ડીહાઈડ્રેશનનું જોખમ: શું તમે પણ તરસ લાગે ત્યારે જ પાણી પીવો છો? આ આદત તમારી કિડનીને કરી શકે છે બીમાર
ઘણા લોકો પાણી ત્યારે જ પીવે છે જ્યારે તેમને તરસ લાગે છે. જોકે, તમારી આ આદત તમને ભારે પડી શકે છે. નિષ્ણાતોના મતે, કિડનીના સ્વાસ્થ્ય માટે પાણી પીવાની સાચી રીત જાણવી ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ યુરોલોજિસ્ટ આ વિશે શું સલાહ આપે છે.
તરસ લાગે ત્યારે જ પાણી પીવું કેમ જોખમી છે?
આપણને લાગે છે કે પાણી પીવું એ તો સામાન્ય બાબત છે, પણ કિડની માટે તે જીવન-મરણનો સવાલ છે. કિડની આપણા લોહીને સાફ કરે છે, શરીરમાંથી ઝેરી તત્વો (ટોક્સિન્સ) બહાર કાઢે છે અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવે છે.
જ્યારે આપણે તરસ લાગે ત્યાં સુધી રાહ જોઈએ છીએ, ત્યારે ખરેખર તો આપણું શરીર પહેલેથી જ થોડું ડીહાઈડ્રેટ થઈ ચૂક્યું હોય છે. આ સ્થિતિમાં કિડની પર વધારાનું દબાણ આવે છે. લાંબા સમય સુધી આ આદત રાખવાથી કિડનીમાં પથરી (Stone), યુરિન ઇન્ફેક્શન અને કિડનીની ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે.
પાણીને લઈને પ્રવર્તતી ગેરમાન્યતાઓ
ઘણા લોકો માને છે કે દિવસમાં ચા, કોફી કે જ્યુસ પીવાથી પાણીની ઉણપ પૂરી થઈ જાય છે. પરંતુ વાસ્તવમાં કેફીન અને સુગરવાળા પીણાં શરીરમાંથી પાણીને ઝડપથી બહાર કાઢી નાખે છે.
બીજી તરફ, કેટલાક લોકો એવું માને છે કે જેટલું વધારે પાણી પીવાય એટલો ફાયદો. આ પણ એક ભૂલ છે. ખૂબ જ ટૂંકા સમયમાં 3 થી 4 લિટર પાણી પી લેવાથી લોહીમાં સોડિયમનું સ્તર ઘટી જાય છે, જેને તબીબી ભાષામાં ‘હાઈપોનેટ્રેમિયા’ કહેવામાં આવે છે. આનાથી મગજમાં સોજો અથવા અન્ય ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
યુરોલોજિસ્ટની સલાહ
યુરોલોજિસ્ટ ડો. અજય અગ્રવાલે જણાવ્યું છે કે, કિડનીને હંમેશા સંતુલિત માત્રામાં પાણીની જરૂર હોય છે. ઓછું પાણી પીવાથી પેશાબ ઘટ્ટ થઈ જાય છે, જેના કારણે પથરી અને ઈન્ફેક્શનની શક્યતા વધી જાય છે. ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસ અથવા હૃદયની બીમારી છે, તેમણે પાણીના સેવન બાબતે વધુ સાવધ રહેવું જોઈએ કારણ કે વધુ પડતું પાણી તેમના હૃદય અને કિડની પર દબાણ વધારી શકે છે.
કોણે કેટલું પાણી પીવું જોઈએ?
‘દિવસમાં 8 ગ્લાસ પાણી’ વાળો નિયમ દરેક વ્યક્તિ માટે સરખો નથી હોતો. તે તમારી જીવનશૈલી, કસરત અને હવામાન પર આધાર રાખે છે.
- સામાન્ય રીતે: મહિલાઓને દિવસમાં આશરે 2.2 લિટર અને પુરુષોને 3 લિટર પ્રવાહીની જરૂર હોય છે.
- શરીરનો સંકેત: તમારું શરીર પોતે જ સંકેત આપે છે. જો પેશાબનો રંગ આછો પીળો હોય, તો તમારું હાઈડ્રેશન યોગ્ય છે. જો રંગ ઘાટો પીળો હોય, તો સમજવું કે શરીરમાં પાણીની ઉણપ છે, અને જો પેશાબ એકદમ સફેદ કે પાણી જેવો હોય, તો તમે જરૂર કરતાં વધુ પાણી પી રહ્યા છો.
સ્વસ્થ રહેવા માટે શું કરવું?
માત્ર તરસ પર નિર્ભર રહેવાને બદલે દિવસ દરમિયાન સમયાંતરે થોડું-થોડું પાણી પીતા રહેવાની આદત પાડો. ખાસ કરીને ઉનાળામાં કે કસરત કરતી વખતે પાણીનું પ્રમાણ વધારવું જોઈએ. સંતુલિત આહાર અને સાચી રીતે પાણી પીવાની આદત તમારી કિડનીને લાંબા સમય સુધી સુરક્ષિત રાખશ.

