“મેં ૧૨ મહિનામાં સદીઓનો બદલાવ લાવી દીધો, હવે અમેરિકાનો ગોલ્ડન એજ”: સ્ટેટ ઓફ ધ યુનિયન ૨૦૨૬માં ટ્રમ્પની ગર્જના
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ ૨૦૨૬ના સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધનમાં પોતાના એક વર્ષના કાર્યકાળને ઐતિહાસિક ગણાવતા પ્રચંડ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. વોશિંગ્ટનથી દેશને સંબોધિત કરતા ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે માત્ર ૧૨ મહિનાના ટૂંકા ગાળામાં એવો બદલાવ લાવી દીધો છે જે કરવામાં સદીઓ વીતી જતી હોય છે. તેમણે આ સમયગાળાને અમેરિકાના ઈતિહાસનો ‘સુવર્ણ યુગ’ (ગોલ્ડન એજ) ગણાવ્યો હતો.
“મને વારસામાં બરબાદ દેશ મળ્યો હતો”
પોતાના સંબોધનમાં ટ્રમ્પે અગાઉની બિડેન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે મેં એક વર્ષ પહેલા સત્તા સંભાળી ત્યારે દેશ સંકટમાં હતો. ઈકોનોમી થંભી ગઈ હતી, મોંઘવારી આસમાને હતી અને સરહદો સંપૂર્ણપણે ખુલ્લી હતી. ટ્રમ્પે ઉમેર્યું, “ત્યારે ક્રાઈમ રેટ વધુ હતો અને દુનિયાભરમાં અંધાધૂંધી મચી હતી. પરંતુ આજે ગર્વ સાથે કહી શકું છું કે મેં સદીઓનો બદલાવ લાવી દીધો છે. અમે એક મૃત દેશમાંથી ફરી જીવંત અને દુનિયાનો સૌથી ‘હોટ’ દેશ બની ગયા છીએ.”
‘ડ્રિલ બેબી ડ્રિલ’ અને તેલનું ઉત્પાદન
ટ્રમ્પે પોતાના પ્રચલિત નારા “ડ્રિલ, બેબી, ડ્રિલ” નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે અમેરિકા હવે કુદરતી ગેસ ઉત્પાદનમાં ટોચ પર છે. તેમણે દાવો કર્યો કે અમેરિકામાં તેલનું ઉત્પાદન પ્રતિદિન ૬ લાખ બેરલ વધી ગયું છે અને નવા ભાગીદાર વેનેઝુએલા પાસેથી પણ મોટી માત્રામાં તેલ મેળવવામાં આવ્યું છે. આ ઉપરાંત, તેમણે ટૂંકા ગાળામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ૭૦,૦૦૦ નવી નોકરીઓ ઉમેર્યાનો પણ શ્રેય લીધો હતો.
રોકાણ અને મોંઘવારી પર મોટા દાવા
આર્થિક મોરચે ટ્રમ્પે આંકડાકીય સરખામણી કરતા કહ્યું કે ગત સરકારના ચાર વર્ષમાં માંડ ૧ ટ્રિલિયન ડોલરનું રોકાણ આવ્યું હતું, જ્યારે મારા માત્ર ૧૨ મહિનાના શાસનમાં દુનિયાભરમાંથી ૧૮ ટ્રિલિયન ડોલરના રોકાણની પ્રતિબદ્ધતાઓ મળી છે. મોંઘવારી અંગે તેમણે કહ્યું કે ૨૦૨૫ના અંત સુધીમાં કોર ઈન્ફ્લેશન ઘટીને ૧.૭ ટકા પર આવી ગયું છે, જે છેલ્લા પાંચ વર્ષનું ન્યૂનતમ સ્તર છે. પેટ્રોલના ભાવ જે ૬ ડોલર હતા તે હવે ઘણા રાજ્યોમાં ૨.૩૦ ડોલરથી નીચે આવી ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું.
બોર્ડર સુરક્ષા અને ક્રાઈમમાં ઘટાડો
#WATCH | Addressing the 2026 State of the Union, United States President Donald Trump says, “I’m asking you to approve the Save America Act. Stop illegal aliens and others who are unpermitted persons from voting in our sacred American elections. Cheating is rampant in our… pic.twitter.com/uTLFcziwfj
— ANI (@ANI) February 25, 2026
સરહદ વિવાદ અંગે ટ્રમ્પે દાવો કર્યો કે છેલ્લા નવ મહિનામાં એક પણ ગેરકાયદેસર પ્રવાસીને દેશમાં પ્રવેશવા દેવાયા નથી. તેમણે ફેટનિલ (નશીલી દવા)ના પ્રવાહમાં ૫૬ ટકાનો ઘટાડો અને હત્યાના દરમાં ઐતિહાસિક ઘટાડાની વાત કરી હતી. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે અમેરિકા માત્ર એવા લોકોને જ આવકારશે જેઓ કાયદેસર રીતે આવશે અને દેશને પ્રેમ કરશે.
૮ યુદ્ધો રોકવાનો દાવો અને ભારત-પાકનો ઉલ્લેખ
વિદેશ નીતિ પર બોલતા ટ્રમ્પે મોટો દાવો કર્યો કે તેમણે અત્યાર સુધીમાં દુનિયાના ૮ સંભવિત યુદ્ધો રોક્યા છે. આ દરમિયાન તેમણે ફરી એકવાર ભારત-પાકિસ્તાન વચ્ચેનું પરમાણુ યુદ્ધ રોક્યાનો દાવો દોહરાવ્યો હતો. જોકે, ભારત આ પ્રકારના દાવાઓને અગાઉ ઘણી વખત ફગાવી ચૂક્યું છે. ટ્રમ્પે કહ્યું કે જો મેં મધ્યસ્થી ન કરી હોત તો પરમાણુ યુદ્ધમાં ૩.૫ કરોડ લોકો માર્યા ગયા હોત.
