શું ટ્રમ્પ સુપ્રીમ કોર્ટનો આદેશ ફગાવી શકે? ટેરિફ વિવાદમાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ કેવા પગલાં લેવાઈ શકે?
અમેરિકાની સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ઈમરજન્સી ટેરિફને ગેરબંધારણીય જાહેર કર્યા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ટેરિફ એ એક પ્રકારનો ટેક્સ છે અને અમેરિકી બંધારણ મુજબ ટેક્સ લાદવાનો અધિકાર માત્ર ‘કોંગ્રેસ’ (સંસદ) પાસે છે, રાષ્ટ્રપતિ પાસે નહીં. આ ચુકાદાએ અમેરિકામાં રાષ્ટ્રપતિની અસીમિત સત્તાઓ પર લગામ લગાવી દીધી છે.
સત્તાનું વિભાજન: બંધારણનું મજબૂત માળખું
અમેરિકી લોકશાહી ‘સેપરેશન ઓફ પાવર્સ’ એટલે કે સત્તાના વિભાજનના સિદ્ધાંત પર ટકેલી છે. બંધારણ મુજબ, કોંગ્રેસનું કામ કાયદો બનાવવાનું અને ટેક્સ નક્કી કરવાનું છે, જ્યારે રાષ્ટ્રપતિની જવાબદારી તે કાયદાઓનો અમલ કરવાની છે. ન્યાયતંત્ર એ સુનિશ્ચિત કરે છે કે સરકારનું દરેક પગલું બંધારણીય મર્યાદામાં હોય. સુપ્રીમ કોર્ટે ‘મેજર ક્વેશ્ચન ડોક્ટ્રિન’નો ઉલ્લેખ કરતા કહ્યું કે, જે નિર્ણયોની દેશના અર્થતંત્ર પર મોટી અસર પડતી હોય, તેના માટે સંસદની મંજૂરી અનિવાર્ય છે.
જો ટ્રમ્પ આદેશ ન માને તો શું થાય?
સવાલ એ થાય છે કે જો કોઈ શક્તિશાળી રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના આદેશને નકારે તો શું થઈ શકે? અમેરિકી વ્યવસ્થામાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય અંતિમ અને સર્વોપરી છે. રાષ્ટ્રપતિ કોઈપણ એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા કોર્ટના ચુકાદાને પલટાવી શકતા નથી. જો ટ્રમ્પ ફરી એ જ કાયદાકીય આધારે ટેરિફ લાદવાનો પ્રયાસ કરે જેને કોર્ટ અમાન્ય ઠેરવી ચૂકી છે, તો તે સીધું જ બંધારણનું ઉલ્લંઘન ગણાશે. અમેરિકામાં કાયદો રાષ્ટ્રપતિથી ઉપર છે.
બંધારણીય કટોકટી અને મહાભિયોગનું જોખમ
સુપ્રીમ કોર્ટ પાસે પોતાની સેના કે પોલીસ હોતી નથી, પરંતુ તેના આદેશોનું પાલન કરવું બંધારણીય રીતે ફરજિયાત છે. જો રાષ્ટ્રપતિ જાહેરમાં કોર્ટની અવમાનના કરે, તો દેશમાં ગંભીર બંધારણીય કટોકટી સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ (Impeachment) ની પ્રક્રિયા શરૂ કરી શકે છે. હવે ટ્રમ્પ પાસે માત્ર બે જ રસ્તા છે: કાં તો તેઓ કોંગ્રેસ પાસે નવો કાયદો પસાર કરાવે અથવા વ્યાપાર નીતિના અન્ય કાયદેસરના વિકલ્પો શોધે.
કાયદો સર્વોપરી છે
આ ચુકાદાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે અમેરિકામાં લોકશાહીના સ્તંભો અત્યંત મજબૂત છે. રાષ્ટ્રપતિ પાસે ગમે તેટલી શક્તિ હોય, પરંતુ તેઓ બંધારણ દ્વારા નિર્ધારિત લક્ષ્મણરેખા ઓળંગી શકતા નથી. આ વિવાદ હવે આગામી દિવસોમાં અમેરિકી રાજકારણ અને વૈશ્વિક વ્યાપાર પર કેવી અસર કરે છે, તેના પર સમગ્ર વિશ્વનીનજર રહેશે.

