લાખોનું પેકેજ છતાં ૯૪% લીડર્સ નવી નોકરી કેમ શોધી રહ્યા છે? જાણો દેશના કોર્પોરેટ વર્લ્ડનું કડવું સત્ય!
ભારતની કોર્પોરેટ દુનિયામાં ‘કોર્નર ઓફિસ’ મેળવવી એટલે કે ઉચ્ચ હોદ્દા પર પહોંચવું મોટો પગાર અને આકર્ષક પેકેજ લાવે છે, પરંતુ હવે માત્ર મોટો ચેક ભારતના ટોચના એક્ઝિક્યુટિવ્સને કંપનીમાં જાળવી રાખવા માટે પૂરતો રહ્યો નથી. ભારતમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs) નો વિસ્તાર થઈ રહ્યો છે, કંપનીઓ મોટી જવાબદારીઓ સોંપી રહી છે અને વૈશ્વિક સ્તરે નેતૃત્વની તકો વધી રહી છે. આવી સ્થિતિમાં, વરિષ્ઠ વ્યાવસાયિકો પોતાના કરિયર અને વળતર અંગે વધુ પસંદગીયુક્ત (selective) બની રહ્યા છે. તેઓ હવે માત્ર પરફોર્મન્સ આધારિત પે જ નહીં, પરંતુ સારા બેનિફિટ્સ, ઝડપી કરિયર ગ્રોથ અને સમાજ કે વ્યવસાય પર મોટો પ્રભાવ પાડી શકે તેવા કામની માંગ કરી રહ્યા છે.

‘માઇકલ પેજ ઇન્ડિયા’ના ભાગરૂપ ‘પેજ એક્ઝિક્યુટિવ ઇન્ડિયા’ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ‘એક્ઝિક્યુટિવ કોમ્પેન્સેશન અને ટેલેન્ટ ટ્રેન્ડ્સ રિપોર્ટ ૨૦૨૬ – ઇન્ડિયા’માં આ પરિસ્થિતિ સ્પષ્ટપણે ઉપસી આવી છે. દેશના ૧,૨૦૦ થી વધુ C-લેવલના એક્ઝિક્યુટિવ્સ (CEO, CFO, CTO વગેરે) અને વરિષ્ઠ નેતાઓના પ્રતિસાદ પર આધારિત આ રિપોર્ટ દર્શાવે છે કે, ૬૫% એક્ઝિક્યુટિવ્સ તેમના વર્તમાન વળતરથી સંતુષ્ટ હોવાનું કહે છે, અને ૮૭% લોકો કોમ્પેન્સેશનને જોબ સંતોષનું મુખ્ય પરિબળ માને છે. તેમ છતાં, ચોંકાવનારી બાબત એ છે કે ૯૪% એક્ઝિક્યુટિવ્સ નવી તકો શોધવા માટે ખુલ્લા છે અને ૪૧% નેતાઓ તો એવો અંદાજ ધરાવે છે કે તેઓ એક વર્ષથી વધુ સમય સુધી તેમની વર્તમાન ભૂમિકામાં રહેશે નહીં.
વેરિયેબલ પે બન્યું નવું સામાન્ય ધોરણ (New Normal)
એક્ઝિક્યુટિવ્સને આપવામાં આવતા વળતર માળખામાં (Executive Rewards Structure) સૌથી મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતમાં C-લેવલના એક્ઝિક્યુટિવ્સ અને સિનિયર લીડર્સમાંથી ૮૮% લોકોને વેરિયેબલ કોમ્પેન્સેશન (કામગીરી આધારિત વધારાનું વળતર) મળે છે. જે બાકીના એશિયા-પેસિફિક (APAC) પ્રદેશના ૮૫% ની સરખામણીએ વધુ છે.
જોકે, કુલ વળતરમાં વેરિયેબલ પે નો હિસ્સો કેટલો છે તે દરેક કંપની અને હોદ્દા મુજબ નોંધપાત્ર રીતે બદલાય છે. રિપોર્ટ અનુસાર:
૪૨% એક્ઝિક્યુટિવ્સ માટે વેરિયેબલ કોમ્પેન્સેશન તેમના કુલ પેકેજના ૨૧% થી ઓછું છે.
૨૩% લીડર્સ માટે આ હિસ્સો ૨૧% થી ૩૦% ની વચ્ચે છે.
૧૦% લોકો માટે વેરિયેબલ પે ૩૧% થી ૪૦% જેટલું છે.
૭% એક્ઝિક્યુટિવ્સ ૪૧% થી ૫૦% સુધીનો વેરિયેબલ પે મેળવે છે.
૬% ટોચના નેતાઓ એવા છે જેમનું ૫૧% થી વધુ વળતર વેરિયેબલ પે પર નિર્ભર છે.

વેરિયેબલ પે કયા પરિબળો પર આધાર રાખે છે?
કંપનીઓ હવે નેતૃત્વના વળતરને સીધા બિઝનેસ પરફોર્મન્સ સાથે જોડવા માટે વેરિયેબલ પે નો ઉપયોગ કરી રહી છે. રિપોર્ટ મુજબ, વેરિયેબલ કોમ્પેન્સેશન નક્કી કરવામાં કંપનીની નફાકારકતા (Profitability) સૌથી મોટો ભાગ ભજવે છે, જે ૫૨% સંસ્થાઓમાં મુખ્ય કારણ છે. તેના પછી ૫૧% સાથે રેવેન્યુ ગ્રોથ (આવકમાં વૃદ્ધિ) બીજા ક્રમે આવે છે.
આ ઉપરાંત, ઓપરેટિંગ માર્જિન ૨૯% કંપનીઓમાં, માર્કેટ શેર ગ્રોથ ૨૬% માં અને લાંબા ગાળાના ગ્રોથ ટાર્ગેટ ૨૫% કંપનીઓમાં વેરિયેબલ પે નક્કી કરે છે. હવે માત્ર નાણાકીય આંકડા જ નહીં, પરંતુ લોકો અને સંસ્થાકીય પરિણામો પણ ધ્યાનમાં લેવાય છે. ૨૪% કંપનીઓમાં રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ (ROI), જ્યારે ૨૨% ઓર્ગેનાઇઝેશન્સમાં કેશ ફ્લો અને કર્મચારીઓનું સગપણ કે ટેલેન્ટ રિટેન્શન (પ્રતિભા જાળવી રાખવી) વેરિયેબલ પે ના નિર્ણાયક પરિબળો બને છે.
માત્ર પૈસા જ નથી રોકી શકતા સિનિયર ટેલેન્ટને
ઉંચો પગાર કે પરફોર્મન્સ સાથે જોડાયેલું બોનસ પણ હવે એક્ઝિક્યુટિવ્સને એક જ જગ્યાએ બાંધી રાખવા માટે પૂરતું નથી. ભારતની લીડરશિપ માર્કેટ ઝડપથી ગતિશીલ (mobile) બની રહી છે. રિપોર્ટ અનુસાર, ૩૪% એક્ઝિક્યુટિવ્સ નવી નોકરી શોધવા પાછળનું મુખ્ય કારણ ‘પ્રમોશનની ઇચ્છા’ દર્શાવે છે. જ્યારે ૫૯% વરિષ્ઠ નેતાઓ આગામી ૧૨ મહિનામાં વધુ હાઇ-પ્રોફાઇલ અને મોટા પ્રભાવ ધરાવતા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માંગે છે.
‘પેજ એક્ઝિક્યુટિવ ઇન્ડિયા’ના મેનેજિંગ પાર્ટનર જોન ગોલ્ડસ્ટીન આ ફેરફાર વિશે વાત કરતા જણાવે છે કે, ભારતમાં એક્ઝિક્યુટિવ તકોનો વિસ્તાર આ બદલાવનું મુખ્ય કારણ છે. “ભારત હવે માત્ર સ્થાનિક સ્તરે નેતૃત્વના પદો જ નથી ઊભા કરી રહ્યું, પરંતુ અહીંથી વૈશ્વિક સ્તરે પણ નેતૃત્વનો વ્યાપ વધી રહ્યો છે,” તેમ ગોલ્ડસ્ટીને બિઝનેસ ટુડેને જણાવ્યું હતું.
