પૂરનું જોખમ વધી રહ્યું છે! ૫૩,૦૦૦થી વધુ લોકોનું સ્થળાંતર, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે હવામાન
ગુજરાતમાં ચોમાસાનું જોર દિન-પ્રતિદિન વધી રહ્યું છે અને હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે અત્યંત ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદની તીવ્રતામાં મોટો વધારો થવાની શક્યતાઓને જોતાં તંત્ર હરકતમાં આવી ગયું છે. ખાસ કરીને ૩૧ જુલાઈના રોજ રાજ્યના અમદાવાદથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના આઠ મુખ્ય જિલ્લાઓમાં ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરીને ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આ ગંભીર આગાહીના પગલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર ખાતે રાહત કમિશનર શ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ‘વેધર વૉચ ગ્રુપ’ની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં તમામ સંકલિત વિભાગોને એલર્ટ મોડ પર રાખીને પૂર્વતૈયારીઓ આટોપી લેવા આદેશ આપવામાં આવ્યા છે.

આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ અને વિવિધ જિલ્લાઓમાં એલર્ટ
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિન મુજબ આગામી ત્રણ-ચાર દિવસ ગુજરાત માટે ખૂબ જ મહત્વના અને ભારે વરસાદી રહેવાના છે:
-
૩૧ જુલાઈના રોજ રેડ એલર્ટ: અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં અત્યંત અતિભારે વરસાદ પડાવાની શક્યતા છે. આ વિસ્તારોમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
-
સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ: સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ મુસળધાર વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
-
૨૯ અને ૩૦ જુલાઈની સ્થિતિ: પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત અને દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે.
-
૧ ઓગસ્ટ ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ: ઓગસ્ટ મહિનાના પ્રારંભે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે અને ત્યાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
વેધર વૉચ ગ્રુપની બેઠક અને વહીવટી તંત્રની તૈયારીઓ
ગાંધીનગર ખાતે યોજાયેલી હાઈ-લેવલ બેઠકમાં રાહત કમિશનરે તમામ કલેક્ટરો અને સંબંધિત અધિકારીઓને પોતાના વિસ્તારોમાં સાધનો અને ટીમોનું તુરંત ‘મેપિંગ’ કરી લેવા આદેશ આપ્યા છે, જેથી કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિ સર્જાય તો ક્ષણવારના વિલંબ વિના રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી શકાય.
રાહત કમિશનરે ખાસ સૂચના આપી છે કે ભારે પવન અને વરસાદના કોમ્બિનેશનથી થતા અકસ્માતો અટકાવવા માટે માર્ગ અને મકાન વિભાગે નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓ સાથે મળીને જર્જરિત બિલ્ડિંગો, હોર્ડિંગ્સ અને બેનરોને તાત્કાલિક ધોરણે હટાવી લેવા. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ સલામતીનાં પગલાં લેવા અત્યંત જરૂરી છે.
સામાન્ય નાગરિકો અને શ્રમિક વર્ગના રક્ષણ પર ભાર
સરકારનું મુખ્ય ધ્યાન આ આપત્તિના સમયે સમાજના છેવાડાના માનવીને સુરક્ષિત રાખવા પર છે. બેઠકમાં સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે કે વરસાદ કે પૂર અંગેની કોઈ પણ ચેતવણી કે મેસેજ નીચલા સ્તર સુધી, ખાસ કરીને ઝૂંપડપટ્ટી, કાચા મકાનોમાં રહેતા લોકો અને મજૂર વર્ગ સુધી સમયસર પહોંચવા જોઈએ.
માટીના કાચા ઘરો અને નદી કાંઠે રહેતા શ્રમિકો પૂરથી સૌથી વધુ પ્રભાવિત થતા હોવાથી તેમના સ્થળાંતર અને આશ્રય માટે ‘એક્સ્ટ્રા કેર’ (વિશેષ કાળજી) લેવા કલેક્ટરોને તાકીદ કરવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદની વિષમ પેટર્ન: ધોળકામાં ૨ કલાકમાં ૨૦ ઈંચ!
બેઠક દરમિયાન રાહત કમિશનર શ્રી ગૌરાંગ મકવાણાએ રાજ્યમાં જોવા મળી રહેલી વરસાદની અત્યંત અસામાન્ય અને વિષમ પેટર્ન અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે ચોમાસામાં એક તરફ દ્વારકા જેવા વિસ્તારોમાં સરખામણીએ ઓછો વરસાદ નોંધાયો છે, તો બીજી તરફ વલસાડ અને નવસારી જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ૧૦૦ ટકા જેટલો આંકડો પહોંચી ગયો છે.

સૌથી વધુ આશ્ચર્યજનક અને ગંભીર ઘટના ધોળકામાં જોવા મળી હતી, જ્યાં માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં ૨૦ ઈંચ જેટલો અભૂતપૂર્વ વરસાદ તૂટી પડ્યો હતો. આવી ‘ક્લાઉડ બર્સ્ટ’ જેવી સ્થાનિક ઈમરજન્સી પરિસ્થિતિ ગમે ત્યાં સર્જાઈ શકે તેમ હોવાથી જ તમામ જિલ્લા તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
બચાવ કામગીરી અને સુરક્ષા દળોની સરાહના
અત્યાર સુધી રાજ્યમાં સર્જાયેલી પૂરની સ્થિતિમાં NDRF, SDRF, ભારતીય કોસ્ટગાર્ડ અને આર્મી દ્વારા કરવામાં આવેલી કામગીરીની સરાહના કરવામાં આવી હતી. વિવિધ દળો અને વહીવટી તંત્રના બહેતર સંકલનને કારણે હજારો નાગરિકોને રેસ્ક્યૂ કરી શકાયા છે.
દક્ષિણ ગુજરાતમાં વરસેલા અતિભારે વરસાદ દરમિયાન પૂરમાં ફસાય તે પહેલાં જ અગાઉથી સાવચેતીના પગલે ૫૩,૬૦૦થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પૂરના પાણીમાં ફસાયેલા ૯,૬૦૦થી વધુ લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરીને ઉગારી લેવામાં આવ્યા છે.
સંકલિત વિભાગોની હાજરી
આ સમીક્ષા બેઠકમાં એન.ડી.આર.એફ. (NDRF), એસ.ડી.આર.એફ. (SDRF), ઇન્ડિયન કોસ્ટગાર્ડ, ભારતીય નૌકાદળ (Navy), આરોગ્ય વિભાગ, વન વિભાગ, કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતપોતાના વિભાગની સજ્જતા અંગે માહિતી પૂરી પાડી હતી.