Sandpapergate: ઉસ્માન ખ્વાજાના ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ, રબાડાએ કહ્યું- આ ઓસ્ટ્રેલિયાનો આંતરિક મામલો
ક્રિકેટ જગતના સૌથી મોટા વિવાદોમાંના એક એવા 2018ના ‘સેન્ડપેપરગેટ’ કૌભાંડની ચર્ચા ફરી એકવાર શરૂ થઈ છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનિંગ બેટર ઉસ્માન ખ્વાજાએ પોતાની આત્મકથા ‘સબ્ર’ (Sabr)માં આ વિવાદ અંગે કેટલાક ચોંકાવનારા દાવા કર્યા છે. ખ્વાજાના જણાવ્યા અનુસાર, બોલ ટેમ્પરિંગની આ ઘટનામાં માત્ર ત્રણ ખેલાડીઓ જ નહીં, પરંતુ ઓસ્ટ્રેલિયાની સમગ્ર ટીમ સામેલ હતી. તેમના આ નિવેદનથી ક્રિકેટ જગતમાં નવી ચર્ચા શરૂ થઈ છે. ખાસ વાત એ છે કે આ વિવાદને લઈને દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગિસો રબાડા સહિત તે સમયની શ્રેણીનો ભાગ રહેલા કેટલાક ખેલાડીઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાના વર્તમાન ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સે ખ્વાજાના દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે.
શું હતો 2018નો સેન્ડપેપરગેટ વિવાદ?
વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયાની ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે હતી. બંને દેશો વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન કેપટાઉન ટેસ્ટમાં બોલની સ્થિતિ સાથે ચેડાં કરવાનો મામલો સામે આવ્યો હતો. ઓસ્ટ્રેલિયન ખેલાડી કેમેરોન બેનક્રોફ્ટને બોલ પર સેન્ડપેપરનો ઉપયોગ કરતા પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ તપાસમાં જાણવા મળ્યું કે આ ઘટનામાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની પણ ભૂમિકા હતી.

આ ઘટનાએ સમગ્ર ક્રિકેટ જગતમાં ભારે હોબાળો મચાવ્યો હતો. ઓસ્ટ્રેલિયન ક્રિકેટની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો હતો અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ત્રણેય ખેલાડીઓ સામે કડક કાર્યવાહી કરી હતી. સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર એક-એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જ્યારે કેમેરોન બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ લાગ્યો હતો.
હવે આ ઘટનાના ઘણા વર્ષો બાદ ઉસ્માન ખ્વાજાએ પોતાની આત્મકથામાં આ મામલે નવો દાવો કર્યો છે. ખ્વાજા તે સમયે ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતા. તેમનું કહેવું છે કે આ ઘટનામાં માત્ર બેટ્સમેનો જ નહીં, પરંતુ બોલરો સહિત આખી ટીમ સામેલ હતી. તેમના આ નિવેદનથી વર્ષો જૂનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે.
કાગિસો રબાડાએ શું કહ્યું? દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓએ પણ આપી પ્રતિક્રિયા
13 નવેમ્બરે જોહાનિસબર્ગમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દક્ષિણ આફ્રિકાના સ્ટાર ઝડપી બોલર કાગિસો રબાડાને ઉસ્માન ખ્વાજાના દાવા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં રબાડાએ સ્પષ્ટ કર્યું કે આ ઓસ્ટ્રેલિયાનો આંતરિક મામલો છે અને તેમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓની કોઈ ભૂમિકા નથી.રબાડાએ કહ્યું, “મને નથી લાગતું કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, તેની સાથે અમારે કોઈ લેવાદેવા છે. આ અમારો વિષય નથી. સ્પષ્ટપણે, આ ઓસ્ટ્રેલિયાનો મામલો છે અને મને નથી લાગતું કે તેમાં અમારી કોઈ સંડોવણી છે.”
દરમિયાન, ક્રિકબઝના અહેવાલ મુજબ, 2018ની તે ટેસ્ટ શ્રેણીનો ભાગ રહેલા દક્ષિણ આફ્રિકાના કેટલાક અન્ય ખેલાડીઓએ પણ ખ્વાજાના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. કેટલાક ખેલાડીઓએ જણાવ્યું કે તેમણે ખ્વાજાનું પુસ્તક વાંચ્યું નથી અને તેમના દાવાઓમાં તેમને ખાસ રસ પણ નથી.એક ખેલાડીએ કટાક્ષભર્યા અંદાજમાં કહ્યું કે આશા છે કે ખ્વાજા પાસે પોતાના દાવાઓને સાબિત કરવા માટે પુરાવા હશે. જ્યારે અન્ય એક ખેલાડીએ આ સમગ્ર મામલાને ખ્વાજાનો અંગત અભિપ્રાય ગણાવીને કહ્યું કે તેને ત્યાં જ રહેવા દેવો જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે તેમને આ પ્રકારના વિવાદોમાં કોઈ રસ નથી.

પેટ કમિન્સે ખ્વાજાના દાવાને ગણાવ્યો ખોટો
ઉસ્માન ખ્વાજાના નિવેદન પર ઓસ્ટ્રેલિયાના વર્તમાન ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે ખ્વાજાના દાવાને પાયાવિહોણો ગણાવીને ફગાવી દીધો છે.કમિન્સના જણાવ્યા અનુસાર, જો ખ્વાજાનો એવો અર્થ હોય કે ઓસ્ટ્રેલિયન ટીમના તમામ ખેલાડીઓને મેદાન પર સેન્ડપેપર લઈ જવાની જાણકારી હતી, તો આ વાત સંપૂર્ણપણે ખોટી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આખી ટીમ આ ઘટનાથી વાકેફ હતી તેવો દાવો 100 ટકા ખોટો છે.
જોકે, ખ્વાજા પોતાના નિવેદન પર મક્કમ છે. 14 નવેમ્બરે ઓસ્ટ્રેલિયન મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે ફરી એકવાર કહ્યું કે આ ઘટનામાં માત્ર થોડા ખેલાડીઓ જ નહીં, પરંતુ સમગ્ર ટીમ સામેલ હતી. તેમના મતે, તેમાં બેટ્સમેનો, બોલરો અને સપોર્ટ સ્ટાફ સહિત દરેકનો સમાવેશ થાય છે.
