બહાર જેવી ક્રિસ્પી ભેલ પુરી હવે ઘરે બનાવવી સાવ સરળ, આ રહી સિક્રેટ રેસીપી
તહેવારોનો માહોલ હોય અને રસોડામાં ચટપટી વાનગીઓની સુગંધ ન આવે તેવું બને જ નહીં. ખાસ કરીને હોળી-ધૂળેટી જેવા પર્વોમાં જ્યારે મિત્રો અને સંબંધીઓ ઘરે આવે છે, ત્યારે સમયના અભાવે કંઈક એવું બનાવવાની ઈચ્છા હોય છે જે ઝડપથી તૈયાર થઈ જાય અને ખાવામાં પણ લાજવાબ હોય. ‘ભેલ પુરી’ એવો જ એક ભારતીય નાસ્તો છે જે દરેક ઉંમરની વ્યક્તિને પસંદ પડે છે.
સૌથી સારી વાત એ છે કે ઘરે ભેલ પુરી બનાવવા માટે તમારે કોઈ પણ ફેન્સી સામગ્રીની જરૂર નથી. તમારી રસોઈમાં રહેલી સામાન્ય વસ્તુઓથી જ તમે બજાર જેવો સ્વાદ લાવી શકો છો.
જરૂરી સામગ્રી (Ingredients)
ભેલ પુરી બનાવવા માટે નીચે મુજબની સામગ્રી એકઠી કરી લો:
-
મર્મરા (પફડ રાઇસ): ૫૦૦ ગ્રામ
-
મગફળીના દાણા: ૧ વાટકી
-
સેવ અથવા દાલમોથ: અડધી વાટકી
-
ચટણી: ૨ ચમચી લીલી ચટણી (તીખી) અને ૨ ચમચી મીઠી ચટણી (આંબલી-ગોળની)
-
મસાલા: સ્વાદ મુજબ મીઠું, ચાટ મસાલો અને થોડી હળદર
-
શાકભાજી: બારીક સમારેલી કોથમીર (જો ઈચ્છો તો ડુંગળી, ટામેટા અને બાફેલા બટાકા ઉમેરી શકાય)
-
અન્ય: ૧ મોટું લીંબુ, થોડી રાયતા બુંદી અને તળવા માટે તેલ
ભેલ પુરી બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત
મમરા ક્રિસ્પી બનાવો સૌ પ્રથમ એક કડાઈમાં થોડું તેલ ગરમ કરો. તેમાં મગફળીના દાણા ઉમેરીને લાલ થાય ત્યાં સુધી તળો. હવે તેમાં ચપટી હળદર અને મમરા ઉમેરો.મમરાને ૨-૩ મિનિટ ધીમા તાપે શેકવાથી તે એકદમ ક્રિસ્પી (કુરકુરા) થઈ જશે.
મિશ્રણ તૈયાર કરો શેકેલા મમરાઅને મગફળી ઠંડા થાય એટલે તેને એક મોટા વાસણમાં લો. હવે તેમાં લીલી તીખી ચટણી અને ગળી ચટણી ઉમેરો. ત્યારબાદ તેમાં મીઠું, ચાટ મસાલો અને જો તમને ગમતું હોય તો ધાણા જીરું પાવડર ઉમેરો.
લીંબુ અને શાકભાજીનો ઉમેરો હવે તે જ વાસણમાં લીંબુનો રસ નીચોવો. જો તમે ભેલને વધુ હેલ્ધી અને સ્વાદિષ્ટ બનાવવા માંગતા હોવ, તો તેમાં બારીક સમારેલી ડુંગળી, ટામેટા અને બાફેલા બટાકાના ટુકડા ઉમેરો. આ સામગ્રી ઉમેરવાથી ભેલમાં બહાર જેવો ‘સ્ટ્રીટ ફૂડ’ ટેસ્ટ આવશે.
મિક્સિંગ અને ગાર્નિશિંગ બધી જ સામગ્રીને ચમચી કે હાથની મદદથી બરાબર મિક્સ કરો જેથી મસાલો અને ચટણી મમરામાં બરાબર ભળી જાય. અંતમાં ઉપરથી બારીક સેવ (દાલમોથ), બુંદી અને પુષ્કળ બારીક સમારેલી કોથમીર ભભરાવો.
પીરસવાની રીત
તમારી ગરમાગરમ મસાલેદાર ભેલ પુરી તૈયાર છે! તેને તરત જ પીરસો, કારણ કે વધુ સમય રાખવાથી મમરા પોચા પડી શકે છે. તમે તેને કાગળના કોન (પુડા) માં આપીને અસલી મુંબઈ ભેલનો અનુભવ પણ મહેમાનોને કરાવી શકો છો.
હોળીના રંગોની વચ્ચે આ ચટપટી ભેલ તમારી મહેમાનગતિમાં ચાર ચાંદ લગાવી દેશે. આ રેસીપી એટલી સરળ છે કે બાળકો પણ તેને હોંશે હોંશે બનાવી શકે છે. તો આ વખતે બહારથી નાસ્તો મંગાવવાને બદલે, ઘરે જ શુદ્ધ અને સ્વાદિષ્ટ ભેલ પુરી ટ્રાય કરો.

