બ્રિટન જવું હવે બનશે વધુ અઘરું: 85 દેશો માટે નવો ETA નિયમ લાગુ, જાણો શું છે વિગત
બ્રિટન સરકારના તાજેતરના નિર્ણયથી હવે ત્યાંની મુસાફરી કરવી પહેલા જેટલી સરળ રહી નથી. સરકારે હવે એવા 85 દેશોના પ્રવાસીઓ માટે પણ ‘ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન’ (ETA) ફરજિયાત બનાવ્યું છે, જેમને પહેલા વિઝાની જરૂર પડતી નહોતી. આ નવો નિયમ 25 ફેબ્રુઆરી 2026 થી કડક રીતે અમલી બનાવી દેવામાં આવ્યો છે. જો તમારી પાસે આ પરમિટ નહીં હોય, તો તમને એરપોર્ટ પર ચેક-ઈન કાઉન્ટર પર જ રોકી દેવામાં આવશે.
શું છે આ નવો ETA નિયમ?
બ્રિટિશ સરકાર દ્વારા 2023માં શરૂ કરવામાં આવેલી આ યોજનાનો હેતુ દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો છે. જે દેશોના નાગરિકોને બ્રિટન આવવા માટે વિઝાની જરૂર નથી, તેમણે હવે પ્રવાસ કરતા પહેલા ઓનલાઈન અરજી કરીને મંજૂરી મેળવવી પડશે. આ માટે પ્રવાસીએ 16 પાઉન્ડ (આશરે 1,800 થી 2,000 રૂપિયા) ફી ચૂકવવી પડશે. એકવાર મંજૂરી મળ્યા પછી, પ્રવાસી 6 મહિના સુધી બ્રિટનમાં રહી શકશે.
કયા દેશો પર લાગશે આ નિયમ?
આ નવો નિયમ અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર જેવા 85 વિકસિત દેશોના નાગરિકોને લાગુ પડશે. બ્રિટિશ ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પગલું ઈમિગ્રેશન સિસ્ટમને આધુનિક બનાવવા માટે લેવામાં આવ્યું છે. આનાથી સરકારને દેશમાં પ્રવેશતા દરેક વ્યક્તિની માહિતી અગાઉથી જ મળી જશે, જેનાથી સુરક્ષા જોખમો ઘટાડી શકાશે.
એરલાઈન્સ બોર્ડિંગ નહીં કરવા દે
જો કોઈ મુસાફર પાસે માન્ય ETA, eVisa અથવા અન્ય જરૂરી દસ્તાવેજો નહીં હોય, તો એરલાઈન્સ તેમને પ્લેનમાં બેસવા દેશે નહીં. જોકે, બ્રિટિશ અને આઈરિશ નાગરિકો તેમજ જે લોકો પાસે બ્રિટનમાં રહેવાનો કાયદેસરનો અધિકાર છે, તેમને આ નવા નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે અને તે ફક્ત સત્તાવાર સરકારી વેબસાઈટ પર જ કરવાની રહેશે.
માઈગ્રેશન મિનિસ્ટરનું નિવેદન
બ્રિટનના માઈગ્રેશન મિનિસ્ટર માઈક ટેપે જણાવ્યું હતું કે, “ETA યોજના અમારી બોર્ડર સિક્યુરિટીને મજબૂત કરવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ પ્રવાસીઓ અને બ્રિટિશ જનતા બંને માટે વધુ કાર્યક્ષમ અને આધુનિક સેવા સુનિશ્ચિત કરે છે.” આ ફેરફાર યુરોપિયન યુનિયનની નવી એન્ટ્રી/એક્ઝિટ સિસ્ટમ (EES) સાથે સુસંગત છે, જે મુસાફરીને વધુ ડિજિટલ અને સુરક્ષિત બનાવશે.

