સંરક્ષણ ક્ષેત્રે અમેરિકાનો ભારતને મોટો સહયોગ: અપાચે હેલિકોપ્ટર અને હોવિત્ઝર તોપો માટે કરોડો ડોલરના પેકેજને આપી મંજૂરી
ભારત અને અમેરિકા વચ્ચેની વ્યૂહાત્મક અને લશ્કરી ભાગીદારી વધુ એક વખત મજબૂત થઈ છે. અમેરિકાએ ભારત સાથેના સંરક્ષણ સંબંધોને નવી ઊંચાઈએ લઈ જતાં અપાચે (Apache) એટેક હેલિકોપ્ટર અને એમ-૭૭૭ (M777) અલ્ટ્રા-લાઈટ હોવિત્ઝર તોપોના મેન્ટેનન્સ અને સપોર્ટ માટે ૪૨૮ મિલિયન ડોલર (આશરે ૩૫૦૦ કરોડ રૂપિયાથી વધુ) ના વિશાળ સહાય પેકેજને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. અમેરિકી વિદેશ મંત્રાલય દ્વારા આ નિર્ણયને લીલી ઝંડી આપવામાં આવી છે. અમેરિકાનું કહેવું છે કે આ કરારથી ભારતની સૈન્ય ક્ષમતાઓમાં મોટો વધારો થશે અને તે વર્તમાન તેમજ ભવિષ્યના સંભવિત સુરક્ષા જોખમોનો મજબૂતાઈથી સામનો કરી શકશે.
આ સમગ્ર સંરક્ષણ સોદો અમેરિકાના પ્રતિષ્ઠિત ‘ફોરેન મિલિટરી સેલ્સ’ (FMS) પ્રોગ્રામ હેઠળ પૂર્ણ કરવામાં આવશે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ રકમમાંથી અપાચે હેલિકોપ્ટરના સસ્ટેઈનમેન્ટ સપોર્ટ અને ટેકનિકલ સેવાઓ માટે આશરે ૧૯૮.૨ મિલિયન ડોલર ફાળવવામાં આવ્યા છે, જ્યારે M777A2 અલ્ટ્રા-લાઈટ હોવિત્ઝર તોપોના લાંબા ગાળાના સપોર્ટ પેકેજ માટે આશરે ૨૩૦ મિલિયન ડોલર મંજૂર કરવામાં આવ્યા છે.
બોઇંગ અને લોકહીડ માર્ટિન જેવી વૈશ્વિક કંપનીઓ સંભાળશે અપાચેની જવાબદારી
અપાચે હેલિકોપ્ટર માટે મંજૂર કરાયેલા ૧૯૮.૨ મિલિયન ડોલરના પેકેજ હેઠળ ભારતીય વાયુસેના અને સેનાના અપાચે હેલિકોપ્ટરોને અત્યાધુનિક એન્જિનિયરિંગ, ટેકનિકલ અને લોજિસ્ટિક સહાય પૂરી પાડવામાં આવશે. આ સિવાય, હેલિકોપ્ટરના સંચાલન માટે જરૂરી ડિજિટલ અને ટેકનિકલ ડેટા, પબ્લિકેશન્સ, એડવાન્સ ટ્રેનિંગ અને અન્ય પૂરક સેવાઓ પણ ભારતને મળશે.
આ ડિલ અંતર્ગત અમેરિકાની વિશ્વવિખ્યાત સંરક્ષણ કંપનીઓ ‘બોઇંગ’ (Boeing) અને ‘લોકહીડ માર્ટિન’ (Lockheed Martin) મુખ્ય કોન્ટ્રાક્ટર તરીકેની ભૂમિકા ભજવશે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ પેકેજથી ભારતીય સેનાના અપાચે હેલિકોપ્ટરોની ઓપરેશનલ ક્ષમતા (કાર્યક્ષમતા) હંમેશા ઉચ્ચ સ્તરે રહેશે અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં તેમની જાળવણી અને સમારકામનું કામ ખૂબ જ ઝડપથી અને સરળતાથી થઈ શકશે.
એમ-૭૭૭ અલ્ટ્રા-લાઈટ હોવિત્ઝર તોપો માટે લોન્ગ-ટર્મ સપોર્ટ
બીજી તરફ, ભારતીય સૈન્યની તોપખાનાની તાકાત ગણાતી M777A2 અલ્ટ્રા-લાઈટ હોવિત્ઝર તોપો માટે આશરે ૨૩૦ મિલિયન ડોલરનું લોન્ગ-ટર્મ (લાંબા ગાળાનું) સપોર્ટ પેકેજ પણ મંજૂર કરવામાં આવ્યું છે. આ પેકેજની અંદર તોપોના સ્પેર પાર્ટ્સ, રિપેરિંગ સર્વિસ, ટેકનિકલ આસિસ્ટન્સ, સૈનિકો માટે ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામ, ફિલ્ડ સર્વિસ પ્રતિનિધિઓની સુવિધા અને ડિપો સપોર્ટ જેવી મહત્વની બાબતોનો સમાવેશ થાય છે.
આ હોવિત્ઝર તોપોના સોદામાં બ્રિટનની પ્રતિષ્ઠિત સંરક્ષણ કંપની ‘BAE સિસ્ટમ્સ’ (BAE Systems) મુખ્ય કોન્ટ્રાક્ટર તરીકે કામ કરશે. ઉલ્લેખનીય છે કે M777 હોવિત્ઝર તોપો વજનમાં અત્યંત હળવી હોવાને કારણે તેને હેલિકોપ્ટર દ્વારા પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય છે. આ તોપો ભારતીય સેના માટે ખાસ કરીને ચીન અને પાકિસ્તાનની સરહદ પર આવેલા પહાડી, પથરાળ અને દુર્ગમ વિસ્તારોમાં ખૂબ જ નિર્ણાયક અને અસરકારક સાબિત થઈ છે.
ભારતની સૈન્ય ક્ષમતા મજબૂત થશે અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા આવશે
અમેરિકી વિદેશ મંત્રાલયે આ રક્ષણાત્મક પેકેજ અંગે સત્તાવાર નિવેદન જાહેર કરતાં જણાવ્યું છે કે, આ ડીલથી માત્ર ભારતની રક્ષા ક્ષમતાઓ જ મજબૂત નહીં થાય, પરંતુ તેનાથી દક્ષિણ એશિયા અને ખાસ કરીને ઈન્ડો-પેસિફિક (હિંદ-પ્રશાંત) ક્ષેત્રમાં સુરક્ષા, સ્થિરતા અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ બળ મળશે. ભારત આ ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવા માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર છે.
અમેરિકાએ વધુમાં સ્પષ્ટતા કરી છે કે આ સંરક્ષણ સોદા અને અદ્યતન ટેકનોલોજીના આદાન-પ્રદાનથી આ ક્ષેત્રના પ્રાદેશિક સૈન્ય સંતુલન (મિલીટરી બેલેન્સ) પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. ભારત ખૂબ જ સરળતાથી આ તમામ આધુનિક સિસ્ટમ્સ, સ્પેર પાર્ટ્સ અને ટેકનિકલ સેવાઓને પોતાની સેનામાં સામેલ કરી શકશે. આ પગલાથી ભારત-અમેરિકાના સંબંધો લશ્કરી સ્તરે એક નવા યુગમાં પ્રવેશ્યા હોવાના સંકેત મળી રહ્યા છે.

