હિંસાની આગમાં સળગતું ઈરાન, વિરોધીઓ પર તોડફોડ; 36ના મોત

0
70

ઈરાનમાં 22 વર્ષની મહિલાની હત્યાને લઈને શરૂ થયેલો રોષ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હિજાબ ન પહેરવા બદલ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાં તેનું મોત થયું હતું. આ ઘટના બાદથી ઈરાનના ઘણા ભાગોમાં ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ન્યૂયોર્ક સ્થિત એક એનજીઓએ દાવો કર્યો છે કે ઈરાનના જુદા જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 36 લોકોના મોત થયા છે. જેમાં પાંચ સુરક્ષાકર્મીઓનો પણ સમાવેશ થાય છે. જો કે, જૂથનું કહેવું છે કે મૃત્યુઆંક વધુ વધી શકે છે.

મહસા અમીનીનું એક સપ્તાહ પહેલા ઈરાનમાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. આ ઘટના બાદથી ઈરાન વિરોધની આગમાં ઉકળી રહ્યું છે. સામાન્ય લોકો, ખાસ કરીને મોટી સંખ્યામાં મહિલાઓ હિજાબ પહેરવાનો વિરોધ કરી રહી છે. રિપોર્ટ અનુસાર અમીનીની હિજાબ ન પહેરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ન્યૂયોર્ક સ્થિત એનજીઓ સેન્ટર ફોર હ્યુમન રાઈટ્સ ઇન ઈરાન (CHRI)એ દાવો કર્યો છે કે ઈરાનમાં અત્યાર સુધી વિવિધ વિરોધ પ્રદર્શનોમાં 36 લોકોના મોત થયા છે. જોકે ગુરુવાર સુધીમાં ઈરાન સરકારના સત્તાવાર મૃત્યુઆંક 17 હતા.

ગુરુવારે મોડી રાત્રે એક ટ્વિટર પોસ્ટમાં, CHRIએ જણાવ્યું હતું કે, “ઈરાનમાં વિરોધ પ્રદર્શનના 7મા દિવસે, સત્તાવાળાઓએ ઓછામાં ઓછા 17 મૃત્યુની વાત સ્વીકારી છે. જોકે સૂત્રોનું કહેવું છે કે મૃત્યુઆંક 36 હોઈ શકે છે. મૃત્યુઆંક વધવાની ધારણા છે. વિશ્વભરના નેતાઓ શાંતિપૂર્ણ વિરોધને મંજૂરી આપવા માટે ઈરાની અધિકારીઓ પર દબાણ કરવું જોઈએ.”

ઉલ્લેખનીય છે કે, 16 સપ્ટેમ્બરે અમીનીના મોત બાદ ઈરાનના મોટા શહેરોમાં હિંસા ફાટી નીકળી હતી. રાજધાની તેહરાન તેમજ ઈસ્ફહાન, મશહાદ, રશ્ત અને સકીઝ શહેરોમાં જોરદાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

CHRIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વિડિયો અનુસાર, ઈરાન સરકાર વિરોધીઓ પર દમનકારી નીતિ અપનાવી રહી છે. નિઃશસ્ત્ર પ્રદર્શનકારીઓ પર દારૂગોળો, પેલેટ ગન અને ટીયર ગેસ વડે જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે,” CHRIએ એક નિવેદનમાં જણાવ્યું હતું.