ગુમ થયેલ બોડીકેમની કિંમત નિવૃત ASI પાસેથી વસુલવા આદેશ

0
76
Gujarat State Police

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની પોલીસને મે 2022માં કુલ 4,550 બોડી-વર્ન કેમેરા આપવામાં આવ્યા હતા, જેથી પોલીસ-પબ્લિક ઘર્ષણના કેસોમાં રીઅલ-ટાઇમ પુરાવા રેકોર્ડ કરી શકાય અને અપરાધ સાબિત કરવામાં મદદ મળી શકે. જો કે, આ બોડી-વર્ન કેમેરા હાલ રાજ્યના પોલીસ ડીપાર્ટમેન્ટમાં ચર્ચાનો મુદ્દો બની ગયા હતા. કારણ એ છે કે પોલીસ વિભાગે 9 સપ્ટેમ્બર, 2022ના રોજ નિવૃત્ત થઇ ગયેલા ASI પાસેથી ગુમ થયેલા બોડીકેમની કિંમત ચુકવવા આદેશ કર્યો છે.

ગુજરાત પોલીસના પ્લાનિંગ એન્ડ મોર્ડનાઈઝેશન વિભાગ દ્વારા લખાયેલા એક પત્રમાં કહેવામાં આવ્યું કે બોડી-વર્ન કેમેરાની કિંમત- રૂ.46,550 વત્તા રૂ.8,370નો 18% જીએસટી ASI રૂપચંદ પાસેથી વસૂલ કરવામાં આવે. જેમને વડોદરામાં બંદોબસ્ત અને પેટ્રોલિંગ ડ્યુટી માટે કેમેરા ફાળવવામાં આવ્યો હતો અને તે ફરજ દરમિયાન ખોવાઈ ગયો હતો.

ગુજરાત પોલીસના પ્લાનિંગ એન્ડ મોર્ડનાઈઝેશન વિભાગ તરફથી ડીસીપી (ટ્રાફિક) વડોદરાની કચેરીને લખેલા પત્ર મુજબ, વડોદરામાં ટ્રાફિક ઈસ્ટમાં તૈનાત તત્કાલીન ASI ભરત રૂપચંદને બોડી વોર્ન કેમેરા (Mode-2) મોડેલ નંબર x81621089 ફાળવવામાં આવ્યો હતો. ASI પેટ્રોલિંગ અને બંદોબસ્ત ડ્યુટી પર હતા ત્યારે કેમેરા ગુમ થયો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેમેરા ગુમ થયા અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરવામાં આવી હતી. કેમેરા અંગેની તપાસ પાણીગેટ પોલીસના પીએસઆઈ કક્ષાના અધિકારીને સોંપવામાં આવી હતી. પોલીસ કેમેરાને ટ્રેસ કરી શકી ન હતી આથી તપાસ પૂર્ણ કરવામાં આવી હતી.

6 માર્ચે જારી કરાયેલા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ભવિષ્યમાં ખોવાયેલ બોડીકેમ મળવાની શક્યતા નથી અને ASI પોતે કેમેરા માટે વળતર આપવા સંમત થયા હતા. પત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વડોદરા પોલીસે પણ ખર્ચ વસૂલવો જ જોઈએ એવો અભિપ્રાય આપ્યો છે. રૂ. 8,379 GST સહીત કેમેરાની કિંમત રૂ. 54,929 થાય છે.