૧૭ કરોડથી ૯૮ કરોડ મતદારો! જુઓ ૧૯૫૧થી ૨૦૨૪ સુધી કેશરી અને કોંગ્રેસના શાસનમાં કેવી રીતે બદલાઈ ભારતની ચૂંટણી.
ભારતે આઝાદીની શરૂઆતથી જ તમામ નાગરિકોને સમાન મતાધિકાર (Universal Adult Franchise) આપવાનો એક ક્રાંતિકારી નિર્ણય લીધો હતો. ૧૯૫૧-૫૨માં યોજાયેલી દેશની પ્રથમ સામાન્ય ચૂંટણી એ એક નવસ્વતંત્ર, ગરીબ અને મુખ્યત્વે ગ્રામીણ વસ્તી ધરાવતા દેશ માટે વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક પ્રયોગ હતો. તે સમયે માત્ર ૧૭.૩૨ કરોડ નોંધાયેલા મતદારો હતા અને મતદાન ૪૫.૬૭ ટકા રહ્યું હતું.
સમય જતાં, ૨૦૨૪ની ૧૮મી લોકસભા ચૂંટણી સુધી પહોંચતા આ ચિત્ર પૂરેપૂરું બદલાઈ ગયું. મતદારોની સંખ્યા વધીને ૯૭.૯૮ કરોડ થઈ ગઈ, જેમાંથી ૬૪.૬૪ કરોડ લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો અને કુલ ૬૬.૧૦ ટકા મતદાન નોંધાયું. છેલ્લા આઠ દાયકામાં ભારતીય ચૂંટણીઓ માત્ર થોડા કરોડ લોકોની પ્રક્રિયા મટીને લગભગ એક અબજ મતદારો ધરાવતી વિશ્વની સૌથી જટિલ અને વિશાળ વ્યવસ્થા બની ચૂકી છે.

કાગળના બેલેટ પેપરથી EVM અને VVPAT સુધીની ટેકનોલોજીકલ ક્રાંતિ
શરૂઆતમાં ચૂંટણી માત્ર કાગળના બેલેટ પેપર અને પેટીઓ દ્વારા યોજાતી હતી. પરંતુ સમય જતાં ટેકનોલોજીએ આખી પ્રક્રિયાનું ચહેરામોહરો બદલી નાખ્યો.
-
EVM નું આગમન: નાણાકીય અને સમયની બચત માટે ચૂંટણી પંચે પ્રથમ વખત ૧૯૮૨માં કેરળના પારુર વિધાનસભા ક્ષેત્રમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)નો પ્રયોગ કર્યો હતો. ત્યારબાદ ૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશના તમામ ૫૪૩ નિર્વાચન ક્ષેત્રોમાં બેલેટ પેપરને બદલે EVM નો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો.
-
VVPAT ની પારદર્શિતા: મતદાન પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે ૨૦૧૩માં પહેલીવાર VVPAT (Voter Verifiable Paper Audit Trail) મશીન લાવવામાં આવ્યું, જેનાથી મતદારો પોતે જોઈ શકે છે કે તેમનો મત યોગ્ય ઉમેદવારને જ ગયો છે કે નહીં.
૫ ગણી વધી મતદારોની સંખ્યા અને મહિલા ભાગીદારીમાં ઐતિહાસિક ઉછાળો
૧૯૫૧માં દેશમાં ૧૭ કરોડ મતદારો હતા, જે ૨૦૨૪ સુધીમાં ૫ ગણાથી પણ વધુ વધીને ૯૮ કરોડ સુધી પહોંચી ગયા છે. ૨૦૨૪ની ચૂંટણીમાં ૧૮ થી ૨૯ વર્ષની વયના ૨૨.૩ કરોડ યુવા મતદારો હતા, જે કુલ મતદારોના ૨૨.૭૮% જેટલા થાય છે.
આ સફરનું સૌથી ઉત્સાહજનક પાસું મહિલા મતદારોની વધતી ભાગીદારી છે:
-
૨૦૦૯ની ચૂંટણીમાં મહિલાઓનું મતદાન ૫૫.૮% હતું (પુરુષોનું ૬૦.૩૬% હતું).
-
૨૦૧૪ પછી સ્થિતિ બદલાઈ અને દેશના અનેક રાજ્યોમાં મહિલા મતદાનનો દર પુરુષો કરતાં વધી ગયો.
-
૨૦૨૪માં મહિલાઓનું મતદાન ૬૫.૭૮% સુધી પહોંચી ગયું, જે દેશના એકંદર મતદાન (૬૬.૧૦%) ની લગભગ બરાબર છે.
એકચક્રી કોંગ્રેસ શાસનથી લઈને મિશ્ર સરકારો અને BJP નો ઉદય
રાજકીય દ્રષ્ટિએ ભારતીય રાજકારણ મુખ્યત્વે ત્રણ મોટા તબક્કામાંથી પસાર થયું છે:
૧. કોંગ્રેસનું વર્ચસ્વ (૧૯૫૨-૧૯૮૯): પ્રથમ ત્રણ લોકસભા ચૂંટણીમાં જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં કોંગ્રેસે બહુમતી મેળવી. ૧૯૬૭ પછી અને ૧૯૭૭ની ઈમરજન્સી (આટોપી લીધા બાદ) જેન્ટા પાર્ટીની સરકાર બની, પરંતુ ૧૯૮૦માં ઈન્દિરા ગાંધી અને ૧૯૮૪માં રાજીવ ગાંધીએ ફરી કોંગ્રેસને પ્રચંડ બહુમતી અપાવી.
૨. ગઠબંધનનો યુગ (૧૯૮૯-૨૦૧૪): ૧૯૮૯ પછી દેશમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતાં ગઠબંધન રાજકારણ શરૂ થયું. મંડળ કમિશન (OBC અનામત) ના અમલ બાદ લાલુપ્રસાદ યાદવ, મુલાયમ સિંહ યાદવ અને નીતિશ કુમાર જેવા પ્રાદેશિક નેતાઓનો ઉદય થયો. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં NDA અને ત્યારબાદ મનમોહન સિંહના નેતૃત્વમાં UPA એ ૧૦-૧૦ વર્ષ સુધી ગઠબંધન સરકારો ચલાવી.
૩. મોદી યુગ અને ભાજપનું વર્ચસ્વ (૨૦૧૪થી અત્યાર સુધી): ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના આગમન સાથે ૩૦ વર્ષ પછી પ્રથમ વખત કોઈ એક પક્ષ (BJP) ને ૨૮૨ સીટો સાથે સ્પષ્ટ બહુમતી મળી. ૨૦૧૯માં આ બહુમતી વધીને ૩૦૩ સીટો થઈ. ૨૦૨૪ની ૧૮મી લોકસભામાં ભાજપને પોતાના દમ પર બહુમતી ન મળતા તેમણે સાથી પક્ષોના સહયોગથી સરકાર બનાવી અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા.

પ્રચારની શૈલી અને ડિજિટલ યુગ
૧૯૫૦ થી ૧૯૭૦ના દાયકામાં ચૂંટણી પ્રચાર માત્ર જાહેર સભાઓ, પોસ્ટરો, લાઉડસ્પીકર અને ઘરે-ઘરે સંપર્ક સુધી સીમિત હતો. ૧૯૯૦ના દાયકામાં ટીવી અને ન્યૂઝ ચેનલોનું વર્ચસ્વ વધ્યું.
૨૦૧૦ પછી સોશિયલ મીડિયા, સ્માર્ટફોન અને વોટ્સએપ ચૂંટણીનું મુખ્ય હથિયાર બન્યા. ૨૦૧૪ની ચૂંટણીને ભારતની પ્રથમ ‘સોશિયલ મીડિયા ચૂંટણી’ ગણવામાં આવે છે, જ્યારે આજે ૨૦૨૬ના સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ડેટા એનાલિટિક્સ અને ડિજિટલ એડવર્ટાઈઝિંગ દ્વારા ઘર-ઘર સુધી ટાર્ગેટેડ મેસેજિંગ પહોંચાડવામાં આવે છે.
‘વન નેશન, વન ઈલેક્શન’ તરફ આગળ વધતું ભારત?
હવે દેશમાં લોકસભા અને તમામ રાજ્યોની વિધાસભાઓની ચૂંટણીઓ એકસાથે યોજવા માટે ‘વન નેશન, વન ઈલેક્શન’ (ONOE) પર ગંભીર વિચારણા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ૧૯૫૨, ૧૯૫૭, ૧૯૬૨ અને ૧૯૬૭માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે જ યોજાતી હતી, પરંતુ ૧૯૭૦ના દાયકામાં વિસર્જનને કારણે આ ચક્ર તૂટી ગયું હતું.
૧ થી ૧૮મી લોકસભાનો ટૂંકો ઈતિહાસ (૧૯૫૨ થી ૨૦૨૪)
-
૧લી થી ૩જી લોકસભા (૧૯૫૨, ૧૯૫૭, ૧૯૬૨): જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં કોંગ્રેસનો એકચક્રી દબદબો.
-
૪થી અને ૫મી લોકસભા (૧૯૬૭, ૧૯૭૧): ઈન્દિરા ગાંધી સત્તા પર આવ્યા. ૧૯૭૫માં કટોકટી (Emergency) લાગુ કરાઈ.
-
૬ઠ્ઠી લોકસભા (૧૯૭૭): કટોકટી પછી પ્રથમ વખત બિન-કોંગ્રેસી જનતા પાર્ટીની સરકાર બની અને મોરારજી દેસાઈ PM બન્યા.
-
૭મી અને ૮મી લોકસભા (૧૯૮૦, ૧૯૮૪): ઈન્દિરા ગાંધીની વાપસી. ૧૯૮૪માં તેમની હત્યા બાદ રાજીવ ગાંધીએ ૪૦૪ સીટો જીતીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો.
-
૯મી થી ૧૩મી લોકસભા (૧૯૮૯ થી ૧૯૯૯): અસ્થિરતા અને ગઠબંધનનો દૌર. વી.પી. સિંઘ, પી.વી. નરસિંહ રાવ, એચ.ડી. દેવેગૌડા, આઈ.કે. ગુજરાલ અને અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા. વાજપેયીજીએ ૫ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો.
-
૧૪મી અને ૧૫મી લોકસભા (૨૦૦૪, ૨૦૦૯): મનમોહન સિંહના નેતૃત્વમાં UPA સરકારનું ૧૦ વર્ષ શાસન.
-
૧૬મી, ૧૭મી અને ૧૮મી લોકસભા (૨૦૧૪, ૨૦૧૯, ૨૦૨૪): નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ અને NDA નો સતત ૩ ટર્મ સુધી વિજય.
છેલ્લા આઠ દાયકામાં ભારતીય ચૂંટણી પ્રક્રિયા વધુ મજબૂત, પારદર્શક અને ટેકનોલોજી-સભર બની છે, જે સાબિત કરે છે કે ભારત વિશ્વની માત્ર સૌથી મોટી જ નહીં પણ સૌથી જીવંત લોકશાહી છે.