શું તમે પણ ITR માં ખોટું કપાત દર્શાવ્યું છે? AI અને ડેટા એનાલિટિક્સથી પકડાશે એક-એક રૂપિયો!
ટેક્સ ચોરી અટકાવવા અને કરદાતાઓ સાચી વિગતો રજૂ કરે તે સુનિશ્ચિત કરવા માટે ભારતીય ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ હવે હાઇટેક મોડમાં આવી ગયું છે. કરમુક્તિ (Tax Relief) અને ખોટા કપાત (Bogus Deductions) ના દાવા કરીને ટેક્સ બચાવનારાઓ સામે નાણા મંત્રાલયે લાલ આંખ કરી છે. લોકસભામાં આપેલા એક લેખિત જવાબમાં નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે એડવાન્સ ટેક્નોલોજી, ડેટા એનાલિટિક્સ અને કડક વેરિફિકેશન પ્રક્રિયા દ્વારા આવા અનેક કૌભાંડો પકડી પાડવામાં આવ્યા છે.
નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં વિવિધ પ્રશ્નોના લેખિત જવાબ આપતાં જણાવ્યું હતું કે ખોટા દાવાઓ કરાવતા વચેટિયાઓ (Intermediaries), સંસ્થાઓ અને વ્યક્તિગત કરદાતાઓ સામે સર્વે તથા દરોડા પાડીને આ ગેરરીતિઓ સાબિત કરવામાં આવી છે.

ડેટા એનાલિટિક્સ ફ્રેમવર્ક: કેવી રીતે પકડાય છે ટેક્સ ચોરી?
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ સિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે તેના ટેકનિકલ મોનિટરિંગ આર્કિટેક્ચરને અત્યંત અદ્યતન બનાવ્યું છે. હવે ઇન્કમ ટેક્સ વિભાગ માત્ર તમે ફાઇલ કરેલા આઇટીઆર (ITR) પર આધાર રાખતો નથી, પરંતુ વિવિધ સ્રોતોમાંથી મળતી માહિતીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે.
આ સિસ્ટમ નીચે મુજબના ડેટાનું રિયલ-ટાઇમમાં વિશ્લેષણ કરે છે:
-
SFT અને બેંક ટ્રાન્ઝેક્શન્સ: સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ (SFT) અને ઊંચી કિંમતના બેંકિંગ વ્યવહારો.
-
TDS/TCS અને GST ડેટા: મેળવેલા ટીડીએસ, ટીસીએસ અને જીએસટી પોર્ટલ પર દર્શાવેલા ટર્નઓવરનું મેચિંગ.
-
મિલકતની નોંધણી: જમીન, મકાન કે અન્ય મોંઘી મિલકતોની ખરીદી કે વેચાણ સંબંધિત માહિતી.
CBDT ની ઇન-હાઉસ એનાલિટિક્સ સિસ્ટમ થર્ડ-પાર્ટી પાસેથી મળતા આ તમામ ડેટાને એકત્રિત કરીને તેને એકાઉન્ટ સાથે સરખાવે છે. જો કરદાતાએ દર્શાવેલી આવક અને તેના વાસ્તવિક ખર્ચ કે રોકાણમાં તફાવત દેખાય, તો સિસ્ટમ તરત જ તે કેસને ‘રિસ્ક પરામીટર’ હેઠળ ફ્લેગ (Flag) કરી દે છે.
જોખમ-આધારિત તપાસ અને સુધારેલા નિયમો
નાણા મંત્રાલયના જણાવ્યા મુજબ, ઇનકમ ટેક્સ રિટર્ન (ITR), ઓડિટ રિપોર્ટ્સ અને થર્ડ-પાર્ટી ડેટા વચ્ચેની વિસંગતતાઓને ઓળખવા માટે જોખમ-આધારિત (Risk-based) નિયમો લાગુ કરવામાં આવે છે. આ નિયમો દ્વારા ખોટી રીતે દર્શાવવામાં આવેલી ઓછી આવક કે મર્યાદા કરતાં વધુ બતાવેલી કરમુક્તિના કેસો ક્ષણવારમાં પકડાઈ જાય છે.
જે લોકો HRA, 80C, 80D કે દાન (Donations) ના નામે નકલી રસીદો બનાવીને મોટા પ્રમાણમાં ડિડક્શન દાવો કરે છે, તેમના કેસો આડકતરી રીતે ડિજિટલ રડારમાં આવી જાય છે. સમય સાથે ફ્રોડ કરવાની નવી રીતો સામે આવતી હોવાથી, ડિપાર્ટમેન્ટ પણ પોતાના રિસ્ક પેરામીટર્સને સતત અપડેટ અને અપગ્રેડ કરતું રહે છે.

‘ક્ષમતા નજ’ અભિયાન: ભૂલ સુધારવાની પહેલી તક
કરદાતાઓ પર સીધા દરોડા પાડવા કે કાનૂની કાર્યવાહી કરવાના બદલે ઇન્કમ ટેક્સ વિભાગે ‘સ્વેચ્છાએ પાલન’ (Voluntary Compliance) ને પ્રોત્સાહન આપવાનો માર્ગ પણ અપનાવ્યો છે. આ માટે CBDT દ્વારા ‘SAKSHAM’ ફ્રેમવર્ક હેઠળ ‘NUDGE’ (Non-intrusive Usage of Data to Guide and Enable) ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
આ પોઝિટિવ અભિગમમાં નીચે મુજબની બાબતોનો સમાવેશ થાય છે:
૧. વર્તણૂક સંબંધિત દ્રષ્ટિકોણ (Behavioral Insights): કરદાતાઓને ડરાવવાના બદલે તેમને પોતાની ભૂલ સમજાય તે રીતે સંચાર કરવામાં આવે છે.
૨. ડિજિટલ મેસેજ અને ઈમેલ: જ્યારે સિસ્ટમમાં કોઈ વિસંગતતા દેખાય, ત્યારે ડિપાર્ટમેન્ટ કરદાતાને ઈમેલ કે એસએમએસ દ્વારા એલર્ટ (Alert) મોકલે છે.
૩. સુધારેલું રિટર્ન (Updated Return): આ મેસેજ મળ્યા બાદ કરદાતા પાસે દંડ કે નોટિસથી બચવા માટે પોતાનું ‘રિવાઇઝ્ડ રિટર્ન’ અથવા ‘અપડેટેડ ITR (ITR-U)’ ફાઇલ કરીને ભૂલ સુધારી લેવાની તક હોય છે.
કરદાતાઓ માટે બોધપાઠ
આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને બિગ ડેટાના જમાનામાં કરચોરી કરવી કે નકલી ડિડક્શન બતાવવું એ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. પહેલાં એવું બનતું કે લોકો સીએ કે એજન્ટોના કહેવાથી ખોટી રસીદો મૂકીને ટેક્સ રિફંડ મેળવી લેતા હતા, પરંતુ હવે ઓટોમેટેડ સિસ્ટમના કારણે ભૂતકાળના રિટર્ન પણ સ્ક્રેન થઈ રહ્યા છે.