ભારત હજુ સુધી આફ્રિકામાં માત્ર 2 ટેસ્ટ મેચ જ જીતી છે

ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન ભારતીય ટીમે છેલ્લા બે વર્ષમાં જોરદાર દેખાવ કર્યો છે પરંતુ સાઉથ આફ્રિકાની ધરતી પર તેને પરાજય આપવો આસાન નહીં હોય. ભારતે સાઉથ આફ્રિકા સામે તેની ધરતી પર છ ટેસ્ટ સિરીઝ રમી છે જેમાં બંને વચ્ચે કુલ ૧૭ ટેસ્ટ મેચ રમાઈ છે. તે પૈકી યજમાન આફ્રિકાએ આઠ મેચ જીતી છે જ્યારે ભારતને માત્ર બે વખત જ જીત મળી છે. બાકીની સાત મેચ ડ્રો રહી છે. ઓવરઓલ રેકોર્ડ જોવામાં આવે તો બંને વચ્ચે અત્યાર સુધી ૩૩ ટેસ્ટ મેચ રમાઈ છે જે પૈકી ભારતે ૧૦માં જીત મેળવી છે અને ૧૩માં હારનો સામનો કરવો પડયો છે. ૧૦ ટેસ્ટ ડ્રો રહી છે. ભારતે આફ્રિકામાં જીત મેળવવા માટે બોલરોએ શાનદાર દેખાવ કરવો પડશે.

ભારતીય ટીમે સાઉથ આફ્રિકામાં પોતાની પ્રથમ જીત ડિસેમ્બર ૨૦૦૬માં મેળવી હતી. આ મેચ જોહાનિસબર્ગમાં રમાઈ હતી. તે મેચમાં ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરતાં ૨૪૯ રન બનાવી આઉટ થઈ હતી. ગાંગુલીએ સર્વાધિક ૫૧ રન બનાવ્યા હતા. એસ. શ્રીસંતે તે મેચમાં પલટવાર કરતાં આફ્રિકાની ટીમ માત્ર ૮૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીસંતે તે મેચમાં ૪૦ રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. ભારતે બીજી ઇનિંગમાં ૨૩૬ રન બનાવી આફ્રિકાને જીત માટે ૪૦૨ રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેની સામે આફ્રિકન ટીમ ૨૭૮ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઝહીર અને શ્રીસંતે બીજી ઇનિંગમાં ૩-૩ વિકેટ ઝડપી હતી.

બીજી જીત ભારતને ૨૦૧૦માં મળી હતી. ડરબનમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં ૨૦૫ રન બનાવ્યા હતા. સ્ટેને ૫૦ રન આપી છ વિકેટ ઝડપી હતી. ભારત તરફથી ઝહીર ખાન અને હરભજનસિંહે શાનદાર બોલિંગ નાખતાં સાઉથ આફ્રિકાની ટીમ ૧૩૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે બીજી ઇનિંગમાં ૨૨૮ રન બનાવ્યા હતા. પ્રથમ દાવની લીડ ઉમેરાતાં આફ્રિકાને જીત માટે ૩૦૩ રનનો લક્ષ્યાંક મળ્યો હતો પરંતુ સમગ્ર ટીમ ૨૧૫ રન બનાવી આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી ઝહીર અને શ્રીસંતે ૩-૩ જ્યારે હરભજને બે વિકેટ ઝડપતાં ભારતે આ મેચ ૮૭ રને જીતી હતી.

આમ, ભારતીય ટીમે સાઉથ આફ્રિકાની ધરતી પર છ ટેસ્ટ મેચની સિરીઝ રમી છે પરંતુ એકેય વખત સિરીઝ જીતવામાં સફળતા મળી નથી. ૧૯૯૨માં આફ્રિકાએ ચાર ટેસ્ટ મેચની સિરીઝ ૧-૦થી જીતી હતી. ભારત ૧૯૯૬/૯૭માં ફરી આફ્રિકાના પ્રવાસે ગઈ હતી જેમાં આફ્રિકાએ ત્રણ મેચની સિરીઝ ૨-૦થી જીતી લીધી હતી.


ત્રણેય મેચ હારે તો પણ ભારત નંબર વન રહેશે

ભારત અને આફ્રિકા વચ્ચે શરૂ થઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ દ્વારા  સાઉથ આફ્રિકાને રેન્કિંગમાં ભારતની બરાબરી કરવાની તક છે. ભારતના અત્યારે ૧૨૪ અને આફ્રિકાના ૧૧૧ પોઇન્ટ છે. જો આફ્રિકા સિરીઝ ૩-૦થી જીતે તો પણ ભારત નંબર વનનું સ્થાન નહીં ગુમાવે જોકે, બંનેના ૧૧૮-૧૧૮ પોઇન્ટ થઈ જશે પરંતુ દશાંશ પદ્ધતિ મુજબ ભારત નંબર વનના સ્થાને રહેશે. આફ્રિકા ૨-૧થી જીતે તો આફ્રિકાના ૧૧૫ અને ભારતના ૧૨૧ પોઇન્ટ થશે. આફ્રિકા ૨-૦થી જીતે તો આફ્રિકાના ૧૧૬ અને ભારતના ૧૨૦ પોઇન્ટ થશે. બીજી તરફ ભારત ૩-૦થી સિરીઝ જીતે તો ૧૨૮ પોઇન્ટ થશે અને આફ્રિકાના ૧૦૭ પોઇન્ટ થઈ જશે. ભારત ૨-૧થી જીતે તો ૧૨૫ પોઇન્ટ થશે જ્યારે ૨-૦થી જીતે તો ૧૨૬ પોઇન્ટ થઈ જશે. જો સિરીઝ ડ્રો થાય તો ભારતના ૧૨૩ પોઇન્ટ થશે જ્યારે આફ્રિકાના ૧૧૨ પોઇન્ટ થઈ જશે.


ધવન સ્વસ્થ પરંતુ હવે જાડેજા બીમાર

ઓપનર શિખર ધવનને આફ્રિકા રવાના થયા પહેલાં ઘૂંટણમાં ઇજા થઈ હતી. પરંતુ શુક્રવારથી શરૂ થઈ રહેલી આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ અગાઉ સ્વસ્થ થઈ ગયો છે પરંતુ જાડેજા બીમાર થતાં પ્રથમ ટેસ્ટમાં રમવું શંકાસ્પદ બન્યું છે. ટીમ ઇન્ડિયાના ૨૯ વર્ષીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા છેલ્લા બે દિવસથી વાઇરલ ફીવરમાં પટકાયો છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની દેખરેખ કરી રહી છે. સાથે કેપટાઉનમાં સ્થાનિક ડોક્ટરોના સંપર્કમાં પણ છે. એવી આશા છે કે, જાડેજા આગામી ૪૮ કલાકમાં સ્વસ્થ થઈ જશે. પ્રથમ ટેસ્ટમાં જાડેજાને સામેલ કરવો કે નહીં તે શુક્રવારે મેચ શરૂ થયા પહેલાં નક્કી કરાશે. બીજી તરફ ધવન સ્વસ્થ થતાં પ્રથમ ટેસ્ટ મેચ માટે ઉપલબ્ધ રહેશે.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com