શું ઇન્ટરનેટ મોંઘું થશે? હોર્મુઝમાં હવે ડેટા પર ઈરાનની નજર: ભારત સહિત દુનિયા પર સંકટની આશંકા
અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા છીએ કે ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે. પરંતુ હવે એક નવું અને વધુ ગંભીર સંકટ સામે આવી રહ્યું છે — ‘ડિજિટલ ટેક્સ’. સમાચાર મળી રહ્યા છે કે ઈરાન હવે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) નીચેથી પસાર થતી અંડરવોટર ફાઈબર ઓપ્ટિક કેબલ્સ પર ટેક્સ વસૂલવાની તૈયારી કરી રહ્યું છે. જો આવું થશે, તો માત્ર તેલ જ નહીં, પણ તમારું ઇન્ટરનેટ પણ મોંઘું અને ધીમું થઈ શકે છે.
ઇન્ટરનેટ અને સમુદ્રની નીચેની દુનિયા
ઘણા લોકોને એવું લાગે છે કે ઇન્ટરનેટ સેટેલાઇટ દ્વારા ચાલે છે, પરંતુ સત્ય એ છે કે દુનિયાનો 95% થી 97% ડેટા સમુદ્રના તળિયે બિછાવેલી ફાઈબર ઓપ્ટિક કેબલ્સ દ્વારા ટ્રાન્સફર થાય છે. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ સાથે જોડાયેલી ન્યૂઝ એજન્સી ‘તસ્નીમ’ના એક અહેવાલ મુજબ, હોર્મુઝના માર્ગે પસાર થતી આ કેબલ્સ દ્વારા દરરોજ 10 ટ્રિલિયન ડોલરથી વધુના નાણાકીય વ્યવહારો થાય છે.
ઈરાન હવે આ માર્ગનો ઉપયોગ વ્યૂહાત્મક હથિયાર તરીકે કરવા માંગે છે. જેમ રસ્તા પરથી પસાર થવા માટે ‘ટોલ ટેક્સ’ ભરવો પડે છે, તેમ ઈરાન હવે આ દરિયાઈ કેબલ્સ માટે ભાડું અથવા ટેક્સ વસૂલવાની યોજના બનાવી રહ્યું છે.
હોર્મુઝ: ઇન્ટરનેટનું નવું ‘કંટ્રોલ પોઇન્ટ’
ઈરાન પાસે માત્ર તેલના જહાજો રોકવાની શક્તિ નથી, પરંતુ તે વિશ્વના ડિજિટલ ટ્રાફિકને પણ નિયંત્રિત કરી શકે છે. હોર્મુઝની આસપાસથી અંદાજે 20 થી વધુ મોટી ઇન્ટરનેટ કેબલ્સ પસાર થાય છે, જે વિશ્વના કુલ ઇન્ટરનેટ ટ્રાફિકનો 17% થી 30% હિસ્સો વહન કરે છે. ઈરાન ખાસ કરીને 7 મુખ્ય કેબલ્સ પર ટેક્સ લગાવવાની તૈયારીમાં છે.
બેંકિંગ સેવાઓ, UPI ટ્રાન્ઝેક્શન, ક્લાઉડ સ્ટોરેજ, AI સેવાઓ અને ઓનલાઇન બિઝનેસ—આ બધું જ આ કેબલ્સ પર નિર્ભર છે. જો ઈરાન આ કેબલ્સની સુરક્ષાના નામે કે ટ્રાન્ઝિટ ફીના નામે પૈસા વસૂલશે, તો વૈશ્વિક ટેલિકોમ કંપનીઓ પર આર્થિક બોજ વધશે અને અંતે તો જનતાએ ઇન્ટરનેટ પ્લાન માટે વધુ કિંમત ચૂકવવી પડશે.
ભારત પર શું અસર પડશે?
ભારત માટે આ સમાચાર ચિંતાજનક છે. ભારતનું ડિજિટલ અર્થતંત્ર અત્યંત ઝડપથી વધી રહ્યું છે અને આપણી નિર્ભરતા આ દરિયાઈ માર્ગો પર ખૂબ વધારે છે.
60% ટ્રાફિક જોખમમાં: ભારતનો યુરોપ તરફ જતો અંદાજે 60% ઇન્ટરનેટ ટ્રાફિક મુંબઈથી લાલ સમુદ્ર અને હોર્મુઝવાળા માર્ગે જાય છે.
ધીમી સ્પીડ: જો ઈરાન ડેટાની ગતિ પર નિયંત્રણ લાવે અથવા ટેક્સને કારણે ટેકનિકલ અવરોધો ઊભા થાય, તો ભારતમાં ઇન્ટરનેટની સ્પીડ નોંધપાત્ર રીતે ઘટી શકે છે.
UPI અને બેંકિંગ: આપણી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ (UPI) અને બેંકિંગ સર્વર્સ મોટાભાગે વિદેશી ક્લાઉડ સર્વિસ સાથે જોડાયેલા હોય છે. ઇન્ટરનેટમાં ખલેલ પહોંચતા નાણાકીય વ્યવહારો અટકી શકે છે.
ભારતનો બાકીનો 40% ટ્રાફિક ચેન્નાઈથી સિંગાપોર અને પ્રશાંત મહાસાગરના માર્ગે જાય છે, પરંતુ પશ્ચિમના દેશો સાથે જોડાવા માટે આપણે આ અરબ સાગર અને ખાડીના માર્ગ પર જ નિર્ભર રહેવું પડે છે.
ભારતીય કંપનીઓની ચિંતા
રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને ટાટા કોમ્યુનિકેશન્સ જેવી દિગ્ગજ કંપનીઓએ પહેલેથી જ સરકાર પાસે આ કેબલ્સની સુરક્ષા માટે માંગ કરી છે. આ કંપનીઓએ અબજો રૂપિયાનું રોકાણ કરીને AAE-1, ફાલ્કન, અને SEA-ME-WE 4 જેવી કેબલ સિસ્ટમ્સ બનાવી છે. જો ઈરાન નવા નિયમો લાગુ કરશે, તો આ કંપનીઓના ખર્ચમાં જંગી વધારો થશે, જેનો સીધો માર ગ્રાહકોના ખિસ્સા પર પડશે.
ગયા વર્ષે પણ યુદ્ધ અને હુમલાઓને કારણે સમુદ્રની નીચેની ત્રણ કેબલ્સ તૂટી ગઈ હતી, જેના કારણે યુરોપ જતા 25% ડેટા ટ્રાફિકને અસર થઈ હતી. જો વર્તમાન તણાવ વધશે, તો ઇન્ટરનેટ સેવાઓ ઠપ્પ થવાનો ભય પણ સેવાઈ રહ્યો છે.

