વૈશ્વિક તેલ સંકટ: હોર્મુઝ પછી હવે આ બે દરિયાઈ માર્ગો પર યુદ્ધના વાદળો
મધ્ય પૂર્વમાં વધતા જતા તણાવ વચ્ચે હવે માત્ર હોર્મુઝની સ્ટ્રેટ જ નહીં, પરંતુ વેપારના અન્ય બે મહત્વના માર્ગો પણ જોખમમાં મુકાયા છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષમાં યમનના હૂતી બળવાખોરોની એન્ટ્રીએ લાલ સમુદ્ર (Red Sea) ના વેપારી માર્ગો પર સંકટના વાદળો ઘેરા કર્યા છે. જો હૂતીઓ બાબ-અલ-મંડેબ અને સ્વેઝ નહેરને બ્લોક કરવામાં સફળ રહે છે, તો દુનિયાના ત્રણ સૌથી મહત્વના જળમાર્ગો એકસાથે બંધ થઈ શકે છે, જેનાથી વૈશ્વિક અર્થતંત્રમાં હાહાકાર મચી શકે છે.
ત્રણ મુખ્ય માર્ગો અને તેમનું મહત્વ
દુનિયામાં તેલ અને ગેસના કુલ પુરવઠાનો મોટો હિસ્સો આ ત્રણ રસ્તાઓ દ્વારા પૂરો પાડવામાં આવે છે. સૌથી પહેલા હોર્મુઝની સ્ટ્રેટ છે, જે પર્સિયન ગલ્ફ અને ઓમાનના અખાત વચ્ચે સ્થિત છે. અહીંથી વિશ્વનો 20 ટકાથી વધુ તેલ-ગેસ પુરવઠો એશિયા, યુરોપ અને આફ્રિકા સુધી પહોંચે છે. બીજો માર્ગ બાબ-અલ-મંડેબ છે, જે યમન પાસે સ્થિત છે. અહીં હૂતીઓનું પ્રભુત્વ છે અને દુનિયાનો 10 ટકા વેપાર આ માર્ગે થાય છે. ત્રીજો અને સૌથી વ્યસ્ત માર્ગ સ્વેઝ નહેર છે, જે લાલ સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડે છે. જો આ ત્રણેય રસ્તાઓ એકસાથે બંધ થાય, તો તેલની સપ્લાય ચેઈન સંપૂર્ણપણે ખોરવાઈ શકે છે.
હૂતી બળવાખોરોની વધતી શક્તિ
ઈરાન સમર્થિત હૂતી બળવાખોરો આજે માત્ર એક લડાયક જૂથ નથી, પરંતુ તેમની પાસે આધુનિક મિસાઈલો અને ડ્રોનનો મોટો ભંડાર છે. આશરે 3 લાખથી વધુ લડવૈયાઓ ધરાવતા આ જૂથનું યમનની રાજધાની સના પર નિયંત્રણ છે. અમેરિકાએ પણ આ અગાઉ તેમની વિરુદ્ધ ઓપરેશન ચલાવ્યું હતું, પરંતુ હૂતીઓના ગેરિલા યુદ્ધ કૌશલ્ય સામે તેમને સફળતા મળી નથી. હૂતીઓ પાસે ટૂંકા અને લાંબા અંતરની મિસાઈલો છે જે લાલ સમુદ્રમાં પસાર થતા કોઈપણ જહાજને નિશાન બનાવી શકે છે.
વૈશ્વિક અર્થતંત્ર પર અસર
જો લાલ સમુદ્રના આ માર્ગો બંધ થાય છે, તો તેની સીધી અસર જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર પડશે. ખાસ કરીને ભારત જેવા દેશો માટે તેલ અને ગેસની આયાત મોંઘી થઈ શકે છે. પરિવહન ખર્ચ વધવાથી મોંઘવારી આસમાને પહોંચવાની ભીતિ છે. હૂતીઓની આ દખલગીરી માત્ર ઈઝરાયેલ માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના વેપાર માટે એક મોટો પડકાર બની ગઈ છે. ઈરાન યુદ્ધમાં આ નવો વળાંક આવનારા દિવસોમાં વિશ્વની આર્થિક સ્થિતિ કઈ દિશામાં જશે તે નક્કી કરશે.

