નેહરુ જયંતીએ રાહુલ-ખરગે સહિતના નેતાઓએ કર્યા યાદ, CJPએ પણ કર્યા વખાણ
દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતિના અવસરે દેશભરમાં તેમને યાદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે માત્ર કોંગ્રેસ પાર્ટી જ નહીં, પરંતુ રાજકીય વર્તુળોમાંથી પણ અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી હતી. એક અણધારી ઘટનાક્રમમાં, ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા પંડિત નેહરુને ‘ભારતનું મગજ’ (Mind of India) ગણાવવામાં આવ્યા છે, જેણે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. આ સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓએ આધુનિક ભારતના નિર્માણમાં તેમના અતુલ્ય યોગદાનને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
‘કોકરોચ જનતા પાર્ટી’ દ્વારા નેહરુને શ્રદ્ધાંજલિ: ‘ભારતનું મગજ’
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (X) પર ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા કરવામાં આવેલી એક પોસ્ટ ખાસ્સી વાયરલ થઈ છે. પાર્ટીએ પંડિત જવાહરલાલ નેહરુને આધુનિક ભારતના સાચા શિલ્પકાર ગણાવ્યા છે. CJPએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “ભારતના મગજ સમાન પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર યાદ કરી રહ્યા છીએ. તેઓ આધુનિક ભારતના એવા શિલ્પકાર હતા, જેમણે એક એવા ભારતની કલ્પના કરી હતી, જેને આજે પણ આપણે બધા મળીને સાકાર કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ.” એક રાજકીય પક્ષ દ્વારા આ પ્રકારે નેહરુની વિચારધારા અને તેમના યોગદાનને બિરદાવવું એ વર્તમાન રાજકારણમાં એક રસપ્રદ પાસું સાબિત થયું છે.
Remembering the ‘MIND OF INDIA’ , Pandit Jawaharlal Nehru, on his birth anniversary🌹
The Architect of Modern India, who envisioned the India we continue to build today. https://t.co/Y41nqOz3Ju
— Cockroach Janta Party – CJP (@Cockroachisback) November 14, 2026
આધુનિક, વૈજ્ઞાનિક અને લોકતાંત્રિક ભારતના નિર્માતા
કોંગ્રેસ પાર્ટીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પંડિત નેહરુને યાદ કરતા લખ્યું કે આધુનિક, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતા, લોકતાંત્રિક અને સર્વસમાવેશક ભારતના નિર્માણ માટે પંડિત નેહરુએ જે સપનાં જોયા હતા, તે હંમેશાં આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. દેશના પાયાની મજબૂતી, શિક્ષણ અને વૈજ્ઞાનિક પ્રગતિમાં તેમના દ્વારા રોપાયેલાં બીજ આજે વિશાળ વટવૃક્ષ બની ચૂક્યા છે. તેમની આ વિરાસત દેશના નાગરિકો હંમેશાં યાદ રાખશે.
મલ્લિકાર્જુન ખરગે: “આઝાદી પછી ભારતને નવી દિશા આપી”
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુનખરગેએ પોતાના શ્રદ્ધાંજલિ સંદેશમાં જણાવ્યું હતું કે આઝાદીના સમયથી જ એક મજબૂત, આધુનિક, લોકતાંત્રિક અને પ્રગતિશીલ રાષ્ટ્રની સ્થાપના કરવામાં પંડિત જવાહરલાલ નેહરુનો ફાળો ઐતિહાસિક રહ્યો છે. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે સામે અસંખ્ય આર્થિક અને સામાજિક પડકારો હતા. આવા વિકટ સમયમાં નેહરુજીએ પોતાની દૂરદર્શી સોચ, અડગ મનોબળ અને મજબૂત નેતૃત્વ દ્વારા ભારતના વિકાસને એક નવી જ દિશા પ્રદાન કરી હતી. તેમના આ સાહસ અને પરિશ્રમને કારણે જ આજે ભારત વૈશ્વિક સ્તરે પોતાની મજબૂત ઓળખ બનાવી શક્યું છે.
રાહુલ ગાંધી: “આઝાદી એ અંતિમ મંજિલ નહોતી, પણ નવા સફરનો આરંભ હતો”
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પંડિત નેહરુને યાદ કરતા ‘એક્સ’ પર ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું, “હિંદના જવાહર, ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતિ પર તેમને શત શત નમન. આઝાદી તેમના માટે માત્ર સત્તા મેળવવાનું સાધન નહોતું, પરંતુ તે દેશના એક નવા અને લાંબા સફરની શરૂઆત હતી.”
રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું કે, નેહરુ માટે સ્વરાજ એટલે કેવળ શાસન નહીં, પરંતુ દેશના દરેક નાગરિકની ભાગીદારી અને ભવિષ્ય પ્રત્યેની જવાબદારી હતી. તેમના માટે ભારત માત્ર એક ભૂમિનો ટુકડો નહોતો, પણ એક સત્ય શોધવાની પ્રક્રિયા અને વિચાર હતો, જેની મુખ્ય તાકાત દેશની વિવિધતા, લોકશાહીમાં અતૂટ વિશ્વાસ અને સમાનતાનો પાયો હતો. આધુનિક અને વૈજ્ઞાનિક ભારતનું તેમનું સ્વપ્ન આજે પણ આપણને સૌને પ્રેરિત કરે છે.
પ્રિયંકા ગાંધી: “મૃત્યુના 60 વર્ષ પછી પણ નેહરુજી કેમ નિશાના પર છે?”
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પંડિત નેહરુને એક અનોખું અને ક્રાંતિકારી વ્યક્તિત્વ ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે નેહરુજી માત્ર એક નેતા નહોતા, પણ આ દેશના ભવિષ્યને ઘડનારા એક સાચા શિલ્પકાર હતા.
પ્રિયંકા ગાંધીએ આશરે ચિંતા વ્યક્ત કરતા લખ્યું કે, પંડિત નેહરુના અવસાનને 60 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં, આજે પણ કેટલાક લોકો અવારનવાર તેમના પર હુમલાઓ કરતા રહે છે. આ હકીકત જ સાબિત કરે છે કે બંધારણ અને લોકશાહીને નબળી પાડવા માંગ શક્તિઓના નિશાના પર આજે પણ પંડિત નેહરુની વિચારધારા જ છે. આ બાબત ભારત પ્રત્યેની નેહરુની અડગ પ્રતિબદ્ધતા અને તેમના કાર્યોની પ્રાસંગિકતાને સિદ્ધ કરે છે. દેશ પ્રત્યેનો તેમનો પ્રેમ અને સમર્પણ ભાવ હંમેશાં દેશવાસીઓને સાચો રસ્તો બતાવતો રહેશે.
