ગૃહિણીઓ માટે બેંક અને પોસ્ટ ઓફિસની RD કેમ છે સૌથી સુરક્ષિત વિકલ્પ?
ભારતીય પરિવારોમાં ગૃહિણીઓને ઘરના ખરા અર્થમાં “નાણામંત્રી” ગણવામાં આવે છે. રસોડાના માસિક બજેટમાંથી નાની-નાની બચત કરીને કટોકટીના સમય માટે પૈસા બચાવવામાં સ્ત્રીઓ હંમેશા મોખરે રહી છે. પરંપરાગત રીતે, આ બચત ઘરના કબાટ, અનાજના ડબ્બા કે સામાન્ય બચત ખાતામાં જ પડી રહે છે. પરંતુ આજના ઝડપથી બદલાતા યુગમાં વધતી જતી મોંઘવારીને કારણે આ રીતે રાખેલા નાણાંનું વાસ્તવિક મૂલ્ય ધીમે-ધીમે ઘટવા લાગે છે. તેથી જ આ નાની બચતને એક મોટી મૂડીમાં રૂપાંતરિત કરવા માટે ગૃહિણીઓએ સ્માર્ટ રોકાણ તરફ વળવું અનિવાર્ય બન્યું છે.મોટાભાગની મહિલાઓ એવું માને છે કે રોકાણ કરવા માટે મોટી રકમ અથવા અઘરા આર્થિક જ્ઞાનની જરૂર પડે છે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ છે.
ગૃહિણીઓ માટે રોકાણની દુનિયા ખૂબ જ રોમાંચક અને નફાકારક સાબિત થઈ શકે છે, શરત માત્ર એટલી કે તેની શરૂઆત યોગ્ય દિશામાં થવી જોઈએ. આજે બજારમાં એવા ઘણા રોકાણના સાધનો છે જે ખાસ કરીને નાની બચત કરનારા વર્ગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. જેમાં રિકરિંગ ડિપોઝિટ (RD) અને મ્યુચ્યુઅલ ફંડની સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) સૌથી મોખરે છે.
ગૃહિણીઓ માટે રિકરિંગ ડિપોઝિટ (RD) કેમ આદર્શ છે?
જો તમે બિલકુલ જોખમ લેવા નથી માંગતા અને એક નક્કી કરેલું નિશ્ચિત વળતર મેળવવા ઈચ્છો છો, તો રિકરિંગ ડિપોઝિટ (RD) તમારા માટે સૌથી ઉત્તમ અને સલામત માર્ગ છે. દેશની લગભગ તમામ સરકારી અને ખાનગી બેંકોમાં તમે દર મહિને માત્ર ૧૦૦ રૂપિયા જેવી નજીવી રકમથી આરડી (RD) ખાતું ખોલાવી શકો છો. આ જ સુવિધા દેશની તમામ પોસ્ટ ઓફિસમાં પણ ઉપલબ્ધ છે, જ્યાં લઘુત્તમ ૧૦0 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે.
આરડીનો સૌથી મોટો ફાયદો એ છે કે રોકાણ શરૂ કરતી વખતે જ તમને ખબર હોય છે કે મુદત પૂરી થવા પર (મેચ્યોરિટી પર) વ્યાજ સાથે કેટલી રકમ હાથમાં આવશે. જે ગૃહિણીઓ દર મહિને નિયમિત રીતે નાની રકમ બચાવીને ભવિષ્યનું ચોક્કસ આયોજન કરવા માંગે છે, તેમના માટે આ એક પરફેક્ટ ઓપ્શન છે.
મ્યુચ્યુઅલ ફંડ SIP: ઓછું રોકાણ, વધુ વળતર
બીજી તરફ, જો તમે મોંઘવારી દરને હરાવીને થોડું વધુ વળતર મેળવવા ઈચ્છતા હો, તો મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી (SIP) શ્રેષ્ઠ સાધન છે. મ્યુચ્યુઅલ ફંડ માત્ર અમીર લોકો માટે જ છે તેવી ગેરમાન્યતા હવે તૂટી ગઈ છે. આજે અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ (AMC) માત્ર ૧૦૦ કે ૫૦૦ રૂપિયાની માસિક SIP ની મંજૂરી આપે છે.
SIP નો સૌથી મોટો ફાયદો ચક્રવૃદ્ધિ વ્યાજ (Compounding) નો જાદુ છે. જો તમે દર મહિને બચેલા માત્ર ૫૦૦ રૂપિયા પણ કોઈ સારા ઇક્વિટી કે ઇન્ડેક્સ ફંડમાં રોકો છો, તો આગામી ૫ થી ૧૦ વર્ષના લાંબા ગાળામાં આ નાની રકમ એક મોટું ફંડ બની જાય છે. આ ભંડોળ તમારા બાળકોના ઉચ્ચ શિક્ષણ, લગ્ન અથવા તમારી પોતાની નાણાકીય આઝાદી માટે ખૂબ કામ લાગી શકે છે.
રોકાણની શરૂઆત કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
ગૃહિણીઓએ રોકાણ પ્રક્રિયામાં જોડાતા પહેલાં કેટલીક પાયાની વાતો હંમેશા યાદ રાખવી જોઈએ:
-
નાની શરૂઆત: પહેલા જ મહિનાથી મોટી રકમ રોકવાની કોઈ જરૂર નથી. એવી નાની રકમ પસંદ કરો જે તમે ઘરના બજેટને ખોરવ્યા વિના દર મહિને આસાનીથી ફાળવી શકો.
-
સમયગાળો નક્કી કરો: જો તમારે આગામી ૧ થી ૨ વર્ષમાં જ પૈસાની જરૂર પડવાની હોય, તો બેંક આરડી અથવા લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરો. પરંતુ જો તમારું લક્ષ્ય ૫ વર્ષ કે તેથી વધુ લાંબા સમયનું હોય, તો લાર્જ-કેપ કે ઇન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડ વધુ સારું પરિણામ આપશે.
-
જોખમનું સંતુલન: શરૂઆતના તબક્કામાં ગૃહિણીઓએ સેક્ટોરલ ફંડ્સ અથવા સ્મોલ-કેપ ફંડ્સ જેવા વધુ જોખમ અને અસ્થિરતા ધરાવતા પ્લાન્સથી દૂર રહેવું જોઈએ. તેના બદલે વૈવિધ્યસભર (ડાયવર્સિફાઇડ) કે હાઇબ્રિડ ફંડ્સ પસંદ કરવા, જ્યાં મૂડી પ્રમાણમાં સુરક્ષિત રહે છે.
આજના ડિજિટલ યુગમાં આ રોકાણ કરવું અત્યંત સરળ બની ગયું છે. ગૃહિણીઓ કોઈ પણ એજન્ટને કમિશન આપ્યા વિના પોતાના જ સ્માર્ટફોન પર Groww, Zerodha અથવા Paytm Money જેવી અધિકૃત મોબાઈલ એપ્લિકેશન્સ કે નેટ બેંકિંગ દ્વારા ઘરબેઠા જ મિનિટોમાં પોતાની પ્રથમ SIP અથવા RD સક્રિય કરી શકે છે.