સવારના નાસ્તામાં દહીં સાથે ખાઓ આ સફેદ વસ્તુ: રાંધ્યા વગર મિનીટોમાં તૈયાર થઈ જશે હેલ્ધી બ્રેકફાસ્ટ
આજની ભાગદોડ ભરી જિંદગીમાં સવારના સમયે દરેકને એવો નાસ્તો જોઈએ છે જે ઝડપથી બની જાય અને સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ હોય. જો તમે પણ હેલ્ધી બ્રેકફાસ્ટના વિકલ્પો શોધી રહ્યા હોવ, તો દહીં-પૌઆ (દહીં-ચૂડા) એક શ્રેષ્ઠ પસંદગી છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં આ નાસ્તો શરીરને ઠંડક આપવાની સાથે દિવસભર એનર્જીથી ભરપૂર રાખે છે. આ નાસ્તાની ખાસિયત એ છે કે તેમાં તેલનો એક પણ ટીપું વપરાતું નથી અને તેને રાંધવાની પણ જરૂર પડતી નથી.
દહીં-પૌઆ બનાવવાની રીત
આ નાસ્તો બનાવવો ખૂબ જ સરળ છે અને તે માત્ર ૧૦ મિનીટમાં તૈયાર થઈ જાય છે
૧. પૌઆની તૈયારી: સૌ પ્રથમ પૌઆ લો અને તેને ૧-૨ વાર ચોખ્ખા પાણીથી ધોઈ લો. ત્યારબાદ તેને થોડીવાર પલળવા દો જેથી તે ફૂલીને એકદમ પોચા અને ખીલેલા બની જાય.
૨. દહીં ઉમેરો: હવે પલળેલા પૌઆને એક બાઉલમાં લો અને તેની ઉપર ઘરે જમાવેલું તાજું દહીં ઉમેરો.
૩. સ્વાદ અને પોષણ: મીઠાશ માટે તેમાં થોડો દેશી ગોળ ભૂકો કરીને નાખો. જો તમે હેલ્થ પ્રત્યે વધુ જાગૃત હોવ, તો તેમાં પલાળેલા સૂકા મેવા જેવા કે બદામ, અખરોટ, કાજુ, કિસમિસ, અંજીર અને ખજૂરના ઝીણા ટુકડા કરીને ઉમેરી દો.
બસ, તૈયાર છે તમારો પોષક તત્વોથી ભરપૂર અને સ્વાદિષ્ટ નાસ્તો!
સવારના નાસ્તામાં દહીં-પૌઆ ખાવાના ફાયદા
પાચનતંત્ર માટે શ્રેષ્ઠ
દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ (ગુડ બેક્ટેરિયા) આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે અને પાચનશક્તિ મજબૂત બનાવે છે. સવારે આ નાસ્તો ખાવાથી આખો દિવસ પેટમાં ઠંડક રહે છે અને એસિડિટી જેવી સમસ્યાઓ થતી નથી.
એનર્જીનો પાવરહાઉસ
પૌઆમાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જ્યારે દહીંમાં પ્રોટીન, વિટામિન અને હેલ્ધી ફેટ્સ જોવા મળે છે. તેની સાથે ડ્રાય ફ્રૂટ્સ અને ગોળ ઉમેરવાથી તે એક ‘કમ્પ્લીટ ફૂડ’ બની જાય છે, જે તમને દિવસભર થાક અનુભવવા દેતું નથી.
વજન ઘટાડવામાં મદદરૂપ
જે લોકો વજન ઉતારવા માંગે છે તેમના માટે દહીં-પૌઆ ઉત્તમ નાસ્તો છે. આ એક ઓઈલ-ફ્રી ખોરાક છે અને તેને ખાધા પછી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. જેના કારણે તમે બિનજરૂરી જંક ફૂડ ખાવાથી બચો છો અને સ્થૂળતા ઘટાડવામાં મદદ મળે છે.

