વળતરથી લઈને ટેક્સ સુધી… જાણો ડિજિટલ ગોલ્ડમાં ક્યાં પૈસા રોકવાથી મળશે સૌથી વધુ ફાયદો
વૈશ્વિક સ્તરે ચાલતા ભૌગોલિક-રાજકીય (જીઓ-પોલિટિકલ) તણાવ, દુનિયાભરની સેન્ટ્રલ બેંકો દ્વારા થઈ રહેલી સોનાની આક્રમક ખરીદી અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે સોનું હંમેશાં રોકાણકારો માટે સદાય બહાર અને સુરક્ષિત આશ્રયસ્થાન સાબિત થયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાએ જે પ્રકારે બમ્પર વળતર (Return) આપ્યું છે, તેનાથી આકર્ષાઈને લોકો હવે પરંપરાગત ઘરેણાં ખરીદવાને બદલે ડિજિટલ ફોર્મેટમાં સોનામાં નાણાં રોકવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવાથી મેકિંગ ચાર્જ, જીએસટી, શુદ્ધતાની ચિંતા કે લોકરમાં સાચવવાની માથાકૂટમાંથી કાયમી મુક્તિ મળી જાય છે. હાલ બજારમાં ‘ગોલ્ડ ઈટીએફ’ (Gold ETF) અને ‘ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ’ (Gold Mutual Fund) એવા બે લોકપ્રિય વિકલ્પો છે જે રોકાણકારોને ખૂબ મૂંઝવણમાં મૂકે છે. રિટર્નથી લઈને ટેક્સ સુધીના ગણિતમાં કયો વિકલ્પ તમારા માટે ‘બેસ્ટ’ છે, તેનું સંપૂર્ણ વિશ્લેષણ અહીં પ્રસ્તુત છે.
આજના આધુનિક યુગમાં સોનામાં રોકાણ કરવાની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. હવે સોનાને ઘરમાં તિજોરીમાં રાખવાને બદલે તેને કાગળ કે ડિજિટલ સ્વરૂપે સાચવવું વધુ સલામત અને નફાકારક માનવામાં આવે છે. Gold ETF અને Gold Mutual Fund બંને રોકાણકારોને ભૌતિક સોનું ખરીદ્યા વિના જ સોનાના વધતા ભાવોનો સીધો આર્થિક લાભ મેળવવાની તક આપે છે. દેખાવમાં સરખા લાગતા આ બંને માધ્યમોના આંતરિક નિયમો અને સંચાલન પદ્ધતિમાં ઘણો મોટો તફાવત છે.
ડીમેટ એકાઉન્ટની અનિવાર્યતા અને રોકાણની પદ્ધતિ
બંને વિકલ્પો વચ્ચેનો સૌથી પ્રાથમિક અને મોટો તફાવત ડીમેટ એકાઉન્ટનો (Demat Account) છે. Gold ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ) સીધું વાસ્તવિક સોનામાં અથવા સોના સાથે જોડાયેલી અસ્કયામતોમાં રોકાણ કરે છે. આ ફંડના યુનિટ્સ સ્ટોક એક્સચેન્જ (NSE/BSE) પર લિસ્ટેડ હોય છે અને શેરબજારના સામાન્ય શેરોની જેમ જ બજાર ચાલુ હોય તે દરમિયાન લાઈવ પ્રાઈસ પર તેનું ખરીદ-વેચાણ થાય છે. આથી, Gold ETF માં રોકાણ કરવા માટે ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ હોવું સો ટકા ફરજિયાત છે.
બીજી તરફ, Gold Mutual Fund સીધું સોનામાં નાણાં નથી રોકતું, પરંતુ તે વિવિધ Gold ETF ની અંદર રોકાણ કરે છે. આમાં રોકાણ કરવા માટે કોઈ ડીમેટ એકાઉન્ટની જરૂર પડતી નથી. સામાન્ય મ્યુચ્યુઅલ ફંડની જેમ જ કોઈપણ સામાન્ય ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ પરથી તમે આમાં રોકાણ શરૂ કરી શકો છો. આ જ કારણસર જે રોકાણકારો શેરબજાર કે ટ્રેડિંગની પળોજણમાં પડવા નથી માંગતા, તેમના માટે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ એક આસાન અને આરામદાયક રસ્તો બની જાય છે.
એક્સપેન્સ રેશિયો (ખર્ચ) અને વળતર પર તેની લાંબા ગાળાની અસર
કોઈપણ ફંડનું સંચાલન કરવા માટે ફંડ હાઉસ જે ફી વસૂલે છે તેને એક્સપેન્સ રેશિયો (Expense Ratio) કહેવામાં આવે છે. લાંબા ગાળાના રોકાણમાં આ ખર્ચ વળતર પર મોટી અસર પાડે છે. ગોલ્ડ ઇટીએફ સીધું જ સોનામાં રોકાણ કરતું હોવાથી તેનો મેનેજમેન્ટ ખર્ચ અથવા એક્સપેન્સ રેશિયો ખૂબ જ ઓછો હોય છે.
જ્યારે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ પહેલા ઇટીએફમાં નાણાં રોકે છે, તેથી તેના પોતાના સંચાલન ખર્ચની સાથે ઇટીએફનો ખર્ચ પણ આડકતરી રીતે ઉમેરાય છે, જેથી તેનો એક્સપેન્સ રેશિયો થોડો ઊંચો રહે છે. જો કે, ટૂંકા ગાળામાં આ તફાવત બહુ નજીવો લાગે છે, પરંતુ જો તમારું લક્ષ્ય ૫, ૧૦ કે ૧૫ વર્ષનું હોય, તો ઓછો ખર્ચ ધરાવતું ગોલ્ડ ઇટીએફ વળતરની દ્રષ્ટિએ થોડું વધુ નફાકારક સાબિત થઈ શકે છે.
મધ્યમવર્ગીય રોકાણકારો માટે SIP ની ઉત્તમ સુવિધા
જે નાના કે મધ્યમવર્ગીય ગ્રાહકો દર મહિને પોતાની બચતમાંથી ₹૨૦૦૦, ₹૫૦૦૦ કે ₹૧૦,૦૦૦ જેવી મર્યાદિત રકમ સોનામાં રોકવા માંગે છે, તેમના માટે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ શ્રેષ્ઠ માધ્યમ છે. આમાં ઓટોમેટેડ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) શરૂ કરવો ખૂબ જ સરળ છે, જેમાં દર મહિને નિયત તારીખે તમારા બેંક ખાતામાંથી પૈસા કપાઈને સોનામાં રોકાઈ જાય છે. આ ઉપરાંત, આમાં બજાર ખૂલવાના સમયે જ લાઈવ ટ્રેડિંગ કરવાની કે સતત સ્ક્રીન સામે બેસી રહેવાની કોઈ મજબૂરી હોતી નથી. તમે દિવસના કોઈપણ સમયે ફંડ ખરીદી કે વેચી શકો છો અને દિવસના અંતે જાહેર થતી NAV ના આધારે હિસાબ થાય છે.
ટેક્સેશન (કરવેરા) નું મહત્વનું ગણિત
રોકાણ પર મળતા નફા પર સરકાર કેટલો ટેક્સ લે છે, તે જાણવું પણ એટલું જ જરૂરી છે. Gold ETF માં રોકાણ કર્યાના ૧૨ મહિના (૧ વર્ષ) પછી જો તમે તેને વેચીને નફો મેળવો છો, તો તે લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) હેઠળ આવે છે, જેના પર ૧૨.૫% ના દરે ફિક્સ ટેક્સ ચૂકવવો પડે છે.
બીજી તરફ, Gold Mutual Fund માં લોન્ગ ટર્મ કેપિટલ ગેઈનનો લાભ મેળવવા માટે તમારે ઓછામાં ઓછા ૨૪ મહિના (૨ વર્ષ) સુધી રોકાણ જાળવી રાખવું પડે છે, અને ત્યારબાદ જ તેના પર ૧૨.૫% ના દરે ટેક્સ લાગુ થાય છે. એટલે કે, હોલ્ડિંગ પિરિયડ (સમયગાળા) ની દ્રષ્ટિએ ગોલ્ડ ઇટીએફ ટેક્સના મામલામાં વધુ લવચીક અને ફાયદાકારક સાબિત થાય છે.
જો તમારી પાસે પહેલેથી જ સક્રિય ડીમેટ એકાઉન્ટ છે અને તમે શેરબજારના ટ્રેડિંગથી પરિચિત છો, તો ઓછા ખર્ચ અને ફ્લેક્સિબલ ટેક્સ પિરિયડના કારણે તમારા માટે Gold ETF સર્વોત્તમ છે. પરંતુ, જો તમે ડીમેટ વગર એકદમ સરળ અને તણાવમુક્ત રીતે દર મહિને નાની બચત દ્વારા લાંબા ગાળાની SIP કરવા માંગો છો, તો તમારા માટે Gold Mutual Fund સૌથી અનુકૂળ અને બેસ્ટ વિકલ્પ છે.

