ગુજરાતના અંબાજી મંદિરમા પ્રસાદનો વિવાદ ભારે ચગ્યો છે અને રાજકીય રંગે પણ રંગાયો છે. આ પ્રસાદ મંદિરની એક આગવી ઓળખ સમો છે, તેથી શ્રદ્ધાળુઓનો રોષ ભભૂક્યો છે, પરંતુ સૌથી વધારે દુઃખની વાત એ છે કે મોહનથાળનો પ્રસાદ બંધ થઈ જતા એકસાથે 300 મહિલાનો રોજગાર છીનવાઈ ગયો છે. આ મોહનથાળ બનાવવાનો કોન્ટ્રાક્ટ જેમને આપ્યો હતો તેમણે 300 મહિલા આ સ્વાદિષ્ટ પ્રસાદ બનાવવા રોકી હતી અને આ મહિલાઓ પોતાનું પેટીયું રળતી હતી. મંદિર પ્રશાસને ચીક્કીનો પ્રસાદ આપવાનો નિર્ણય લેતા તમામની રોજગારી એક ઝાટકે છીનવાઈ ગઈ છે.
અંબાજીના મંદિરમાં ઘણા લાંબા સમયથી મોહનથાળનો પ્રસાદ આપવામાં આવે છે અને 1972માં તેને સત્તાવાર રીતે મહાપ્રસાદ જાહેર કરવામાં આવ્યો હતો. અહીં 80 અને 100 ગ્રામના મોહનથાળના પેકેટ મળતા હતા, જેની કિંમત અનુક્રમે 18 અને 25 નક્કી કરવામાં આવી હતી. દર વર્ષે આશરે બે કરોડ પેકેટ મોહનથાળના વેચાતા હતા અને ટ્રસ્ટને રૂ. 20 કરોડની આવક થતી હતી. હવે જે ચિક્કીને પ્રસાદ તરીકે વેચવામાં આવે છે, તે સો ગ્રામના રૂ. 25 લેવામાં આવે છે.
ટ્રસ્ટનું કહેવાનું છે કે મોહનથાળ જલદીથી બગડી જતો હોય છે જ્યારે ચિક્કી લાંબો સમય ટકે છે અને અન્ય જગ્યાએથી મંગાવવામાં આવે છે, આથી ચીક્કીને પ્રસાદ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. વર્ષોથી મોહનથાળનો પ્રસાદ લેનારા શ્રદ્ધાળુઓ આ નિર્ણયથી ખફા છે. હાલમાં આ અંગે રાજકારણીઓ સામસામે આવી ગયા છે, પરંતુ મુદ્દાની વાત એ છે કે 300 મહિલા સહિત આ યાત્રાધામ આસપાસા રહેતા ઘણા લોકો માટે આ પ્રસાદ આજીવિકાનું સાધન પણ છે ત્યારે સ્થાનિકોના હિતનો વિચાર પણ નિર્ણય લેવા પહેલા સત્તાધીશોએ કરવો જોઈએ.