ચીન 3 સપ્ટેમ્બરે ભવ્ય સૈન્ય પરેડનું આયોજન કરશે: વિશ્વ રાજનીતિ પર અસર
ચીન આવતા મહિને 3 સપ્ટેમ્બરે બેઇજિંગના તિયાનઆનમેન સ્ક્વેરમાં એક ભવ્ય સૈન્ય પરેડનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમ ચીન-જાપાન યુદ્ધની 80મી વર્ષગાંઠ અને બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિની યાદમાં યોજાઈ રહ્યો છે. આ પરેડને “વિક્ટરી ડે” નામ આપવામાં આવ્યું છે, અને આ પ્રસંગે ચીન પોતાની આધુનિક સૈન્ય શક્તિનું સંપૂર્ણ પ્રદર્શન કરશે.
પરેડમાં શું હશે ખાસ?
આ પરેડમાં સેંકડો લડાકુ વિમાનો, ટેન્ક, મિસાઈલ સિસ્ટમ અને એન્ટી-ડ્રોન હથિયારો પ્રદર્શિત કરવામાં આવશે. ચીન પહેલીવાર પોતાની સેનાની નવી રચનાને પણ દુનિયા સમક્ષ રજૂ કરશે. આ પરેડ લગભગ 70 મિનિટ સુધી ચાલશે, જેમાં ચીનની સેનાની 45 યુનિટ્સ ભાગ લેશે. હજારો સૈનિકો કદમતાલ કરતા જોવા મળશે, અને યુદ્ધના અનુભવી યોદ્ધાઓને પણ સન્માનપૂર્વક સામેલ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતે આ પરેડનું નેતૃત્વ કરશે.

આંતરરાષ્ટ્રીય નેતાઓની હાજરી
આ આયોજનને વધુ મહત્વપૂર્ણ બનાવે છે તેમાં સામેલ થનારા આંતરરાષ્ટ્રીય નેતાઓનો સમૂહ. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મંચ પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન પણ હાજર રહેશે. ચીનના વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે આ કાર્યક્રમમાં કુલ 26 દેશોના રાષ્ટ્રાધ્યક્ષ ભાગ લેશે. કિમ જોંગ ઉન પહેલીવાર આટલા મોટા આંતરરાષ્ટ્રીય મંચ પર જોવા મળશે, જે ચીનની કુટનીતિ માટે મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે.
અમેરિકા માટે કૂટનીતિક પડકાર
આ પરેડમાં કિમ જોંગ ઉન અને પુતિનની હાજરી સૌથી મોટી ચર્ચાનો વિષય છે. આ માત્ર એક ઔપચારિકતા નથી, પરંતુ અમેરિકા માટે એક કૂટનીતિક દબાણનો સંકેત છે. વર્તમાન સમયમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પુતિન સાથે મળીને યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને કિમ જોંગ ઉન સાથે પણ વાતચીત ફરી શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે.

આવામાં જ્યારે કિમ અને પુતિન બેઇજિંગમાં શી જિનપિંગ સાથે મંચ પર જોવા મળશે, ત્યારે એ સંકેત જશે કે આ બંને નેતાઓ પર ચીનનો પ્રભાવ છે અને એશિયન કૂટનીતિની ચાવી બેઇજિંગના હાથમાં છે.
ઓક્ટોબરના અંતમાં ટ્રમ્પના એશિયા પ્રવાસની પણ શક્યતા છે. તેઓ શી જિનપિંગને મળવા માગે છે, પરંતુ હવે પરિસ્થિતિઓ બદલાઈ શકે છે. કિમ અને પુતિન સાથે સીધી વાતચીત કરીને શી જિનપિંગ અમેરિકા સાથે થનારી કોઈપણ વાટાઘાટોમાં વધુ મજબૂત સ્થિતિમાં પહોંચી જશે. આ જ કારણ છે કે આ પરેડ માત્ર ચીનની સૈન્ય શક્તિનું પ્રદર્શન જ નહીં, પરંતુ અમેરિકા માટે વધી રહેલા કૂટનીતિક પડકારનું પ્રતીક પણ સાબિત થઈ શકે છે.

