12 C
Ahmedabad
Friday, January 28, 2022

જગદીશ ઠાકોરને ખૂલ્લો પત્ર, “કોંગ્રેસીઓ કોંગ્રેસી થાય તો ઘણું”

Must read

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ એવા જગદીશ ઠાકોર માટે નવા પડકારો છે. નવા પ્રમુખ કોંગ્રેસની આંતરિક યાદવસ્થળીથી જરા પણ અજાણ નથી. તેમણે ભાજપના ભૂક્કા કાઢી નાંખવાની જાહેરાત કરી છે અને ગુજરાતમાં કોંગ્રેસ 125 સીટ પર જીત મેળવશે એવો દાવો પણ કર્યો છે. ભાજપની 182 સીટ જીતવાની વાતને ગલીના બાળક જેવી ગણાવીને કહ્યું છે કે જો એવું થાય તો ગુજરાતમાં લોકશાહી અને બંધારણનું શું થશે? આવતા વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તેઓ તૈયારીમાં લાગી ગયા છે ત્યારે તેમણે ખૂલ્લે પત્ર લખવાનું મન થયું છે. જગદીશ ઠાકોરને ગુજરાત ભરમાં કોંગ્રેસ, કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની સ્થિતિ અંગે આ પત્ર લખવામાં આવી રહ્યો છે.

ડિયર જગદીશભાઈ,

કૂશળ મંગળ હશો એવું માનીને ચાલીએ છીએ. કોંગ્રેસના પ્રમુખ બન્યા તે માટે અભિનંદન આપીએ છીએ અને અનેક શૂભેચ્છાઓ સાથે વિન્રમતાથી આ પત્ર લખી રહ્યા છીએ. તમે જાણો છો કે ગુજરાતમાં પાછલા 25 વર્ષથી કોંગ્રેસ સત્તા સ્થાને નથી. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ચૂંટણી ટાણે ફૂલીને ફાળકા થઈ ફરતા જોવા મળે છે. ટીકીટો માટે પડાપડી કરે અને ટીકીટ નહીં મળે તો મોટા તાયફા કરે છે. આ બધું ચૂંટણીના દિવસોમા જ વધુને વધુ જોવા મળે છે. ચૂંટણી સિવાયના દિવસોમાં કાર્યકરો ક્યાં હોય છે એ ગોતવું મુશ્કેલ બની જાય છે. જ્યારે તમે એમ કહ્યું કે ભાજપના ભૂક્કા કાઢી નાંખીશું તો અમને લાગ્યું કે ખરેખર તમારામાં ક્ષમતા છે. પણ પાછલા 25 વર્ષનો ઈતિહાસ કહે છે કે વખતોવખત કોંગ્રેસના જ ભૂક્કા નીકળતા જોયા છે.

કોંગ્રેસના નેતાઓ ટીકીટોમાં કેવા પ્રકારની મેલીમથરાવટી ચલાવે છે તેનો જોટો જડવો મુશ્કેલ બની જાય છે. વાઢકાપ, કાપાકૂપી સહિતના વરવા દ્રશ્યો કોંગ્રેસમાં જોવા મળે છે. કોંગ્રેસમાંથી અન્ય પાર્ટીમાં જનારા લોકો એક પછી એક નંબર લગાવીને જ બેઠેલા હોય એવું દેખાય છે. 100 વર્ષ જૂની પાર્ટી હોય અને તેના કાર્યકરો કે નેતાઓ કે ધારાસભ્યો આજે પણ પાક્કા કોંગ્રેસી છે કે કેમ તે એક સવાલ ઉભો થાય છે. યુવાનો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે એ સારી વાત છે. કોંગ્રેસમાં નવલોહિયાઓ આવી રહ્યા છે પણ ફરી પ્રશ્ન એ થાય છે કે યુવાનોમાં કોંગ્રેસની વિચારધારા સાથે ચાલવાનું સામર્થ્ય કેટલું છે. તેઓ પાક્કા કોંગ્રેસી બની ગયા છે કે પછી રગશિયા ગાડાની જેમ ચૂંટણી ટાણેના ફાયદા ઉઠાવવામાં મહાલી રહ્યા છે?

આજના કોંગ્રેસીઓ કોંગ્રેસી છે ખરા? પ્રશ્ન પૂછાય એ જરુરી છે. કારણ કે અઢી દાયકાના રાજરકારણાં એક વખત રાજકોટ અને એક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ જીતી શકાઈ છે. જૂનાગઢમાં જૂના સમયમાં કોંગ્રેસનો ડંકો વાગતો હતો ત્યાં પણ હવે કેસરિયો લહેરાય છે.

જોવાયું છે કે કોંગ્રેસના વિપક્ષ નેતા (પરેશ ધાનાણી એમ વાંચો)ની ટીંગાટોળી થઈ જાય અને કોંગ્રેસનો એક પણ નેતા કશું બોલે નહીં. સામી છાતીએ વિરોધ પ્રદર્શન કરવાની તાકાત સિનિયર નેતાઓ ગૂમાવી ચૂક્યા છે. પોલીસ કેસથી નેતાઓ અને કાર્યકરો ડરે છે. કારણ કે કેસ થયા બાદ થતી હેરાનગતિમાં પાર્ટી તેમની વહારે ઉભી થયેલી જોવા મળતી નથી. “આપણા ગ્રુપનો માણસ નથી” એમ કહીને હાથ ખંખેરી નાંખવામાં આવે છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં જોવાયું તેમ કેટલાક કાર્યકરો અને નેતાઓ ધાનાણની ટીમમાં છીએ, અમિત ચાવડાની ટીમમાં છીએ એવું કહેતા ફરતા હતા. કોઈ એમ નથી કહેતું હતું કે અમે કોંગ્રેસની ટીમમાં છીએ. ગોડફાધરોએ પોતાના કાર્યકરોને સીધા આદેશ આપ્યા હતા કે આપણા ગ્રુપનો માણસ ન હોય તો એને પાડી દો. જાહેરમા ભડાશ કાઢવામાં આવી, સોશિયલ મીડિયા પર આવી વાતો વાયરલ કરવામાં આવી પણ આવા તમામ કાર્યકરો અને નેતાઓ કોંગ્રેસમાં જ છે અને તેમના શિરપાવ આપવામાં આવી રહ્યા છે.

અહેમદભાઈ પટેલ હતા ત્યારે તેમના જ સમર્થકો આખાય ગુજરાતમાં લડતા રહેતા અને ઉત્પાત મચાવતા રહેતા હતા. કેટલાક નેતાઓની રોજી રોટી જ ચૂંટણી બની ગઈ છે. ધરણા કે પ્રદર્શનો તો ઔપચારિકતા પૂર્ણ કરવા વાસ્તે જ કરવામાં આવે છે.

છાતી પર હાથ મૂકીને કહો કે સોનિયા ગાંધી રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીની સામે સરકાર કાર્યવાહી કરે તો ગુજરાતમાં કેટલા કોંગ્રેસી નેતાઓ છે જેઓ પોલીસની લાઠી ખાવા માટે રસ્તા પર ઉતરવા તૈયાર છે? જવાબ બહુ જ સ્પષ્ટ છે અને તે છે એક પણ નેતા નહીં. જે વાત ઈન્દીરા ગાંધી, રાજીવ ગાંધીના સમર્થનની હતી તેવું સમર્થન હાલના ગાંધીઓની પાસે ગુજરાતમાં જોવાતું નથી. ભાષણમાં રાહુલજી, સોનિયાજી, પ્રિયંકાજી બોલવું સારું લાગે, પણ હકીકતમાં આ વાત જ્યારે અસ્તિત્વની આવે તો કોંગ્રેસના નેતાઓ ક્યાં રફૂચક્કર થઈ જાય છે તે કોઈ કળી શકતું નથી.

ગુજરાતમાં ભાજપ સામે સંઘર્ષ કરવાના મુદ્દા એટલા બધા છે કે ન પૂછો વાત. પણ વિપક્ષમાં બેઠાં છો તો વિપક્ષની ભૂમિકા તો યોગ્ય રીતે નિભાવો. ગુજરાત કોંગ્રેસે ક્યું એવું આંદોલન કર્યું કે જેમાં ગુજરાત સરકારે ઝૂકવાનો વારો આવ્યો હોય. અમને તો એકેય કેસ દેખાતો નથી. ગુજરાત કોંગ્રેસે જેટલા આંદોલન શરુ કર્યા અથવા ટેકા આપ્યા તે આંદોલન ક્યારે શરુ થયા અને ક્યારે સમાપ્ત થયા એની ખબર જ પડી નથી. ફોટોવીર અને પ્રેસનોટીયા વીરો તથા સોશિયલ મીડિયાના શૂરવીરો કરતાં પાક્કા કોંગ્રેસીની જેમ લોકો વચ્ચે કામ કરતાં નેતાઓ અને કાર્યકરોના દુકાળથી કોંગ્રેસ પીડાઈ રહી છે.

કોંગ્રેસમાં ભાજપથી ડરનારો વર્ગ બહુ મોટો છે. પોલીસ પકડી જશે, સીબીઆઈ, ઈડી, ઈન્કમટેક્સ વગેરે એજન્સીઓનો ડર કોંગ્રેસીઓમાં એટલો બધો છે કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે અને આ ડરના કારણે જૂથબંધીમાં ભીસાયેલી કોંગ્રેસ જીતવાની સીટ પણ હારી જાય છે. કોંગ્રેસીઓ જ કોંગ્રેસને હરાવે છે. ભાજપ તો માત્ર એનો ફાયદો ઉઠાવે છે. તમારા માટે આ એક મોટો પડકાર છે કે કોંગ્રેસીઓ કોંગ્રેસી થાય તો ઘણું.

કંઈક વધારે લખાઈ ગયું હોય તો દરગુજર કરજો.

આભાર

તમારો વિશ્વાસુ

ગુજરાત કોંગ્રેસનો એક શૂભચિંતક

- Advertisement -

More articles

- Advertisement -

Latest article