બિહારના રાજકારણમાં મોટો ઉલટફેર: મુખ્યમંત્રી પદ છોડી નીતિશ કુમાર હવે રાજ્યસભા જશે, જાણો શું છે કારણો
બિહારના રાજકારણના ‘ચાણક્ય’ ગણાતા નીતિશ કુમારે ફરી એકવાર સૌને ચોંકાવી દીધા છે. ૨૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ રેકોર્ડ ૧૦મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના માત્ર સાડા ત્રણ મહિના બાદ જ નીતિશ કુમારે બિહારના સક્રિય રાજકારણને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે. જેડીયુ (JD-U) સુપ્રીમો હવે રાજ્યસભાની ચૂંટણી લડીને દિલ્હીના રાજકારણમાં પ્રવેશ કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના સૌથી પ્રભાવશાળી નેતાના આ અચાનક એક્ઝિટે વિપક્ષ અને સત્તાધારી ગઠબંધન બંનેમાં ચર્ચાઓ જગાવી છે.
સ્વાસ્થ્યના કારણો બન્યા મુખ્ય અવરોધ
નીતિશ કુમારના આ નિર્ણય પાછળનું સૌથી મોટું કારણ તેમનું કથળતું સ્વાસ્થ્ય હોવાનું માનવામાં આવે છે. છેલ્લા કાર્યકાળ દરમિયાન પણ તેઓ અનેકવાર બીમાર પડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેડીયુ નેતૃત્વ પર દબાણ હતું કે મુખ્યમંત્રીની તબિયતને જોતા કોઈ મોટો નિર્ણય લેવામાં આવે. સોશિયલ મીડિયા અને જાહેર કાર્યક્રમોમાં નીતિશ કુમારના તાજેતરના વીડિયો જોઈને પણ લોકોમાં તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા જોવા મળી હતી. એવી પણ ચર્ચા હતી કે નીતિશની માંદગીને કારણે રાજ્યનો વહીવટ સંપૂર્ણપણે અમલદારોના હાથમાં જતો રહ્યો હતો.
વારસદારની એન્ટ્રી અને પારિવારિક ગણિત
નીતિશ કુમારના આ આકસ્મિક રાજીનામા પાછળ ‘ઉત્તરાધિકારી’ની યોજના પણ હોઈ શકે છે. રાજકીય વર્તુળોમાં એવી પ્રબળ ચર્ચા છે કે નીતિશ કુમારના પુત્ર નિશાંત હવે રાજકારણમાં સક્રિય થઈ શકે છે. શક્ય છે કે નવી સરકારમાં નિશાંતને બિહારના નાયબ મુખ્યમંત્રી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવે. ૭૫માં જન્મદિવસે જ નીતિશ કુમારે આ રીતે પદ છોડીને પોતાના પુત્ર માટે રસ્તો સાફ કર્યો હોવાનું વિશ્લેષકો માની રહ્યા છે.
ભાજપ હવે ‘મોટા ભાઈ’ની ભૂમિકામાં
નીતિશ કુમારના હટવાથી બિહારમાં ભાજપ અને જેડીયુ વચ્ચેના સંબંધોનું સમીકરણ પણ બદલાશે. અત્યાર સુધી નીતિશ કુમારની લોકપ્રિયતા અને મહિલા મતદારોમાં તેમની પકડને કારણે ભાજપે તેમને મુખ્યમંત્રી પદ સોંપ્યું હતું, ભલે ભાજપ પાસે બેઠકો વધુ હોય. પરંતુ હવે નીતિશ કુમારના ગયા પછી બિહારના આગામી મુખ્યમંત્રી ભાજપના જ કોઈ નેતા બને તેવી પૂરેપૂરી શક્યતા છે. ૨૦૨૦ અને ૨૦૨૫ની ચૂંટણીઓમાં ભાજપ જેડીયુ કરતા મોટો પક્ષ બનીને ઉભર્યો છે, તેથી હવે સત્તાનું સુકાન ભાજપના હાથમાં આવે તે સ્વાભાવિક છે.

