવા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ:
ખરાબ AQIમાં બહાર જવાનું ટાળો: હવાની ગુણવત્તા ખૂબ ખરાબ હોય ત્યારે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ.
N95 માસ્ક પહેરો: બહાર જવું જરૂરી હોય ત્યારે સારી રીતે ફિટ થતો N95 માસ્ક ઉપયોગમાં લેવો જોઈએ.
ઘરમાં ધૂળ ઓછી રાખો: ઘરની અંદર ધૂળ અને ધુમાડાનું પ્રમાણ ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ.
પ્રદૂષણ ઘટાડવામાં સહયોગ આપો: વ્યક્તિગત સ્તરે પણ પ્રદૂષણ ઓછું થાય તેવા પ્રયાસો કરવા જરૂરી છે.
ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વાસ સંબંધિત સમસ્યાઓ ધરાવતા લોકોએ પ્રદૂષણના દિવસોમાં વધુ સાવચેતી રાખવી જોઈએ.
હાલમાં વધતું વાયુ પ્રદૂષણ માત્ર દિલ્હીની જ નહીં, પરંતુ દેશનાં અનેક શહેરોની સમસ્યા બની રહ્યું છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર મળતી દરેક આરોગ્ય સલાહને સાચી માનવાને બદલે વૈજ્ઞાનિક પુરાવા અને નિષ્ણાતોની સલાહને મહત્ત્વ આપવું જરૂરી છે.
