લાયસન્સ ગુમાવનારી મોટાભાગની નાણાકીય કંપનીઓ પશ્ચિમ બંગાળની; નિયમોનું ઉલ્લંઘન આખરે ખૂબ મોંઘું સાબિત થયું
ભારતીય બેંકિંગ વ્યવસ્થા અને ફાયનાન્સ માર્કેટની સુરક્ષાને લઈને આજે એક બહુ જ મોટા અને ઐતિહાસિક સમાચાર સામે આવી રહ્યા છે. દેશની મધ્યસ્થ બેંક એટલે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ લોન આપવાના નામે ગ્રાહકો સાથે રમત કરતી અને ધારાધોરણો નેવે મૂકનારી નાણાકીય સંસ્થાઓ વિરૂદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી કડક કાર્યવાહી હાથ ધરી છે. ડિજિટલ ધિરાણ અને ફાઇનાન્સ ક્ષેત્રે ચાલી રહેલી ગેરરીતિઓને નાથવા માટે આરબીઆઈએ સીધી સર્જિકલ સ્ટ્રાઈક કરીને બજારમાં સન્નાટો મચાવી દીધો છે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ દેશભરમાં ગેરકાયદેસર અને શંકાસ્પદ રીતે કાર્યરત નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFCs) વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી કાયદાકીય કાર્યવાહીની જાહેરાત કરી છે. કેન્દ્રીય બેંકે સત્તાવાર રીતે બુધવારે મોડી સાંજે એક પ્રેસ રીલીઝ જારી કરીને જણાવ્યું છે કે, નિયમોનું સતત ઉલ્લંઘન કરનારી ૧૩૫ નોન-બેંકિંગ ફાયનાન્સ કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર (કોર્પોરેટ લાયસન્સ) તત્કાલ પ્રભાવથી રદ કરી દેવામાં આવ્યા છે. આ કડક કદમ બાદ હવે આ કંપનીઓ દેશમાં કોઈપણ નાગરિકને લોન આપવા કે ધિરાણ આપવા જેવા આર્થિક વ્યવહારો કાયદાકીય રીતે કરી શકશે નહીં. આરબીઆઈની આ કડક કાર્યવાહીથી ખાનગી લોન આપતી સંસ્થાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
કેમ લેવો પડ્યો આટલો કઠોર નિર્ણય?
રિઝર્વ બેંકના સત્તાવાર પ્રકાશન અનુસાર, આ ૧૩૫ નાણાકીય કંપનીઓ કેન્દ્રીય બેંક દ્વારા નિર્ધારિત કરાયેલા કડક પાલન ધોરણો અને લઘુત્તમ ચોખ્ખી માલિકીના ભંડોળ એટલે કે મિનિમમ નેટ ઓન્ડ ફંડ (NOF) ના નિયમોનું પાલન કરવામાં સતત નિષ્ફળ સાબિત થઈ રહી હતી. વારંવાર નોટિસો આપવા છતાં આ કંપનીઓએ પોતાની નાણાકીય સ્થિતિ અને ગ્રાહક સુરક્ષાના નિયમોમાં સુધારો કર્યો ન હતો.
લાયસન્સ રદ કરાયેલી અગ્રણી કંપનીઓમાં એક્સપ્રેસ ફિનકેપ હાઉસ, અક્ષય ફિસ્કલ સર્વિસીસ, ટાઇમ્સ ફાઇનાન્સ (P), જ્યુપિટર પ્રોજેક્ટ્સ (P), જ્યુપિટર ફિનવેસ્ટ, એસેલ ફાઇનાન્સ બિઝનેસ લોન્સ અને સિટીવાઇડ ફાઇનાન્સિયલ સર્વિસીસ જેવી જાણીતી બ્રાન્ડ્સના નામ સામેલ છે. આરબીઆઈના આ આકરા પ્રહારથી સાબિત થાય છે કે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે સરકાર કોઈ પણ મોટી કંપનીને જતી કરવા તૈયાર નથી.
પશ્ચિમ બંગાળમાં નોંધાયેલી કંપનીઓ સૌથી વધુ ઝપેટમાં
આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા વિશ્લેષણાત્મક ડેટા અનુસાર, જે કંપનીઓના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રદ કરવામાં આવ્યા છે તેમાંથી મોટાભાગની કંપનીઓની રજિસ્ટર્ડ હેડ ઓફિસો પશ્ચિમ બંગાળમાં આવેલી હતી. પૂર્વીય ભારતના આ વિસ્તારમાં શેલ કંપનીઓ અને નાણાકીય ગેરરીતિઓની વધતી ફરિયાદો બાદ કેન્દ્રીય ઓડિટ ટીમે આ કંપનીઓના ચોપડા તપાસ્યા હતા, જેમાં મોટા પાયે ક્ષતિઓ જોવા મળી હતી.
૧૩ કંપનીઓએ લાયસન્સ સામેથી જમા કરાવી દીધા
આ સખત કાર્યવાહી વચ્ચે, અન્ય ૧૩ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓએ દેશમાં પોતાનો વ્યવસાય કાયમી ધોરણે બંધ થવા, અન્ય કંપનીઓ સાથે મર્જર (એકત્રીકરણ), વિન્ડિંગ અપ (બંધ કરવાની પ્રક્રિયા) અથવા સ્વૈચ્છિક ડિમર્જરના કારણે કાનૂની એન્ટિટી તરીકે અસ્તિત્વ ગુમાવતા પોતાના લાયસન્સ સામેથી જ કેન્દ્રીય બેંકને સુપ્રત કરી દીધા હતા.
જેમાં જે. થોમસ ફાઇનાન્સ, ઇકોન-સુપર સેલ્સ, હિતેશા ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, ટિન્નેવેલી તુટીકોરીન ઇન્વેસ્ટમેન્ટ્સ, કાર્નેક્સ એક્સચેન્જ અને ઇમ્પેક્ટ લીઝિંગ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓએ નોન-બેંકિંગ ફાયનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન (NBFI) તરીકેનો કારોબાર બંધ કરી દીધો હોવાથી તેમના લાયસન્સ જમા લેવાયા છે.
આ ઉપરાંત, ફોરરનર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ્સ નામની કંપનીનું લાઇસન્સ પણ પરત લેવામાં આવ્યું હતું કારણ કે તે હવે એક અનરજિસ્ટર્ડ કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની (CIC) ના માપદંડોને પૂર્ણ કરે છે, જેને કાયદા મુજબ અલગથી નોંધણીની જરૂર રહેતી નથી. આવી જ રીતે કેસ્પિયન ઇમ્પેક્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ, હરિ દર્શન સેલ્સ, આઇવરી કન્સલ્ટન્ટ્સ, એસકેએ કન્સલ્ટન્સી સર્વિસીસ, ત્રિશિતા મેનેજમેન્ટ અને સુબાન ટ્રેડ્સ જેવી વ્યવસાયિક કંપનીઓએ મર્જર અને વિલીનીકરણને કારણે કાનૂની અસ્તિત્વ સમાપ્ત થતાં પોતાના લાયસન્સ સ્વેચ્છાએ જમા કરાવ્યા છે.
બેંકિંગ નિષ્ણાતોનું કહેવું છે કે સામાન્ય જનતાએ કોઈપણ એપ કે ખાનગી એજન્સી પાસેથી પર્સનલ કે બિઝનેસ લોન લેતા પહેલાં તે કંપની આરબીઆઈ રજિસ્ટર્ડ છે કે નહીં તેની ખાતરી સેન્ટ્રલ બેંકની ઓફિશિયલ વેબસાઈટ પરથી અચૂક કરી લેવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈપણ મોટી આર્થિક છેતરપિંડી કે નુકસાનથી બચી શકાય.

