PM મોદી તેલ અવીવ પહોંચ્યા: ઇઝરાયેલના એરપોર્ટ પર નેતન્યાહુએ ગળે લગાડીને કર્યું ભવ્ય સ્વાગત
તેલ અવીવ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે તેમની બે દિવસીય ઇઝરાયેલ મુલાકાતે તેલ અવીવ પહોંચ્યા હતા. બેન ગુરિયન એરપોર્ટ પર ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમના પત્ની સારાએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ એકબીજાને ગળે લગાડીને અભિવાદન કર્યું હતું, જે ભારત અને ઇઝરાયેલ વચ્ચેના અતૂટ મૈત્રીપૂર્ણ સંબંધોની ઝલક આપે છે. એરપોર્ટ પર પીએમ મોદીને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નેતન્યાહુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્વાગતની વીડિયો ક્લિપ શેર કરતા લખ્યું, “સ્વાગત છે મારા મિત્ર પીએમ નરેન્દ્ર મોદી.” ઇઝરાયેલ પીએમના સત્તાવાર એકાઉન્ટ દ્વારા આ મુલાકાતને ‘ઐતિહાસિક’ ગણાવવામાં આવી છે.
ઇઝરાયેલની સંસદ ‘નેસેટ’ને સંબોધિત કરનારા પ્રથમ ભારતીય પીએમ
પીએમ મોદીની છેલ્લા 9 વર્ષમાં આ બીજી ઇઝરાયેલ યાત્રા છે. આ પહેલા તેઓ જુલાઈ 2017માં ઇઝરાયેલ ગયા હતા. આ પ્રવાસના નિર્ધારિત સમયપત્રક મુજબ, પીએમ મોદી આજે રાત્રે ઇઝરાયેલની સંસદ ‘નેસેટ’ ને સંબોધિત કરશે. આવું કરનારા તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન બનશે. નેસેટમાં તેમના સ્વાગત માટે એક સત્તાવાર અભિનંદન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, પીએમ મોદી ભારતીય સમુદાયના એક કાર્યક્રમમાં હાજરી આપશે અને ટેકનોલોજી પ્રદર્શનની મુલાકાત લેશે. રાત્રે તેમના સન્માનમાં ‘કિંગ ડેવિડ હોટલ’ ખાતે ઓફિશિયલ ડિનર રાખવામાં આવ્યું છે.
યાદ વાશેમ મેમોરિયલની મુલાકાત અને દ્વિપક્ષીય બેઠકો
ગુરુવારે સવારે પીએમ મોદી અને નેતન્યાહુ ‘યાદ વાશેમ હોલોકોસ્ટ મેમોરિયલ સેન્ટર’ ની મુલાકાત લેશે, જે ઇઝરાયેલ આવતા રાષ્ટ્રાધ્યક્ષો માટે પરંપરાગત પ્રોટોકોલ છે. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે કિંગ ડેવિડ હોટલમાં દ્વિપક્ષીય બેઠક યોજાશે, જેમાં મહત્વના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે. બેઠક બાદ બંને નેતાઓ મીડિયા સમક્ષ સંયુક્ત નિવેદન પણ જારી કરશે. પીએમ મોદી ગુરુવારે બપોરે 2 વાગ્યાની આસપાસ સ્વદેશ રવાના થાય તેવી શક્યતા છે.
Welcome to Israel my dear friend @narendramodi 🇮🇱🙏🇮🇳 pic.twitter.com/AnRtceD9Ci
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) February 25, 2026
‘નમસ્તે’ સાથે ઇઝરાયેલના અખબારનું ખાસ સ્વાગત
પીએમ મોદીના સ્વાગતમાં ઇઝરાયેલના વિખ્યાત અખબાર એક ખાસ ફ્રન્ટ પેજ છાપ્યું છે. જેમાં પીએમ મોદીની તસવીર સાથે મોટા અક્ષરોમાં હિન્દીમાં ‘નમસ્તે’ લખવામાં આવ્યું છે. તેની બાજુમાં હિબ્રુ ભાષામાં ‘શાલોમ’ (Shalom) લખેલું છે, જેનો અર્થ નમસ્તે અથવા ‘શાંતિ’ થાય છે. આ બાબત દર્શાવે છે કે ઇઝરાયેલ પીએમ મોદીના આ પ્રવાસને કેટલું મહત્વ આપી રહ્યું છે.
