ખાખીનો માનવતાવાદી ચહેરો: LRDની પરીક્ષામાં સેન્ટર ભૂલેલી દીકરી માટે પોલીસ બની ‘દેવદૂત’, 18 કિમીનું અંતર કાપી સમયસર પહોંચાડી
કહેવાય છે કે ‘ખાખી’ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ નથી કરતી, પણ જ્યારે જરૂર પડે ત્યારે સમાજના સામાન્ય નાગરિકની પડખે ઊભા રહીને ‘મિત્ર’ની ભૂમિકા પણ ભજવે છે. આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો આજે લોક રક્ષક દળ (LRD)ની પરીક્ષા દરમિયાન સુરત શહેરમાં જોવા મળ્યો હતો. પરીક્ષાના ટેન્શન અને દોડધામ વચ્ચે અટવાયેલા ઉમેદવારોની મદદે આવીને પોલીસે સાબિત કરી દીધું કે તેમની લાકડી પાછળ એક સંવેદનશીલ હૃદય પણ ધબકે છે.
ભૂલથી 18 કિલોમીટર દૂર પહોંચી ગઈ દીકરી, આંખમાં આંસુ જોઈ પોલીસ એક્શનમાં
આજે વહેલી સવારથી જ રાજ્યભરમાં LRDની પરીક્ષાને લઈને ભારે ઉત્સાહ અને સવલતોનો માહોલ હતો. ઉમેદવારો પોતાના ભવિષ્યનું સપનું આંખોમાં આંજીને પરીક્ષા કેન્દ્રો તરફ દોડી રહ્યા હતા. આવા જ એક માહોલ વચ્ચે સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે એક વિદ્યાર્થિની ભારે મૂંઝવણ અને રડમસ ચહેરે ઊભેલી જોવા મળી.
વાત એમ હતી કે, આ વિદ્યાર્થિનીને પરીક્ષા આપવા માટે ‘લસકાણા જે.બી. કાર્પ જીબી વિદ્યાસંકુલ’ પહોંચવાનું હતું. પરંતુ પરીક્ષાના ભય, ટેન્શન અને શરતચૂકના કારણે તે લસકાણાને બદલે છેક ડીંડોલીની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ પર પહોંચી ગઈ હતી. જ્યારે તેને પોતાની આ મોટી ભૂલ સમજાઈ, ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. પરીક્ષા શરૂ થવાને હવે ગણતરીની મિનિટો જ બાકી હતી અને સાચું સેન્ટર ત્યાંથી આશરે 18 કિલોમીટર દૂર હતું! રીક્ષા કે અન્ય કોઈ વાહન દ્વારા સમયસર પહોંચવું અશક્ય હતું. દીકરીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને તેનું વર્ષોનું સપનું રોળાતું દેખાઈ રહ્યું હતું.
આ સમયે ત્યાં ફરજ પર હાજર પોલીસકર્મીઓની નજર આ દીકરી પર પડી. તેની મૂંઝવણ જાણીને પોલીસે સહેજ પણ સમય બગાડ્યા વિના તાત્કાલિક નિર્ણય લીધો.
પોલીસે દીકરીને હિંમત આપતા કહ્યું: “બેટા, તું ચિંતા ન કર, પરીક્ષા તું આપવાની જ છે. તારું વર્ષ બગડવા નહીં દઈએ.”
પોલીસે તાત્કાલિક સરકારી PCR વાનની વ્યવસ્થા કરી. સાયરનના અવાજ સાથે, ટ્રાફિકને ચીરતી પોલીસે માત્ર ગણતરીની મિનિટોમાં 18 કિલોમીટરનું લાંબુ અંતર કાપ્યું અને દીકરીને લસકાણાના પરીક્ષા કેન્દ્ર પર બિલકુલ સમયસર પહોંચાડી દીધી. જ્યારે તે પરીક્ષાખંડમાં પ્રવેશી, ત્યારે તેના ચહેરા પર હાશકારો અને પોલીસ માટે આદરની લાગણી હતી.
પાલ વિસ્તારમાં ઉમેદવારનો કોલ લેટર ખોવાયો, પોલીસે નવું પ્રિન્ટ કઢાવી આપ્યું
આવી જ એક બીજી મુશ્કેલી સુરતના પાલ વિસ્તારમાં બની હતી. એક વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ તેનો અસલી કોલ લેટર રસ્તામાં ક્યાંક પડી ગયો. પરીક્ષા કેન્દ્રના ગેટ પર પહોંચતા જ જ્યારે તેણે ખિસ્સા તપાસ્યા તો કોલ લેટર ગાયબ હતો. ગેટ પર તૈનાત સિક્યોરિટી અને સ્ટાફે નિયમ મુજબ કોલ લેટર વિના એન્ટ્રી આપવાની ના પાડી દીધી.
યુવાન હતાશ થઈને બેસી ગયો. તેને લાગ્યું કે તેની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળશે. પરંતુ ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ તેની વહારે આવ્યા. પોલીસે યુવાનને શાંત કર્યો અને પૂછ્યું કે શું તારા મોબાઈલમાં કોલ લેટરની સોફ્ટ કોપી કે ફોટો છે? વિદ્યાર્થીએ હા પાડી.
પોલીસે તાત્કાલિક પોતાના સ્માર્ટફોનનો ઉપયોગ કરી, નજીકના સેન્ટર કે દુકાનનો સંપર્ક કરીને તે કોપી વોટ્સએપ દ્વારા મંગાવી અને પોતાના ખર્ચે તેની નવી પ્રિન્ટ કઢાવી આપી. એટલું જ નહીં, વિદ્યાર્થી સમયસર પોતાના ક્લાસરૂમમાં બેસી શકે તે માટે તેને કેન્દ્રની અંદર સુધી સુરક્ષિત રીતે પહોંચાડ્યો.
