ચૂંટણી પંચમાં આંતરિક અસંમતિનો સૂર: થરૂરે પૂછ્યું – ૧૪ વાંધાઓનું પરિણામ શું આવ્યું?

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
5 Min Read

‘૧૪ વાંધાઓનું પરિણામ શું આવ્યું?’ શશિ થરૂરે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને કઠેડામાં ઊભા કર્યા, ચૂંટણી પંચની પારદર્શિતા સામે સવાલોની ઝડી વરસાવી

ભારતીય ચૂંટણી પંચ (ECI) ની નિષ્પક્ષતા અને આંતરિક નિર્ણયોને લઈને વિપક્ષનો હુમલો વધુ તીવ્ર બન્યો છે. દેશમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અને ચૂંટણી પંચના આંતરિક વહીવટ અંગે ઊભા થયેલા વિવાદ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂરે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર સીધું નિશાન સાધ્યું છે. બુધવારે (૨૩ સપ્ટેમ્બર) તેમણે જણાવાયું હતું કે, ચૂંટણી પંચ જેવી અત્યંત મહત્વપૂર્ણ અને બંધારણીય સંસ્થાની શાખ જાળવવા માટે તેની સામે ઉઠાવવામાં આવેલા તમામ ગંભીર પ્રશ્નોને સાર્વજનિક રીતે જાહેર રેકોર્ડ પર મૂકવા જોઈએ અને દસ્તાવેજી પુરાવા સાથે પારદર્શક રીતે તેનો જવાબ આપવો જોઈએ.

સમાચાર એજન્સી પીટીઆઈ (PTI) ના અહેવાલ મુજબ, થરૂરે ખાસ કરીને એવા અહેવાલો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પંચની અંદર આંતરિક મતભેદો હોવા છતાં એકહથ્થુ નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે SIR પ્રક્રિયા દરમિયાન જે મતદારોના નામો યાદીમાંથી બાકાત થયા બાદ ફરી ઉમેરવામાં આવ્યા હતા, તેમની સામે અપીલ કરવાનો અધિકાર કોણે અને કયા કાનૂની આધારે આપ્યો?

- Advertisement -

૧૪ વાંધા અને નિર્ણયોની પ્રક્રિયા પર તીખા સવાલો

તાજેતરમાં સામે આવેલા એક સન્સસનીખેજ અહેવાલમાં જણાવાયું હતું કે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા ૧૦ મહિનાના સમયગાળા દરમિયાન ઓછામાં ઓછી ૧૪ વખત સત્તાવાર રીતે એવા નિર્ણયો સામે વિરોધ નોંધાવ્યો હતો, જે તેમની જાણ વગર કે સંમતિ વિના જારી કરી દેવામાં આવ્યા હતા. આ મામલે થરૂરે સીધો પ્રશ્ન કરતા પૂછ્યું, “શું ખરેખર કમિશનરો દ્વારા ૧૪ વાંધા નોંધાવવામાં આવ્યા હતા? અને જો હા, તો દરેક વાંધા અને આપત્તિનું અંતિમ પરિણામ શું આવ્યું? તે દેશની જનતા સામે સ્પષ્ટ થવું જોઈએ.”

તેમણે ઉમેર્યું કે મતદાર નોંધણી માટેના ફોર્મ-૬ માં ફેરફાર કરવા પાછળનો ચોક્કસ કાનૂની આધાર શું હતો, ખાસ કરીને ત્યારે જ્યારે ખુદ કમિશનરોએ આ ફેરફારો સામે વાંધો નોંધાવ્યો હતો. થરૂરે વધુમાં પૂછ્યું કે કેબિનેટ સચિવને આ સંવેદનશીલ માહિતીઓ મોકલવા પાછળના કયા મુખ્ય કારણો હતા? શું કમિશનની જરૂરી મંજૂરી મેળવ્યા વિના જ તેના નામે કેટલીક માહિતો સાર્વજનિક કરી દેવામાં આવી હતી, જેવું કે અહેવાલોમાં સામે આવી રહ્યું છે?

- Advertisement -

Shashi Tharoor -National Honour Amendment Bill

આઈટી કંટ્રોલનું કેન્દ્રીકરણ અને ગોવાનો મામલો

શશિ થરૂરે ચૂંટણી પંચના ડેટાબેઝ સુરક્ષા અને ડિજિટલ પ્રક્રિયાઓ સામે પણ આંગળી ચિંધી હતી. તેમણે પૂછ્યું કે મતદાર યાદી ડેટાબેઝ ઍક્સેસ અને આઈટી (IT) કંટ્રોલના કેન્દ્રીકરણના મુદ્દાનું આખરે શું થયું? આટલો સંવેદનશીલ ડેટા કોના નિયંત્રણ હેઠળ છે તે અંગે સ્પષ્ટતા થવી જરૂરી છે. આ ઉપરાંત તેમણે ગોવાનો ઉલ્લેખ કરતા પૂછ્યું કે, ગોવામાં ૯૭ મતદારો સાથે સંકળાયેલા વિવાદિત મામલા પર ચૂંટણી પંચનો સત્તાવાર અને તાર્કિક ખુલાસો શું છે?

સામાન્ય પ્રેસ નોટ પૂરતી નથી: દસ્તાવેજી પુરાવાની માંગ

ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલી સામાન્ય પ્રેસ નોટ પર પ્રતિક્રિયા આપતા શશિ થરૂરે કહ્યું કે, આ બંને બાબતો વચ્ચેનો ભેદ સમજવો અત્યંત મહત્વપૂર્ણ છે. પંચ તરફથી એવું કહી દેવું કે ‘અંતિમ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા’, તેનો અર્થ એવો બિલકુલ નથી થતો કે નિર્ણય લેવાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઉઠાવવામાં આવેલા ગંભીર વાંધાઓ આપોઆપ રદ થઈ જાય છે.

- Advertisement -

election commission.jpg

થરૂરે ભારપૂર્વક કહ્યું કે, “ચૂંટણી પંચે માત્ર એક સામાન્ય પ્રેસ નોટ જારી કરીને તમામ તપાસ કે પ્રશ્નોનો પ્રતિભાવ આપી દીધો ગણાય નહીં. તેના બદલે ઉઠાવવામાં આવેલા દરેક સવાલ પર યોગ્ય દસ્તાવેજો અને આધાર-પુરાવા દ્વારા સમર્થિત વિગતવાર માહિતી પૂરી પાડવી એ સંસ્થાની નૈતિક અને બંધારણીય ફરજ છે.”

શું છે સમગ્ર વિવાદનો મૂળ આધાર?

આ સમગ્ર વિવાદ રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવામાં આવી રહેલી SIR પ્રક્રિયાની આસપાસ ફરે છે. અહેવાલો મુજબ, જ્યારે સમગ્ર ચૂંટણી કમિશન દ્વારા SIR ના રાષ્ટ્રીય અમલીકરણની દેખરેખ રાખવામાં આવી રહી હતી, ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય બે કમિશનરો વચ્ચે વહીવટી અને કાનૂની બાબતો પર ભારે અસંમતિ સર્જાઈ હતી. વિપક્ષનો આરોપ છે કે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયાને નુકસાન પહોંચાડવા માટે સ્વાયત્ત સંસ્થાઓ પર દબાણ લાવવામાં આવી રહ્યું છે, જેના કારણે ચૂંટણી પંચની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે.

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.